ગુજરાતમાં પટ્ટાવાળા ઝરખની સંખ્યામાં વધારોઃ કારણ જાણો…

| Updated: June 28, 2021 12:45 pm

કોરોનાકાળ દરમિયાન માનવી બેહાલ છે, પણ વાઇલ્ડ લાઇફને ઘણો ફાયદો થયો છે. મહામારી દરમિયાન પ્રવાસન સ્થળો બંધ રહેવાથી જંગલી પ્રાણીઓના જીવનમાં માનવીની દખલગીરી ઘટી હતી, તેથી પ્રાણીઓની સંખ્યા વધી છે.

તાજેતરમાં વડોદરા વન્ય જીવ વર્તુળ હેઠળના જાંબુઘોડા અને રતનમહાલ અભયારણ્યોની ત્રણ રેન્જમાં વસવાટ કરતાં વન્ય જીવોની ગણતરી કરવામાં આવી હતી. તે મુજબ કોરોનાકાળમાં ઝરખ, શિયાળ, જંગલી બિલાડી, જંગલી ભૂંડ, સસલા, ચોસિંગા, નીલગાય સહિતના વન્ય પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો છે.

ગયા વર્ષે વડોદરા રેન્જમાં 982 પ્રાણી હતા જે હાલમાં વધીને 2839 થયા છે. વર્ષ 2020ના લોકડાઉન અને હાલના આંશિક લોકડાઉનમાં અભયારણ્યમાં અવર-જવર ઘટતા ફાયદો થયો છે.

ચાલુ વર્ષે જાંબુઘોડા, શિવરાજપુર અને કંજેટા રેન્જમાં 88 દીપડા, 82 રીંછ, 123 ઝરખ, 40 જંગલી બિલાડી, 17 લોકડી, 80 ચોસિંગા, 992 જંગલી ભૂંડ, 721 વાંદરા, 348 સસલા, 349 નીલ ગાય મળીને કુલ 2839 વન્ય પ્રાણી નોંધાયા છે. તેમાં દીપડાના 18 અને રીંછના 11 બચ્ચાનો પણ  સમાવેશ થાય છે.

આ જંગલમાં દીપડા, રીંછ સહિત 10થી વધુ જાતિના વન્ય  પ્રાણીઓ અને 100 જેટલી પ્રજાતિના પંખીઓ વસવાટ કરે છે.

મહત્ત્વની વાત એ છે કે આ અભયારણ્યમાં ખાસ કરીને સ્ટ્રાઇપડ હાયના, એટલે કે પટ્ટાવાળા ઝરખની સંખ્યામાં સતત બીજા વર્ષે સારો એવો વધારો નોંધાયો છે.

કઇ રીતે થાય છે વસતી ગણતરી

જાંબુઘોડા અને રતનમહાલ અભ્યારણમાં દર વર્ષે ઉનાળાના અંતમાં પૂનમની અજવાળી રાત્રે વસતી ગણતરી કરવામાં આવે છે. જંગલમાં ઉનાળામાં કુદરતી પાણીના સ્ત્રોત ઓછા હોવાથી વન્ય જીવને પીવાના પાણી માટે કુંડીઓ બનાવવામાં આવે છે, જ્યાં રાત્રી દરમિયાન પ્રાણીઓ અચૂક પાણી પીવા આવતાં હોય છે. જેથી વન વિભાગ દ્વારા અહીં વૃક્ષ ઉપર માંચડા બનાવી જાણકાર કર્મીઓને અંદર બેસાડવામાં આવે છે.

આ ઉપરાંત નાઈટ વિઝન ટ્રેપિંગ કેમેરા અને કુંડીની આજુબાજુ ઝીણી માટી નાંખવામાં આવે છે.

જાંબુઘોડા અભ્યારણમાં માનવ વસતી પણ છે. 13 હજાર હેકટરમાં પથરાયેલા આ અભ્યારણમાં કેટલાય ગામો આવેલા છે પણ કોઈ પ્રાણીએ માનવી પર હુમલો કર્યો હોય તેવી ઘટના ભાગ્યે જ બને છે.

ડુ નોટ ડિસ્ટર્બ

વડોદરા વન્ય જીવ વર્તુળના ઇન્ચાર્જ એસીએફ હરિસિંહ રાઉલજીએ જણાવ્યું કે માનવીની અવરજવર ન હોવાના કારણે પ્રાણીઓ અને પક્ષીઓને મુક્તમને પોતાની રીતે વિહરવા મળ્યું હતું. ગણતરી કરવા માટે વન કર્મીઓએ સતત બે દિવસ જહેમત ઉઠાવી હતી. પ્રાણીઓને ગણવા માટે વન કર્મચારીઓએ પાણીના સ્રોત પાસે માંચડા બનાવ્યા હતા અને ત્યાં ટ્રેપિંગ કેમેરા ગોઠવીને પ્રાણીઓની ગણતરી કરી હતી.

જયેન્દ્ર ભોઈ, ગોધરા

Your email address will not be published.