ગુજરાતના સાવલીથી ભારતની સૌપ્રથમ રીજનલ રેલ, રોડ માર્ગે પહોંચી દુહાઈ

| Updated: June 14, 2022 9:11 am

ભારતની પ્રથમ રીજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમનો પ્રથમ (આરઆરટીએસ) ટ્રેન સેટ સોમવારના રોજ દુહાઈ ડેપો પહોંચી હતી. આ ટ્રેન સેટ બે જૂનના રોજ ગુજરાતના સાવલી ખાતેના અલ્સ્ટોમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાંથી ટ્રેલર પર લોડ કરવામાં આવ્યો હતો અને રોડ માર્ગે દુહાઈ પહોંચ્યો હતો.

આ ટ્રેને તેના માર્ગમાં ત્રણ રાજ્યો – રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર પ્રદેશને આવરી લીધા હતા. આ ટ્રેન સેટના તમામ છ કોચ અલગ-અલગ ટ્રેલર પર લોડ કરવામાં આવ્યા હતા.

દુહાઈ ડેપો પર પહોંચ્યા બાદ ક્રેનની મદદથી તેમને નીચે ઉતારવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં આ આખી ટ્રેન ડેપોમાં જ એસેમ્બલ કરવામાં આવશે. દુહાઈ ડેપોમાં તેમના માટે ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે અને ટ્રેનના ટેસ્ટિંગ માટે સંપૂર્ણ તૈયારી છે.

આરઆરટીએસ ટ્રેનોના સંચાલન માટે દુહાઈ ડેપોમાં જ વહીવટી ભવન બનાવવામાં આવ્યું છે.

નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એનસીઆરટીસી) ભારતની પ્રથમ આરઆરટીએસની સ્થાપના કરી રહી છે, જે રેલ-આધારિત, હાઇ-સ્પીડ, હાઇ-ફ્રિકવન્સી પ્રાદેશિક કોમ્યુટર ટ્રાન્ઝિટ સિસ્ટમ છે. પ્રથમ ટ્રેન સરાય કાલે ખાન-ગાઝિયાબાદ-મેરઠ આરઆરટીએસ કોરિડોર પર ચલાવવામાં આવશે.

આરઆરટીએસનો પહેલો ટ્રેન સેટ 7 મેના રોજ વડોદરા જિલ્લાના સાવલીમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં એનસીઆરટીસીને સોંપવામાં આવ્યો હતો.

સાહિબાબાદ અને દુહાઈ વચ્ચેના 17-કિમીના અગ્રતા વિભાગને વર્ષ 2023 સુધીમાં અને સંપૂર્ણ કોરિડોર વર્ષ 2025 સુધીમાં શરૂ કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.

Your email address will not be published.