અમદાવાદ શહેરના સાહિત્ય રસિકો તેમજ વાંચનની રુચી ધરાવતા લોકો માટે શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલયમાં અમદાવાદના મેયર કિરીટ પરમારની અધ્યક્ષતામાં આજે મળેલા અંદાજપત્રની સભામાં ગ્રંથપાલ ડો. બિપીન મોદીએ વર્ષ 2022-23 માટે રુ. 15 કરોડ 33 લાખ 25 હજારના રજૂ કરેલા ડ્રાફ્ટ અંદાજપત્રમાં માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય વ્યવ્સથાપક મંડળ દ્વારા 1 કરોડ 90 લાખના નવીન આયોજનો સામેલ કરી રુ. 17 કરોડ 13 લાખ 25 હજારનું બજેટ કરવામાં આવ્યું છે. આ નવીન આયોજનો અમદાવાદ મહાનગરની વાચનપ્રેમી જનતાને ઉપયોગી થવાના હેતુસાર નક્કી કરવામાં આવ્યું છે. શેઠ મા.જે પુસ્તકાલયના અંદાજપત્રની માહિતી આપતા મેયરે જણાવ્યું હતુ કે, મા.જે પુસ્તકાલયમાં તેમજ તેના સંલગ્ન શાખા પુસ્તકાલયોમાં દૈનીક સરેરાશ 2 હજાર વાચકો આવતા હોય છે.
MJ લાઈબ્રેરીમાં પરીક્ષાની તૈયારી અને સ્વમૂલ્યાંકન કરી શકે તે માટે વિવિધ પ્રકારના મોડ્યુલના આયોજન માટે રુ.30 લાખની બજેટમાં જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત પ્રચલિત પુસ્તકોનું ડિજિટાઈલાઈઝેશન કરવા માટે રુ.10 લાખનું આયોજન કરવામાં આવ્યું છે. MJ લાઈબ્રેરીમાં ડોક્યુમેન્ટ્રી બનાવવા માટે રુ. 5 લાખની જોગવાઈ કરવામાં આવી છે. દેશ- વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી નગરજનો માહિતગાર થાય તે હેતુથી MJ લાઈબ્રેરીની આવેલા ઓવરબ્રિજની બંન્ને બાજુ લાઈવ સ્ક્રોલ માટે રુ. 5 લાખની જોગવાઈ કરવામાં આવી છે. MJ લાઈબ્રેરીની બંન્ને બાજુ એલ.ઈ.ડી સ્ક્રીન લગાવવા માટે રુ. 3 લાખની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં દૂરના પરા વિસ્તારમાં રહેતા બાળકો, મહિલાઓ, દિવ્યાંગો
તેમજ સિનીયર સિટીઝન વાંચન સાહિત્યથી વિમુખ ન રહે તે માટે અને તેઓને ઘરઆંગણે સેવા મળી રહે તે માટે 2 ફરતા પુસ્તકાલય શરુ કરવા રુ. 60 લાખની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે. પસંદિત 2 વાચનાલયોને પુસ્તકાલયમાં ઈમારતના સંવર્ધન માટે ભવનના બહારના ભાગમાં વોટરપ્રુફ કલરથી રંગરોગાન કરવા રુ. 15 લાખની જોગવાઈ કરેલ છે જ્યારે MJ પુસ્તકાલયના પરિસરમાં પેવર બ્લોક, હેરિટેજ પ્રવેશ દ્વારા તેમજ વાહન પાર્કિંગના આયોજન માટે રુ. 10 લાખનું આયોજન કરાયુ છે. MJ લાઈબ્રેરીના સ્થાપનાદિન નિમિત્તે ગાંધી સન્માન યાત્રા તેમજ પ્રબુદ્વ લેખકોનું બહુમાન કરવા માટે બજેટમાં રુ. 1 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. અંદાજપત્રની આ સભામાં સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશભાઈ બારોટ, સ્કૂલબોર્ડના ચેરમેન ડો. સુજય મહેતા, વિદ્વાન સભ્યો કિશોરભાઈ મકવાણા અને ડો. હેમંત ભટ્ટ સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા.