આસામમાં (Assam) ભારે વરસાદને કારણે ટ્રેનમાં ફસાયેલા 119 મુસાફરોને વાયુસેનાએ બચાવ્યા હતા. સિલચર-ગુવાહાટી ટ્રેન કચર વિસ્તારમાં પૂરના પાણીને કારણે ફસાઈ ગઈ હતી, અને આગળ કે પાછળ જઈ શકી ન હતી. કેટલાંક કલાકો સુધી ટ્રેન ફસાયેલી રહ્યા બાદ જિલ્લા પ્રશાસને ભારતીય વાયુસેનાની મદદથી 119 લોકોને બચાવ્યા હતા.
ભારતીય વાયુસેનાએ ટ્વીટ કર્યું કે, “#IAF હેલિકોપ્ટરોએ આજે આસામના ડિટોકચેરા રેલ્વે સ્ટેશનથી 119 મુસાફરોને બહાર કાઢ્યા. દિમા હાસાઓ જિલ્લામાં સ્થિત, રેલ્વે સ્ટેશન પર અવિરત વરસાદને કારણે 24 કલાકથી વધુ સમય સુધી ટ્રેન ફસાઈ ગઈ હતી, જેના કારણે રેલ અવરજવર અશક્ય બની ગઈ હતી.”
આસામમાં (Assam) પૂરના પાણીથી 10,000 હેક્ટરથી વધુ ખેતીની જમીન નાશ પામી છે.આસામના કચર જિલ્લાના 138 ગામો પૂરના પ્રથમ મોજાથી પ્રભાવિત થયા છે. ડેટા અનુસાર, આસામના 222 ગામો પૂરના પાણી હેઠળ દબાઈ રહ્યા છે.
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એએસડીએમએ) એ જણાવ્યું હતું કે ન્યૂ કુંજુંગ, ફિઆંગપુઈ, મૌલહોઈ, નામઝેઉરાંગ, દક્ષિણ બાગેતાર, મહાદેવ ટીલ્લા, કાલીબારી, ઉત્તર બાગેતાર, ઝિઓન અને લોડી પંગમૌલ ગામોમાંથી ભૂસ્ખલનની જાણ થઈ છે, જ્યાં લગભગ 80 ઘરો ગંભીર રીતે પ્રભાવિત થયા છે.
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ઉમેર્યું કે, “જટીંગા-હરંગાજાઓ અને માહુર-ફાઈડિંગ ખાતે રેલ્વે લાઇન ભૂસ્ખલનને કારણે અવરોધિત કરવામાં આવી હતી. ગેરેમલામ્બ્રા ગામમાં માયબાંગ ટનલ પહોંચતા પહેલા, ભૂસ્ખલનને કારણે રસ્તો અવરોધિત થવાની સંભાવના છે.”
રાજ્યમાં પૂરની સ્થિતિ વણસી ગઈ છે કારણ કે અસરગ્રસ્ત વસ્તી શનિવારના 24,000 થી વધીને રવિવારે 56,000 થઈ ગઈ છે. ASDMA અનુસાર, કચર, ધેમાજી, હોજાઈ, કાર્બી આંગલોંગ વેસ્ટ, નાગાંવ અને નલબારી આ છ જિલ્લાઓમાં 56,669 લોકો પૂરથી પ્રભાવિત થયા હતા.
અધિકારીએ જણાવ્યું કે, સેના, અર્ધ-લશ્કરી દળો, એસડીઆરએફ, ફાયર અને ઇમરજન્સી સેવાઓ રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી કરી રહી છે. હોજાઈ, લખીમપુર અને નાગાંવ જિલ્લામાં અનેક રસ્તાઓ, પુલ અને સિંચાઈ નહેરોને નુકસાન થયું છે.
આ પણ વાંચો: કોણ છે રાજકુમારી દિયા સિંહ જે તાજમહેલની માલિકીનો દાવો કરી રહી છે!