ગુજરાતમાં ડાંગરની ખરીદી માટે સરકાર દ્વારા અપૂરતી વ્યવસ્થાઃ ખેડૂતોમાં નારાજગી

| Updated: December 1, 2021 1:27 pm

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની ૠતુમાં સૌથી વધુ 40 લાખ ગુણ ડાંગર પાકે છે. સરકારે જે ટેકાનો ભાવ જાહેર કર્યો છે તે પણ સૌથી વધુ છે.

પરંતુ આ ખરીદી માટે જે સેન્ટરો નક્કી કર્યા છે, ત્યાં યોગ્ય વ્યવસ્થા નહીં હોવાથી સરકાર માંડ 10 હજાર ડાંગરની ગુણો ખરીદી શકે છે.

જેને પગલે ખેડૂતોએ સરકાર પાસે રજુઆત કરી છે કે, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની જેમ અન્ય એજન્સીઓ કે પછી સહકારી મંડળીઓ વધુ હોવાથી ખરીદી માટે સત્તા તેમને આપવામાં આવે તો જ ભવિષ્યમાં મંડળીઓ અને ખેડુતો બન્ને બચશે.

નહીંતર ખેડુતો આર્થિક ફટકા પર ફટકા ખાતા રહેશે. છેલ્લા બે ત્રણ વર્ષથી ખેડુત આગેવાનો ડાંગર ખરીદવાની સત્તા મંડળીઓ કે એપીએમસીને આપવા માટે રજુઆતો પર રજુઆતો કરવા છતા સરકાર તરફથી કોઈ નિર્ણય લેવાતો નથી.

ખેડૂતોના કહેવા પ્રમાણે આ વર્ષે ખેડુતોને ડાંગરના પાક પર મોટો ફટકો પડયો છે. અને મંડળીઓ કે વેપારીઓ 20 કિલો ડાંગરના ભાવ રૂ 325 થી 340 વચ્ચે આપી રહ્યા છે.

જયારે સરકાર ટેકાના ભાવ રૂ.388 જાહેર કર્યા છે. આથી ખેડુતોને 20 કિલો ડાંગર પર સીધો 40 થી 50નો ફાયદો થઇ જાય તેમ છે. પરંતુ સરકારે જે સેન્ટરો નક્કી કર્યા છે. ત્યાં એવી હાલત છે કે, મહિનો થવા આવ્યો છતા હજુ સુધી સેન્ટર પર ખરીદી શરૂ થઇ નથી. આ અવ્યવસ્થાના કારણે ખેડૂતોને મોટુ નુકસાન થઇ રહ્યુ છે.

(અહેવાલઃ મયૂર મિસ્ત્રી)

Your email address will not be published. Required fields are marked *