અમેરિકાનાં 43માં રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશને કેટલીક બાબતો માટે યાદ કરવામાં આવે છે. 9/11નાં આતંકી હુમલા પછી અમેરિકાએ આતંક સામે યુદ્ધ શરૂ કર્યું જેના પગલે વૈશ્વિક મંદીનો દોર આવ્યો હતો.જોકે કેટલાક દક્ષિણ એશિયનો તેમને ભારતીય કેરી પરના 17 વર્ષનાં લાંબા અમેરિકન પ્રતિબંધ ઉઠાવી લેવા માટે પણ યાદ કરે છે.
ભારતીય કેરીનો અટપટો રાજદ્વારી ઇતિહાસ છે.અમેરિકામાં 1989થી 2006 દરમિયાન ભારતમાંથી આવતી કેરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.ત્યાર બાદ કડક નિયમોનાં કારણે હજુ પણ બધી જગ્યાએ તે સરળતાથી મળતી નથી.
દક્ષિણ એશિયામાં કેરી અત્યંત જાણીતું અને લોકપ્રિય ફળ છે, પરંતુ અમેરિકામાં કેરી માટે ખાસ લગાવ નથી.
યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર (યુએસડીએ) અનુસાર, અમેરિકનો મોટા ભાગે તાજા કેળા અને સફરજન ખાવાનું પસંદ કરે છે.
2020માં કોરોના ઉપરાંત ઓછા પાકના કારણે એવી ચિંતા સેવાતી હતી કે કેરી અમેરિકા મોકલી શકાશે નહીં. ખેડુતોને કેરીની ઉપજ ઓછી થવાનો અંદાજ હતો. જેમકે 2020માં આલ્ફોન્સો કેરીનો પાક સામાન્ય કરતાં માત્ર 50 ટકા જ ઉતર્યો હતો. વધુ વરસાદને કારણે પાકને નુકસાન થયું હતું આ ઉપરાંત લોકડાઉનનાં કારણે સ્થળાંતરિત મજુરો પણ એક સ્થળેથી બીજા સ્થળે જઇ શકતા ન હતા.
અમેરિકાએ હાનિકારક જંતુની આશંકાના પગલે પહેલી વાર 1989માં ભારતીય કેરીની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. તે પછી ભારતીય કેરીને ફરીથી અમેરિકાની મંજુરી મળવામાં 17 વર્ષ લાગ્યાં હતા. 2006માં બુશ અને ભારતના તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંઘે એક પરમાણુ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં અમેરિકન હાર્લી-ડેવિડસન બાઇકની ભારતમાં આયાત માટે છૂટછાટોનો સમાવેશ થતો હતો, જેના બદલામાં અમેરિકામાં ભારતની કેરીની આયાતને મંજૂરી આપવામાં આવી હતી. આ એક પ્રકારની મેંગો ન્યુકલિયર ડિલ હતી.
બુશે તેમની મુલાકાત દરમિયાન આલ્ફોન્સો કેરી ખાધી હતી, અને તેને “હેલ ઓફ એ ફ્રુટ” ગણાવ્યું હતું. મેંગો ન્યુકલિયર ડિલ અંતર્ગત અમેરિકામાં ભારતીય કેરીનું પહેલું શિપમેન્ટ એપ્રિલ 2007માં આવ્યું હતું. જેની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી.