વડોદરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં સ્થાયી સમિતિ અને સામાન્ય સભાનો છેદ ઉડાવી નંખાયો

|VADODARA | Updated: May 6, 2022 6:28 pm

વડોદરા: કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર ચંદ્રકાંત ભથ્થુ દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને અરજી કરીને માંગ કરવામાં આવી છે કે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ કંપનીને કોર્પોરેશન આગામી વર્ષ 2022-23માંથી કોઈપણ પ્રકારનો બજેટ ફાળો ન આપે.

કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી મિશન હેઠળ કાર્યરત એસવીપી કંપનીનો સમયગાળો પૂરો થતા આ માંગ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે આ કંપનીને કોઈપણ કામ આરસીબી બજેટમાંથી આપવામાં ન આવે. તેમણે મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલને રજૂવાત કરતા જણાવ્યું છે કે, સ્માર્ટ સિટી અંતર્ગત સ્થાયી સમિતિ અને સામાન્ય સભાનો છેદ ઉડાવી નાખવામાં આવ્યો છે.

સ્માર્ટ સિટીની કંપની એસપીવીમા કલેકટર ,પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરનો સમાવેશ થાય છે. જ્યારે સ્થાયી સમિતિ અધ્યક્ષનો નામ ખાતર સમાવેશ કર્યો છે. ખાસ કરીને શહેરના પ્રથમ નાગરિક મેયરનું પણ આ કંપનીમાં કોઈ સ્થાન નથી. જે દુઃખદ બાબત છે.

વિકાસમાં વિરોધ ન થાય જેથી જે તે સમયે સર્વાનુમતે મંજૂરી અપાઈ હતી પરંતુ સભામાં મેયરને પણ આમાંથી બાકાત રાખવામાં આવ્યા હોવા બાબતની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. વર્ષ 2016 દરમિયાન સ્માર્ટ સિટી માટે એસપીવી કંપનીને મંજૂરી આપવામાં આવી હતી. પાંચ વર્ષ માટે ભારતના 100 શહેરોને સ્માર્ટ સિટી બનાવવા ભારત સરકારના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત આ મંજૂરી આપી હતી.

સ્માર્ટ સિટીમાં એરિયાબેઝ્ડ ડેવલોપમેન્ટમાં અકોટા દાંડિયાબજાર બ્રિજ ચારરસ્તાથી હેવમોર ચાર રસ્તા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે વિસ્તાર આજે પણ અગાઉની માફક જ છે. સ્કાડા સિસ્ટમ નિષ્ફળ નીવડી છે. સાયકલ શેરીંગનો પ્રોજેક્ટ પડતો મુકાયો છે. તે સિવાય પણ અન્ય ઘણા પ્રોજેક્ટ પડતા મૂકયા છે.

હવે માર્ચ મહિના દરમિયાન સ્માર્ટ સિટી કંપનીની મુદત પૂર્ણ થઇ ગઇ છે. જેથી હવે સ્માર્ટ સિટી હેઠળ નવું ડાયરેક્શન આવે તો સભાની મંજૂરી અર્થે દરખાસ્ત અનિવાર્ય રહેશે. કંપનીની અવધિ પૂર્ણ થતાં હવે આગામી વર્ષ કોર્પોરેશનના બજેટમાંથી સ્માર્ટ સિટીને ફાળો આપવો નહીં. અને જોબ ફાળો આપવાનો થાય તો સામાન્ય સભાની મંજૂરી જરૂરી રહેશે. તેવી રજૂઆત કરવામાં આવી છે.

Your email address will not be published.