કોરોનાકાળ વચ્ચે પણ ભારતીયો સોનુ ખરીદવામાં પાછા પડ્યા નથી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા જારી કરાયેલા આંકડાઓ અનુસાર 2021ના વરસમાં ભારતીયો દ્વારા 797.3 ટન સોનાની ખરીદી કરવામાં આવી હતી. ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ્સ રિપોર્ટમાં કાઉન્સિલે નોંધ્યું છે કે 2020માં ભારતીયોએ 446.4 ટન સોનાની ખરીદી કરી હતી. એક વર્ષમાં તેમાં 78.6 ટકાનો ધરખમ વધારો થયો છે.
કાઉન્સિલના ભારત ખાતેના રીજનલ સીઇઓ સોમસુંદરમે જણાવ્યું હતું કે ચોથા ક્વાર્ટરમાં ગોલ્ડની ડિમાન્ડ અમારી ધારણાઓ કરતા અનેકગણી વધી છે. તેઓ જણાવે છે કે ફુગાવો, વ્યાજદર અને ભૂ-રાજકીય સ્થિતિમાં સતત થઈ રહેલા ફેરફારો વચ્ચે પણ સોનાના વેચાણમાં વધારો થયો છે.
તેમણે ઉમેર્યું હતું કે 2022ના વર્ષમાં નીતિગત સુધારાઓ, ટેકનોલોજી અને ઉદ્યોગો વચ્ચેની સમજૂતીઓ સહિતના વિવિધ પરિબળો ગોલ્ડના વેચાણ પર અસર કરી શકે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે 2021ના વર્ષમાં જ્વેલેરીની ડિમાન્ડ પણ 93 ટકા વધીને 610.9 ટન થઈ હતી. 2020માં 315.9 ટન જ્વેલરીનું વેચાણ થયું હતું. સોમસુંદરમે જણાવ્યું હતું કે લૉકડાઉનના નિયંત્રણો હળવા થતા તથા દેશભરમાં વ્યાપક રસીકરણને પગલે બજારની સ્થિતિમાં સુધારો થયો હતો.