સુરતના પાલનપુર જકાતનાકામાં રહેતા શીતલ ધનસુખ ગાંધીને બ્રેઈન હેમરેજ થતા હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટરે તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. જેને પગલે તેમના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યું હતું.
શહેરના પાલનપુર જકાતનાકા પાસે આવેલ પૂજન રો-હાઉસમાં રહેતા 49 વર્ષીય શીતલ ધનસુખ ગાંધીને બે-ત્રણ દિવસથી માથામાં દુઃખાવો અને ઉલટી થતી હતી. ગુરુવાર 14 એપ્રિલના રોજ રાત્રે 9:00 કલાકે પરિવારજનોએ તેમને યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલમાં ડૉ.વિજય મેહતાની સારવાર હેઠળ દાખલ કર્યા હતા. તેમના માથામાં દુખાવાનું કારણ જાણવા માટે મગજનું MRI કરાવતા તેમના મગજને લોહી પહોંચાડતી નસો સાંકળી થઇ ગયેલ હોવાનું તેમજ મગજની અંદરની નસો ફૂલી ગયેલ અને ફૂલેલ ભાગ ફાટી ગયેલ હોવાનું નિદાન થયું હતું. જેના માટે કોઈલીંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મગજની બીજી નસો પણ ફૂલી જતા મગજમાં લોહી વહી જવાથી બ્રેઈન હેમરેજ થયું હતું.
શનિવાર 16 એપ્રિલના રોજ ખાનગી હોસ્પિટલ દ્વારા તેમને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ન્યુરોસર્જન ડૉ.જેનીલ ગુરનાનીએ ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી શીતલના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી હતી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી શીતલના પિતરાઈ ભાઈ બંસી ગાંધી સાથે રહી શીતલના પત્ની કામીનીબહેન, પુત્રી વૈદેહી, બનેવી કિરણ, રમીલાબહેન તેમજ પ્રવીણ ઓલીયાવાળા, ભદ્રેશ શેઠના, ભત્રીજા પ્રશાંત અને રત્નેશ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.
આ બાબતે શીતલના પત્ની કામીનીબહેને જણાવ્યું કે અમે સામાન્ય પરિવારના છીએ. મારા પતિની સારવારનો ખર્ચ પણ અમે જેમ તેમ કરીને કર્યો છે. મારા પતિ મેડીકલ સ્ટોરમાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતા હતા. હું ઘરે સિલાઈ કામ કરીને તેઓને અમારા પરિવારના જીવન નિર્વાહમાં મદદ કરું છું. મારા પતિ બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત છે. શરીર તો બળીને રાખ જ થઇ જવાનું છે, જો મારા પતિના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળશે તો અમને એવું લાગશે કે મારા પતિ આ દુનિયામાં જીવિત જ છે. તેમના પિતરાઈ ભાઈ બંસી ગાંધીએ પણ મને અંગદાન માટે જણાવ્યું હતું. આમ હૃદયને કઠણ કરીને ખુબ જ ભારે હૈયે શીતલના પત્ની કામીનીબહેને અંગદાન માટે સંમતી આપી હતી.
તેમની પુત્રી વૈદેહી કોલેજમાં S.Y.B.COMમાં અભ્યાસ કરે છે. સાથે CAનો અભ્યાસ પણ કરી રહી છે. સોમવારે તેની S.Y.B.COMની પરીક્ષા હતી. આ પરીક્ષા આપ્યા પછી પુત્રી વૈદેહીએ ભારે હૈયે પિતાને અગ્નિદાહ આપ્યો હતો. સલામ છે વૃદ્ધ માતા-પિતા ધનસુખભાઈ અને ઉષાબહેન, શીતલની પત્ની કામીનીબહેન અને પુત્રી વૈદેહીને તેમના નિર્ણયને.
(અહેવાલ : મયુર મિસ્ત્રી)