ભારત અન્ય દેશોમાં કોરોનાની ત્રીજી લહેરથી આ પાંચ પાઠ શીખી શકે છે

| Updated: January 6, 2022 3:56 pm

– ઓમિક્રોન ડેલ્ટા કરતાં હળવો હોઈ શકે છે, પરંતુ તેની જલ્દી ખાતરી થાય તે જરુરી છે

– રસીનાં બંને ડોઝ  ન લીધા હોય, તો ચેપ લાગવાનું અને હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ વધે છે.

– રસીનો ત્રીજો ડોઝ લેવાથી વાયરસ સામે વધુ સારી સુરક્ષા મળી શકે છે.

– ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં ભારતમાં ત્રીજી લહેર ટોચ પર હોવાની સંભાવના

– અમેરિકા અને બ્રિટન જેવા દેશોએ કેસ વધવા છતાં કડક નિયંત્રણો મુક્યા નથી.

દુનિયાનાં અનેક દેશો કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરી રહ્યા છે. નવા વેરિઅન્ટ ઓમિક્રોનના વધુ કેસ જોવા મળ્યા છે તેવા દેશોના અનુભવોના આધારે આપણે ઓછામાં ઓછા આ પાંચ પાઠ શિખવા જેવા છે.

1. ઓમિક્રોન પ્રમાણમાં હળવો રહેવાની શકયતા છે. જોકે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) એ કહ્યું છે કે આખરી તારણ પર પહોંચવા માટે હજુ વધુ ડેટાની જરૂર છે. દરમિયાન, ફ્રાન્સના સંશોધકોએ આઇએચયુ (IHU)  નામના નવા વેરિઅન્ટની શોધ કરી છે. તે ઓમિક્રોન કરતાં વધુ ખતરનાક હોવાની શકયતા છે. આ નવા વેરિઅન્ટનાં પગલે વધુ સાવચેતી રાખવી જરુરી બની છે.

2.  ડબલ્યુએચઓએ કહ્યું છે કે જેમણે રસી લીધી નથી તેમના પર ચેપનું જોખમ વધુ છે અને આવા લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની શકયતા પણ વધી જાય છે.

3.  ભારતમાં કોરોનાના કેસમાં 2  ફેબ્રુઆરી સુધીમાં મોટો ઉછાળો આવે તેવી શકયતા છે. આઇઆઇટી કાનપુરના સંશોધકોની ધારણાં છે કે ભારતમાં પણ અન્ય દેશોની જેમ કેસોમાં વધારો જોવા મળશે. સંશોધનમાં ભારતમાં પહેલી અને બીજી લહેરમાં  કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં લેવામાં આવ્યો હતો.

4. ભારતમાં પણ બૂસ્ટર ડોઝની જરૂર પડી શકે છે. યુકેમાં નવા અભ્યાસોએ દર્શાવ્યું છે કે ઓમિક્રોન વેરિઅન્ટ સામે રોગ પ્રતિકાર શકિતને 88 ટકા સુધી વધારવા માટે રસીના ત્રીજા ડોઝની જરૂર પડી શકે છે. કેમ કે રસીનાં બીજા ડોઝ પછી રસીની અસરકારકતા છ મહિના પછી ઘટવા લાગે છે.

ઓક્સફોર્ડે કહ્યું છે કે એસ્ટ્રાઝેનેકા-ઓક્સફોર્ડની રસી વેક્સજેવરિયાનો ત્રીજો બૂસ્ટર ડોઝ એન્ટિબોડીના સ્તરને વધારવા માટે જરૂરી છે. કવરશિલ્ડ એ વેક્સજેવરિયાનું ભારતીય સંસ્કરણ છે, જે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા બનાવે છે.

5. રાત્રિ કર્ફ્યુનો કોઇ અર્થ નથી. અન્ય દેશોએ લોકોની અવરજવર પર કડક નિયંત્રણો લાદવાનું ટાળ્યું છે. યુએસ અને યુકેમાં દરરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે તેમ છતાં ત્યાં કોઈ નવા નિયંત્રણો લાદવામાં આવ્યા નથી. જોકે, આ દેશોમાં ફરીથી વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવાનું સામાન્ય બની ગયું છે.

ભારતમાં ઘણા રાજ્યોએ ત્રીજી લહેરની આશંકામાં નાઇટ કર્ફ્યુ નાખ્યો છે. સપ્તાહના અંતમાં લોકડાઉન અને અન્ય નિયંત્રણો મુક્યા છે. જોકે, કોવિડ-19  પ્રોટોકોલને એવા સ્થળોએ લાગુ કરવો જરૂરી છે જ્યાં ધંધા-રોજગારને કારણે વધુ ભીડ થતી હોય.

ભારતમાં રસ્તા પર માસ્ક વિના ફરતાં લોકો જોવા મળે છે. ભીડવાળી જગ્યાએ પણ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતાં નથી. તેમ છતાં માત્ર નાઇટ કર્ફ્યુ પર વધુ ધ્યાન આપવામાં આવે છે.

ડબલ્યુએચઓનાં ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને એક ટીવી ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે કોરોના સામે લડવાની વાત છે ત્યારે નાઈટ કર્ફ્યુ પાછળ કોઈ શાણપણ દેખાતું નથી. જે મનોરંજન માટેનાં સ્થળો છે ત્યાં વાયરસ સૌથી વધુ ફેલાય છે. ત્યાં કેટલાક પ્રતિબંધો હોય તે  સ્વાભાવિક છે.

Your email address will not be published.