IND Vs WI: પ્રથમ T20Iમાં ભારતનો 68 રનથી વિજય, પાંચ મેચની શ્રેણીમાં ભારત 1-0થી આગળ

| Updated: July 30, 2022 9:14 am

ODI શ્રેણી દરમિયાન ક્લીન સ્વીપ કર્યા બાદ, ત્રિનિદાદના બ્રાયન લારા ક્રિકેટ સ્ટેડિયમમાં શુક્રવારે રમાયેલી પાંચ મેચોની શ્રેણીની પ્રથમ T20 મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 68 રનથી હરાવ્યું હતું.

ટોસ જીતીને વેસ્ટ ઇન્ડીઝે ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું અને ભારતીય સુકાની રોહિત શર્મા અને પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય T20 મેચ માટે ઓપનિંગ કરનાર સૂર્ય કુમાર યાદવે ઇનિંગની સારી શરૂઆત કરી. જોકે સ્કોરબોર્ડ પર ટીમના 50 રન પહોંચવાના માત્ર છ રન ઓછા હતા ત્યારે WI બોલર અકેલ હોસૈને સૂર્ય કુમાર યાદવને પેવેલિયન પરત મોકલ્યો હતો. સૂર્ય કુમાર યાદવન 24 (16) પર આઉટ થયો હતો.

ભારત તરફથી, કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 44 બોલમાં 64 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે ડેથ ઓવર્સમાં, દિનેશ કાર્તિકે વેસ્ટ ઇન્ડીઝ માટે 191 રનના લક્ષ્યાંક આપવા માટે માત્ર 19 બોલમાં 41 રન બનાવ્યા. 215.75ના સ્ટ્રાઇક રેટ સાથે, કાર્તિકે તેની ઇનિંગ્સ દરમિયાન ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

વેસ્ટ ઈન્ડિઝ માટે અલઝારી જોસેફે બે ભારતીય બેટ્સમેનોને આઉટ કરીને સૌથી વધુ વિકેટ લીધી હતી. આ દરમિયાન મેકકોય, હોલ્ડર, હોસીન અને પોલને 1-1 વિકેટ મળી હતી.

બેટિંગમાં ઉતરતા, વેસ્ટ ઇન્ડીઝના બંને ઓપનર – એસ બ્રૂક્સ અને કે મેયર્સને ખુબ ઓછા રનમાં વિકેટ ગુમાવી પરત ફરવું પડ્યું હતું. ટીમ સ્કોરબોર્ડ પર 50 રનનો આંકડો પહોંચે તે પહેલા જ બંને ઓપનર તેમજ જેસન હોલ્ડર આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ, ઈન્ડીઝનો કોઈ બેટ્સમેન વ્યક્તિગત 20 રન પણ બનાવી શક્યો ન હતો અને પરિણામે યજમાન ટીમ 20 ઓવરમાં આઠ વિકેટના નુકસાન સાથે 122 રન જ બનાવી શકી હતી.

ભારતીય બોલિંગ વિભાગની વાત કરીએ તો અર્શદીપ સિંહ, રવિચંદ્રન અશ્વિન અને રવિ બિશ્નોઈએ બે-બે બેટ્સમેનોને આઉટ કર્યા હતા. જ્યારે ભુવનેશ્વર કુમાર અને રવિન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ લીધી હતી. જેના કારણે ભારતિય ટીમે ઈન્ડીઝને 68 રનથી હરાવીને પાંચ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી હતી.

દિનેશ કાર્તિકને 19 બોલમાં 41 રનની શાનદાર ઈનિંગ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ શ્રેણીની બીજી મેચ 1 ઓગસ્ટના રોજ રાત્રે 8 વાગ્યે (IST) વોર્નર પાર્ક સ્ટેડિયમ ખાતે રમાશે. મેચનું ડીડી સ્પોર્ટ્સ દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે.

Your email address will not be published.