ધો. 9ના વર્ગ શરૂ નહીં થાય તો અમે 11 વિદ્યાર્થીઓ અગ્નિસ્નાન કરીશું’, સુરતના કઠોદરાની પ્રાથમિક શાળાના સજેશન બોક્સમાં બાળકોનો પત્ર

| Updated: April 12, 2022 6:51 pm

સુરતના પ્રાથમિક શાળામાં ધોરણ-9ના વર્ગો શરૂ કરવા માટે સરકાર દ્વારા જુલાઈ 2021માં શાળાને મંજૂરી આપી દીધી હતી. પરતું હજી સુધી વર્ગો શરુ કરવામાં આવ્યા નથી. વાલીઓ દ્વારા આ અંગે ઘણીવાર રજૂઆતો પણ કરવામાં આવી છે. પરતું તેમના પ્રશ્નો કોઈ નિકાલ હજી સુધી આવ્યો નથી. જેથી રોષે ભરાયેલા બાળકોએ કઠોદરાની સજેશન બોક્સમાં અગ્નિસ્નાનની ચીમકી ઉચ્ચારી છે.

કઠોદરા શાળામાં એક સજેશન બોક્ષ રાખવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ કે, વાલીઓને ગમે તે સમસ્યા હોય તે આ બોક્સમાં ચીઠ્ઠી લખી કહી શકે છે. જયારે આ બોક્સ આજે ખોલતા તેમાંથી ઘણા પત્રો મળી આવ્યા હતા. તે પત્રોમાં ઘણા પત્રો એવા મળ્યા હતા કે તે જોઈને શાળાના શિક્ષકો પણ ચોંકી ગયા હતા. આ પત્રોમાં લખ્યું હતુ કે, જો ધોરણ નવના વર્ગો શરૂ નહીં થાય તો અમે 11 બાળકો અગ્નિસ્નાન કરી લઈશું. શાળા વ્યવસ્થાપન સમિતિ પાસે આ પત્ર પહોંચતાની સાથે જ તેમણે તાત્કાલિક અસરથી શિક્ષકો સાથે આ બાબતે ચર્ચા કરી હતી. ત્યારબાદ શિક્ષકોએ આ પત્રને લઈ બાળકો સાથે પુછપરછ કરી હતી અને આ પત્ર કયા બાળકે લખ્યો છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

બાળકોએ લખેલા પત્રોમાં ઘણા ખુલાસાઓ સામે આવ્યા છે. જેમાં સૌથી ગંભીર બાબત એ છે કે, બાળકો પોતે અગ્નિસ્નાન કરી લેશે. એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ મધ્યાન ભોજનમાં પણ સડેલુ અનાજ આપવામાં આવતું હોવાની વાત કરવામાં આવી છે. બાળકો આરોગ્ય શકે તેવું અનાજ પણ આપવામાં આવી રહ્યું નથી. આવા ગંભીર બાબતનો ઉલ્લેખ થયેલો પત્ર મળતાની સાથે જ શિક્ષકો અને શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ સક્રિય થઇ ગયા હતા.

આ અંગે શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ રીંકલ પોશીયાએ જણાવ્યું કે, કઠોદરા પ્રાથમિક શાળામાં ધોરણ 9ના વર્ગ શરૂ થવા માટેની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે, અહીં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવા છતાં માત્ર કાગળ ઉપર ધોરણ 9ના વર્ગ શરૂ કરી દેવા માટે મંજૂરી આપી દેવામાં આવી હતી. વારંવારની ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારીએ અહીં આવીને તપાસ કરી હતી ત્યારે તેમણે ખાનગી શાળામા ધોરણ 9ના વર્ગ શરૂ કરી દેવા માટેની વાત કરી હતી. હાલ ગ્રામ પંચાયત દ્વારા ઓરડા ખાલી કરાવી દેતા ત્યાં પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવી છે. જ્યાં ધોરણ નવનો વર્ગ પણ શરૂ થઈ શકે તેમ હોવા છતાં શિક્ષણ અધિકારીની ગંભીર બેદરકારી અને નિષ્ક્રિયતાને કારણે બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. વર્ગખંડ માટેની જેમતેમ વ્યવસ્થા થઈ ગયો હોવા છતાં પણ જિલ્લા શિક્ષણ અધિકારી આ બાબતને ગંભીરતાથી લેતા નથી. તેના કારણે જ કોઈક વિદ્યાર્થી દ્વારા પોતે અગ્નિસ્નાન કરી લેવાનો ઉલ્લેખ સાથેનો પત્ર લખવામાં આવ્યો હોય શકે છે.

Your email address will not be published.