ગુજરાતમાં ટેક્સ્ટાઇલ ઉદ્યોગ જોરમાંઃ સ્પિનિંગ ક્ષમતામાં એક વર્ષમાં 3,500 કરોડનું રોકાણ થશે

| Updated: April 25, 2022 1:26 pm

અમદાવાદઃ રાજ્યના સ્પિનિંગ ઉદ્યોગમાં ફરી પાછો તેજીનો પવન ફૂંકાયો છે. છેલ્લા બે વર્ષથી રાજ્યની સ્પિનિંગ મિલોમાં શાનદાર તેજી ચાલી રહી છે અને તેમના નફા માર્જિનમાં પણ વધારો થયો છે. તેના લીધે યાર્નની ઉત્પાદન ક્ષમતા પણ વધી છે.

સ્પિનર્સ એસોસિયેશન કે એસએજી સૂચવે છે કે આગામી વર્ષે રાજ્યમાં સ્પિનિંગ ક્ષેત્રે 3,500 કરોડનું રોકાણ હાથવગુ છે. આના લીધે સાત લાખ નવા સ્પિન્ડલ્સ ઉમેરાશે. તેની સાથે રાજ્યની સ્પિનિંગ ક્ષમતામાં પણ ઉમેરો થશે.

ગયા વર્ષે સ્પિનિંગ ઉદ્યોગે અકલ્પનીય નફો નોંધાવ્યો હતો. ઘણી સ્પિનિંગ મિલો વિસ્તરણ કરવાનું આયોજન કરે છે. આગામી વર્ષ સુધીમાં કમસેકમ દસ નવી સ્પિનિંગ મિલો તેનું કામ શરૂ કરી શકે છે, એમ એસએજીનો અંદાજ કહે છે.

એસએજીના પ્રમુખ સૌરિન પ્રમુખે જણાવ્યું હતું કે કપાસના ભાવ ઓલટાઇમ હાઈ છે. તેના લીધે યાર્ન ઉત્પાદકો સારા માર્જિન મેલવી શકે છે. સારી માંગ અને સારા કારોબારની સંભાવનાને ધ્યાનમાં લઈને કેટલીય સ્પિનિંગ મિલો વિસ્તરણ માટે આયોજન કરી રહી છે. તેના લીધે આગામી 18થી 24 મહિનામાં સાતથી દસ લાખ સ્પિન્ડલ્સનો ઉમેરો થઈ શકે છે.

ગુજરાતમાં હાલમાં 110 સ્પિનિંગ મિલ્સ છે અને તેની સ્થાપિત ક્ષમતા 45 લાખ સ્પિન્ડલ છે. આમાની મોટાભાગની મિલો 2012ની ટેક્સ્ટાઇલ પોલિસી પછી સ્થપાઈ છે. યાર્ન ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટે આ યોજના લાવવામાં આવી હતી.

એસએજીના ચેરમેનના જણાવ્યા મુજબ ગુજરાત 2012થી કપાસ ઉત્પાદનમાં અગ્રણી રાજ્ય હોવા છતાં પણ તેની પાસે નોંધપાત્ર પ્રમાણમાં સ્પિનિંગ ક્ષમતા ન હતી. 2017 સુધીમાં તો રાજ્યમાં નવી મિલો ઉમેરાવવા લાગી હતી અને છેલ્લા પાંચ વર્ષમાં સ્પિનરોએ સ્થાનિક માંગ તો પૂરી કરી જ છે પણ નિકાસ મોરચે પણ નોંધપાત્ર કામગીરી બજાવી છે. ગુજરાતના કપાસની ગુણવત્તા બીજા રાજ્યોના કપાસ કરતા સારી હોવાના લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ગુજરાતમાં કપાસની માંગ સારી હોય છે. નવા રોકાણના લીધે ટેક્સ્ટાઇલ સેક્ટરમાં ગુજરાતની સ્થિતિ વધુ મજબૂત બનશે.

કોવિડ-19 લોકડાઉન ખતમ થયા પછી અમેરિકા અને યુરોપના ઉત્પાદકોએ તેમના સોર્સિંગના ધારાધોરણ બદલતા ભારતના કોટન યાર્નની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. તેઓ હવે ચીનથી દૂર થઈ રહ્યા છે. ભારતની કોટન યાર્ન, ફેબ્રિક્સ અને મેડ-અપની નિકાસ 2021-22માં 55 ટકા વધીને 15.29 અબજ ડોલર થઈ હતી.

ઉદ્યોગના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ઇન્ડિયા કોટન યાર્ન અને ફેબ્રિક્સ નિકાસ ઓસ્ટ્રેલિયા અને યુએઇના બજારમાં મજબૂત વૃદ્ધિ સાથે જારી રહેશે. તેનું કારણ એ છે કે બંને બજારમાં તે ડ્યુટી ફ્રી એક્સેસ ધરાવે છે. ગુજરાતમાં સ્પિનિંગ ક્ષમતા વધતા જતા કપાસની માંગ પણ વધશે.

Your email address will not be published.