શિક્ષણના નામે મોટી વાતો કરનાર ગુજરાત સરકાર ઇન્દુલાલ યાજ્ઞિકના આશ્રમ ગામની પ્રાથમિક શાળા સુધારવામાં નાપાસ

| Updated: April 19, 2022 8:56 pm

ગુજરાત સરકારની શિક્ષણ નીતિ વિષે દેખાડો અને વાસ્તવિકતા અલગ તરી આવે છે, તેનું ઉદાહરણ મધ્ય ગુજરાતના હદય સમાન ખેડા જિલ્લા અને એમાંય સ્વતંત્રતા સંગ્રામના- મહા ગુજરાત આંદોલનના નેતા ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા જે ગામમાં આશ્રમ સ્થાપવામાં આવેલ ગામ છે. નેનપૂર ગામના નિઝામપૂર પ્રાથમિક શાળાની હાલત પણ ચિંતાનો વિષય બની છે, ખેડા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જર્જરિત સ્કૂલમાંથી બાળકોને ગામની મુખ્ય શાળામાં મોકલવા આદેશ કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગ શિક્ષકોની ભરતી અને શિક્ષણ માટેના ઓરડા, બંને મુદ્દે આળસ કરી રહ્યો છે. છેવાડાના જિલ્લાઓની હાલત જેવી સ્થિતિ હવે મધ્ય ગુજરાતમાં પણ ઊભી થઈ છે. સુવિધાઓ વધારવાની જગ્યાએ પ્રાથમિક સુવિધાઓ પણ શિક્ષણ માટે ઊભી કરવામાં આવતી નથી.

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના નેનપૂર ગામના નિઝામપૂર વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાનું મકાન ગત વાવાઝોડામાં જર્જરિત થવા પામેલું છે. આ શાળા ધોરણ 1થી 5 ની છે જેમાં 56 જેટલા જેટલા બાળકો અભ્યાસ કરે છે. આ તમામ વિધાર્થીઓ સ્થાનિક છે. વાવાઝોડામાં અસરગ્રસ્ત થયેલ મકાનની હલાત એવી છે કે ત્યાં બાળકો બેસી ન શકે અને અભ્યાસ ન કરી શકે.

આ અંગે મળતી વિગતો મુજબ સ્થાનિક ખાનગી મકાનમાં હાલ આ બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે પરંતુ ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા એક સૂચના પત્ર કરવામાં આવ્યો છે. આમાં નોંધવામાં આવ્યું છે કે નિઝામપૂરા પ્રાથમિક શાળા આખી જર્જરિત છે અને તમામ રૂમો જર્જરિત જાહેર કરવામાં આવેલ છે અને આ રૂમોમાં વિધાર્થીઓ બેસાડવાથી અકસ્માત થાય તેમ હોય આ નજીકની મોટી સારા ક્લાસ ધરાવતી પ્રાથમિક કે માધ્યમિક શાળામાં બેસાડી અભ્યાસની વ્યવસ્થા કરવી અને સૂચનાનું કડક પણે અમલ કરી અધિકારીને જાણ કરવી અને સૂચનાનો અમલ નહિ થાય અને પ્રશ્નો ઉપસ્થિત થશે તો અંગત જવાબદારી મુખ્ય શિક્ષકની રહેશે.

આ સ્કૂલ મુદ્દે મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણે વાઈબ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે સરકારની નીતિ સારી હોય તો બાળકોને દૂર અભ્યાસ કરવા મોકલવાની જગ્યાએ ત્યાં જ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી શકે. જિલ્લા પંચાયત તાત્કાલિક ગ્રાન્ટ ફાળવી મકાન ઊભું કરી શકે અને બાળકોનો અભ્યાસ બગડે નહિ અને તેમણે દૂર ભણવા જવું પડે નહિ. તેમણે આક્ષેપ પણ કર્યો કે આ શાળામાં લઘુમતી સમુદાયના બાળકો ભણતા હોવાથી આ સ્કૂલ મુદ્દે સરકાર ધ્યાન આપતી નથી.

Your email address will not be published.