પવન ઊર્જાના વધેલા ઉત્પાદને ગુજરાતમાં વીજ સંકટને ટાળ્યું

| Updated: May 6, 2022 6:43 pm

અમદાવાદઃ સમગ્ર દેશના કેટલાય રાજ્યો વીજ કટોકટીનો સામનો કરી રહ્યા છે અને તેના માટે પ્રવાસી ટ્રેનો રદ કરીને કોલસા ભરેલી સ્પેશ્યલ માલગાડીઓ દોડાવવી પડી રહી છે, તેનાથી વિપરીત ગુજરાતમાં આવી કોઈ સ્થિતિ નથી અને રાજ્યના મોટાભાગના શહેરોમાં અને ગામડામાં ભાગ્યે જ વીજ કાપ જોવા મળી રહ્યો છે તો તેનું શ્રેય પવન ઊર્જાના વધેલા ઉત્પાદનને જાય છે.

ગુજરાતમાં અત્યારે પીક અવર્સમાં સરેરાશ વીજ માંગ 20,200 મેગાવોટ જેટલી રહે છે. આટલી ઊંચી માંગ હોવા છતાં રાજ્યને હાલ પાવર એક્સ્જેન્ચમાંથી વીજ ખરીદવી પડતી નથી. તેની પાછળનું મુખ્ય કારણ પવન ઊર્જાનું વધેલું ઉત્પાદન છે. ગુજરાત પવન ઊર્જા મથકોની સ્થાપિત ક્ષમતા 6,600 મેગાવોટ છે. તેની સામે હાલમાં 2,200 મેગાવોટનું ઉત્પાદન થઈ રહ્યું છે. ગયા રવિવારે રાજ્યમાં મહત્તમ પવન ઊર્જા ઉત્પાદન ત્રણ હજાર મેગાવોટથી પણ વધારે હતું.

ઊર્જા ક્ષેત્રના જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ રાજ્યમાં ગુરુવારે પાંચમી મેના રોજ વીજ પિક અવર્સમાં સરેરાશ વીજ માંગ 20,000 મેગાવોટની આસપાસ હતી. ચોથી મેના રોજ વીજ માંગ મહત્તમ સપાટી 20,200 મેગાવોટ પર હતી. આમ રાજ્યમાં ઉનાળાની વીજ માંગ 20,000 મેગાવોટની આસપાસ સ્થિર થઈ છે.

આ ઉપરાંત ગુજરાતમાં સૌર ઊર્જા ઉત્પાદન પણ આગામી સમયમાં વૃદ્ધિ પામતા ગુજરાત મહદ અંશે રીન્યુએબલ ઊર્જા પર જ આધારિત જ થઈ જાય તેમ માનવામાં આવે છે. આગામી સમયમાં ગુજરાત રીન્યુએબલ એનર્જી પર આધારિત રાજન્ય બની જાય તો નવાઈ નહી લાગે.

સૂત્રોના જણાવ્યા મુજબ પવન ચોમાસુ નજીક આવતા પવનોનું જોર વધશે તેમ તેમ પવન ઊર્જાનું ઉત્પાદન પણ વધશે. ગયા વર્ષે ચોમાસામાં મહત્તમ પવન ઊર્જા સર્જન 4,700 મેગાવોટ હતું. રાજ્યમાં હાલમાં આશરે 2,914 મેગાવોટની સ્થાપિત ક્ષમતાવાળા ગેસ આધારિત વીજમથકો લગભગ નવ મહિનાથી બંધ હાલતમાં છે. આ ઉપરાંત જીસેક હેઠળના 970 મેગાવોટના સરકારી એકમો, 1,520 મેગાવોટના સ્વતંત્ર વીજ એકમો તથા કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં સ્થપાયેલા 424 મેગાવોટના એકમો સામેલ છે. ગેસનો ભાવ અત્યારે આકાશે હોઈ ઊંચા ભાવે વીજ ઉત્પાદન પ્રતિ યુનિટે 20 રૂપિયાની ઉપર પડે તેમ છે. આના લીધે વીજ એકમો ફરજિયાત બંધ રાખવા પડી રહ્યા છે.

Your email address will not be published.