કાબુલમાં ગુરુદ્વારા પર તાજેતરના આતંકવાદી હુમલા બાદ, ભારત સરકારે અફઘાનિસ્તાનમાં રહેતા 100થી વધુ શીખ અને હિન્દુઓને ઈ-વિઝા આપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, “કાબુલમાં ગુરુદ્વારા પરના હુમલા બાદ ભારતીય ગૃહ મંત્રાલય દ્વારા 100થી વધુ અફઘાન શીખ અને હિંદુને પ્રાથમિકતાના આધારે ઈ-વિઝા આપવામાં આવ્યા છે.”
કાબુલના બાગ-એ બાલાની નજીક સ્થિત ગુરુદ્વારા કર્તે-પરવાન પર શનિવારે વહેલી સવારે અનેક વિસ્ફોટો સાથે આતંકી હુમલો થયો હતો. હુમલામાં એક અફઘાન શીખ નાગરિક સહિત બેના મોત થયા હતા. અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ માહિતી આપતા કહ્યું હતું કે, હુમલામાં માર્યા ગયેલા અન્ય એક વ્યક્તિ ઇસ્લામિક અમીરાત દળોનો સભ્ય હતો.
કાબુલના ગુરુદ્વારા પર હુમલાની ઘટનાની ભારત તરફથી આકરી ટીકા થઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ટ્વિટમાં આ હુમલાને “બર્બર” ગણાવ્યો અને શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી.
“કાબુલમાં કાર્તે-પરવાન ગુરુદ્વારા સામે કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાથી આઘાત લાગ્યો. હું આ બર્બર હુમલાની નિંદા કરું છું અને શ્રદ્ધાળુઓની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું,” તેમણે ટ્વિટમાં લખ્યું હતું.
વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટર પર આ ઘટનાને “ગુરુદ્વારા પર કાયરતાપૂર્ણ હુમલો” ગણાવીને વખોડી હતી.
તેમણે ટ્વીટ કરતાં લખ્યું હતું કે, “ગુરુદ્વારા કર્તે પરવાન પરના કાયરતાપૂર્ણ હુમલાની તમામ દ્વારા સખત શબ્દોમાં નિંદા કરવી જોઈએ. હુમલાના સમાચાર મળ્યા ત્યારથી અમે ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમારી પ્રથમ અને મુખ્ય ચિંતા સમુદાયના સુરક્ષાની છે.”
દરમિયાન, કાબુલમાં ગુરુદ્વારા પરના આ આતંકવાદી હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ ખોરસાન પ્રોવિન્સ (આઈએસકેપી) દ્વારા લેવામાં આવી હતી. ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા દ્વારા પયગંબર મોહમ્મદના અપમાનના જવાબમાં આ હુમલો હોવાનું જણાવતા, આઈએસકેપીએ કહ્યું હતું કે ‘અબુ મોહમ્મદ અલ તાજીકી’એ પ્રોફેટના અપમાનનો બદલો લેવા આ હુમલો કર્યો હતો.