ભારતે સોમવારે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) પર જમ્મુ અને કાશ્મીરમાં (Jammu-Kashmir)સીમાંકન કવાયત પર તેની “ગેરવાજબી” ટિપ્પણીઓ માટે પ્રહાર કર્યો.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે, “OIC સચિવાલયે ફરી એકવાર ભારતની આંતરિક બાબતો પર અયોગ્ય ટિપ્પણીઓ કરી છે.”તેમણે કહ્યું કે, ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ પર ભૂતકાળની જેમ OIC સચિવાલય દ્વારા કરવામાં આવેલા નિવેદનોને ભારત સરકારે સ્પષ્ટપણે નકારી દીધા છે.
મંત્રાલયના પ્રવક્તાએ પાકિસ્તાનના સંદર્ભમાં જણાવ્યું હતું કે, “ઓઆઈસીએ એક દેશના ઈશારે ભારત વિરુદ્ધ તેના સાંપ્રદાયિક એજન્ડાને હાથ ધરવાથી દૂર રહેવું જોઈએ.”
સીમાંકનની કવાયત પૂર્ણ થવાથી જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવાનો માર્ગ મોકળો થશે. રાજ્ય જૂન 2018 થી ચૂંટાયેલી સરકાર વિના છે.
અગાઉ એક નિવેદનમાં, OIC ના જનરલ સેક્રેટરીએ આરોપ લગાવીને કહ્યું હતું કે, તે જમ્મુ અને કાશ્મીરની (Jammu-Kashmir) ચૂંટણીની સીમાઓને ફરીથી દોરવાના ભારતના પ્રયાસો પર ઊંડી ચિંતા વ્યક્ત કરે છે, અને કાશ્મીરી લોકોના અધિકારોનું ઉલ્લંઘન છે.
“જમ્મુ અને કાશ્મીર વિવાદ પર લાંબા સમયથી સૈદ્ધાંતિક સ્થિતિ અને ઇસ્લામિક સમિટ અને OIC વિદેશ મંત્રીઓની પરિષદના સંબંધિત નિર્ણયોનો ઉલ્લેખ કરીને, જનરલ સચિવાલય જમ્મુ અને કાશ્મીરના લોકો સાથે તેની એકતાનો પુનરોચ્ચાર કરે છે.”
આ પણ વાંચો: ગુજરાત પોલીસને મોટી સફળતા: મુંબઈ બ્લાસ્ટ કેસમાં ચાર વોન્ટેડ આરોપીઓની કરી ધરપકડ