તાજેતરમાં 11 જુલાઈએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા ત્યારે વેજલપુરમાં શાહના આગમન વખતે સોસાયટીના બારી-દરવાજા બંધ રાખવાની સૂચના આપનાર એક પોલીસ ઇન્સ્પેક્ટર સામે તપાસ શરૂ કરવામાં આવી છે.
અમિત શાહે અહીં એક કોમ્યુનિટી સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. તે સમયે ઘરની બારી અને દરવાજા થોડા સમય માટે બંધ રાખવાનો પરિપત્ર પીઆઈ એલ. ડી. ઓડેદરા દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. અહીં પાંચ ઈમારતોના લગભગ 300 રહેવાસીઓને આ સૂચના અપાઈ હતી.
આ સૂચનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને કેટલાક લોકોએ તેનો વિરોધ પણ કર્યો હતો. 13 જુલાઈએ ડીજીપીની ઓફિસે અમદાવાદ પોલીસ પાસેથી આ મુદ્દે અહેવાલ મગાવ્યો હતો. ત્યાર પછી ઓડેદરા સામે તપાસ શરૂ કરવામાં આવી છે.
શહેરના પોલીસ વડા સંજય શ્રીવાસ્તવે વીઓઆઈને આ બાબતની પુષ્ટિ કરી હતી કે ઇન્સ્પેક્ટરે કયા સંજોગોમાં આ પરિપત્ર જારી કર્યો હતો તેની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે રિપોર્ટ સોંપવામાં આવે ત્યાર બાદ કાર્યવાહી કરવામાં આવશે.
આ આખો મુદ્દો ત્યારે પ્રકાશમાં આવ્યો હતો જ્યારે પંક્તિ જોગ નામના 44 વર્ષીય મહિલા વેજલપુર પોલીસ પાસે ગયા અને આ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કહ્યું કે તેમને બાળપણથી અસ્થમા છે તેથી તેમને તાજી હવા ન મળે તો તેમના ફેફસાંને નુકસાન થઈ શકે છે. તેમણે એવો સવાલ પણ કર્યો હતો કે “શું આપણે સામંદવાદી શાસનમાં રહીએ છીએ કે શું જ્યાં લોકતાંત્રિક સિદ્ધાંતોનું પાલન કરવાના બદલે મંત્રીઓ રાજાની જેમ વર્તે અને પ્રજાએ તેમના હુકમોને આધિન રહેવું પડે?”

વેજલપુર પોલીસના પરિપત્રમાં જણાવાયું છે કે “અમે તમને જણાવવા માંગીએ છીએ કે માનનીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે કોમ્યુનિટી હોલનું ઉદઘાટન કરવા આ વિસ્તારમાં આવવાના છે. તેઓ ઝેડ પ્લસ સુરક્ષા હેઠળ આવે છે. તેથી સૌને વિનંતી છે કે રવિવારે સવારના 10 વાગ્યાથી બપોરના એક વાગ્યા વચ્ચે તમારા ઘરના બધા દરવાજા અને બારી બંધ રાખવામાં આવે.”