દેશના ત્રણ રાજ્યો બાદ દિલ્હીમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી : દેશમાં નવા વેરિઅન્ટના કુલ પાંચ કેસ

| Updated: December 5, 2021 4:26 pm

દિલ્હી દેશનું ચોથું રાજ્ય બની ગયું છે કે જ્યાંથી ઓમિક્રોન વેરિઅન્ટનો દર્દી મળી આવ્યો છે. અત્યાર સુધી કર્ણાટક, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી નવા કોવિડ વેરિઅન્ટના કેસ સામે આવ્યા હતા. દેશમાં કુલ પાંચ દર્દીઓમાં ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટિ થઈ ચુકી છે.

દેશમાં કોરોના વાયરસના ચેપના નવા પ્રકાર, ઓમિક્રોનનું જોખમ વધી રહ્યું છે. હવે રાજધાની દિલ્હીમાં પણ ઓમિક્રોનનો એક મામલો સામે આવ્યો છે. દિલ્હીમાં આ પહેલો ઓમિક્રોન કેસ છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને આ વાતની પુષ્ટિ કરી હતી. સત્યેન્દ્ર જૈને કહ્યું કે એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કોરોના પોઝિટિવ લોકોની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી હતી, જેમાંથી 12ના રિપોર્ટ આવ્યા છે. તેમાંથી એક ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. આ પ્રવાસી તાન્ઝાનિયાથી આવ્યો હતો. દેશમાં આ પાંચમો ઓમિક્રોન વેરિઅન્ટનો કેસ છે.

ઉલ્લેખનીય છે કે માત્ર ચાર દિવસમાં ઓમિક્રોન વેરિઅન્ટ દેશના 4 રાજ્યોમાં પહોંચી ગયો છે. કેન્દ્રએ દેશના તમામ રાજ્યોને ઓમિક્રોનના ખતરાથી સાવધાન રહેવા કહ્યું છે. તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દેખરેખ વધારી દેવામાં આવી છે. શકમંદોની તપાસ કરવામાં આવી રહી છે, જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ મોકલવામાં આવી રહ્યા છે. પરંતુ, ઘણા રાજ્યોમાં વિદેશથી લોકો ગુમ થયા છે. અત્યાર સુધી પાંચ રાજ્યોમાં વિદેશથી આવેલા 586 યાત્રીઓ ગુમ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે વહીવટીતંત્ર પણ દોડતું થયું છે.

દિલ્હી સિવાય, વધુ ત્રણ રાજ્યોમાં ઓમિક્રોનના પુષ્ટિ થયેલા કેસો સામે આવ્યા છે. સૌ પ્રથમ, બેંગલોરમાં ઓમિક્રોન વેરિઅન્ટના ચેપવાળા 2 દર્દીઓ સામે આવ્યા હતા. જેમાંથી એક આફ્રિકાથી આવ્યો હતો. હવે મુંબઈ નજીક થાણેમાં એક દર્દી મળી આવ્યો છે, તે દક્ષિણ આફ્રિકાના કેપટાઉનથી પાછો ફર્યો છે. આ ઉપરાંત ગુજરાતના જામનગરમાં ઓમિક્રોન વેરિઅન્ટનો દર્દી ઝિમ્બાબ્વેથી પરત ફર્યો હતો.

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનથી સંક્રમિત યુવક મુંબઈ નજીક કલ્યાણ-ડોમ્બિવલીનો રહેવાસી છે. તે દક્ષિણ આફ્રિકાથી દુબઈ ગયો હતો, ત્યારબાદ દિલ્હી આવ્યો હતો અને ત્યારબાદ 24 નવેમ્બરે દિલ્હીથી મુંબઈ એરપોર્ટ પર ઉતર્યો હતો. તેને હાલ કલ્યાણના કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. મુંબઈમાં ઉતરતી વખતે તેને હળવો તાવ આવ્યો હતો અને તેણે કોરોનાની રસી લીધી ન હોવાનું જાણવા મળ્યું હતું.

Your email address will not be published.