કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે ગામડાઓના વિકાસ વિના ભારતનો વિકાસ શ ક્ય નથી. ગ્રામીણ ભારત અંગે મહાત્મા ગાંધીના સપનાઓને સાકાર કરવા માટે દેશના શિક્ષિત યુવાનો સ્વવિકાસ સાથે દેશના વિકાસમાં પણ પોતાનું યોગદાન આપી ગરીબોના જીવનમાં સમૃદ્ધિનો ઉજાસ પાથરવાનું દાયિત્વ નિભાવે તેવું આહ્વાન તેમણે કર્યું છે.
ગ્રામીણ વિકાસમાં કેન્દ્ર સરકારની ભૂમિકા આપતા ઉક્ત સંદર્ભમાં શાહે ઉમેર્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગ્રામ વિકાસ માટે સરકાર ત્રણ વિભાવનાના આધારે કામ કરી રહી છે. પ્રથમ તો વ્યક્તિગત્ત વિકાસ, બીજું ગામડાઓનો વિકાસ અને ત્રીજું વિસ્તારના વિકાસ માટે આયોજનબદ્ધ રીતે યોજનાકીય કામો કરવામાં આવી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે આજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ, આણંદ (ઈરમા)ના 41માં પદવીદાન સમારોહમાં 251 વિદ્યાર્થીઓને રૂરલ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા ઈન મેનેજમેન્ટ (પીજીડીએમ) ની પદવી એનાયત કરવામાં આવી હતી. આ સમારોહમાં પીજીડીએમ ( રૂરલ મેનેજમેન્ટ) ગ્રેજયુએટ અવિનીશ અરોરાને શૈક્ષણિક શ્રેષ્ઠતા બદલ કુચીભોતલા વાસંતી ગોલ્ડ મેડલ મંત્રીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.
શાહે જણાવ્યું કે, મહાત્મા ગાંધી કહેતા કે દેશની આત્મા ગામડામાં વસે છે. હું તે વાતને દ્રઢપણે માની રહ્યો છું. ગામડાઓ સમૃદ્ધ, સુવિધાસભર અને સ્વાલંબી બનશે તો દેશ સમૃદ્ધ બનશે એટલું જ નહીં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર થવા સાથે દેશનું અર્થતંત્ર પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવા ગામડાઓનું યોગદાન અમૂલ્ય બની રહેશે.
સહકાર મંત્રી શાહે વ્યક્તિગત જીવન સ્તરના સુધારા માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી યોજનાની જાણકારી આપતા કહ્યું કે, આઝાદીના દશકો બાદ 60 કરોડ ગરીબોના બેંકોમાં ખાતા ખોલવામાં આવ્યા છે. મહિલાઓને પગભર બનાવવામાં આવી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આયુષ્યમાન કાર્ડ આપી આરોગ્ય કવચ પૂરૂ પાડવામાં આવ્યું છે. તમામ ઘરોનું વીજળીકરણ, શૌચાલયનું નિર્માણ ઉપરાંત નલ સે જલ, સ્વચ્છ ઇંધણ માટે ઉજ્જવલા યોજના હેઠળ રાંધણ ગેસ કનેક્શન અને પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોને સહાય આપવામાં આવી છે.
ગામ્યસ્તરે ભૌતિક સુવિધાઓ ઉભી કરવામાંની વિગતો આપતા શાહે જણાવ્યું કે, પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ ગામડાઓને તાલુકા મથક સુધી જોડવામાં આવ્યા છે. જેના પરિણામે ગામડાઓમાં આર્થિક ગતિને વેગ મળ્યો છે.
વિસ્તારોના વિકાસ અંગે શાહે એમ જણાવ્યું કે, દેશમાં 100 જિલ્લાઓને મહત્વાકાંક્ષી જિલ્લાઓ બનાવી તેને મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવી રહ્યા છે. આરોગ્ય, ડ્રોપ આઉટ, આવાસ, રોજગારી, પોષણ અને સાક્ષરતા દરને ધ્યાને રાખી ચોક્કસ માપદંડો બનાવવામાં આવ્યા છે અને તેના આધારે આ જિલ્લામાં કામગીરી થતાં આજે અઢી વર્ષના સમય બાદ તેમાંથી અનેક જિલ્લાઓ વિકસિત જિલ્લા બન્યા છે અને તેમને પણ શહેરો જેવી સમાન તકો આપી મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવ્યા છે. વિસ્તારોના વિકાસ માટે કેમ્પા ફંડ અને મિનરલ્સ ફંડના હકો પણ વિસ્તારો આપવામાં આવ્યા છે.
સહકારી પ્રવૃત્તિ વધુ વેગવાન બનાવવા માટે આઝાદી બાદ પ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમવાર કેન્દ્ર સરકારમાં સહકારિતા મંત્રાલયનું રચના કરી છે, તેમ કહેતા શાહે એવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વિભાગના માધ્યમથી ગામડાઓને આત્મનિર્ભર બનાવવામાં બળ મળશે. સહકારી ક્ષેત્રનો વ્યાપ વધારવા સર્વસમાવેશી, પારદર્શી અને આધુનિક ટેક્નોલોજીના વિનિયોગ દ્વારા તેને વધુ મજબૂત બનાવવામાં આવશે.
સ્નાતક થનારા છાત્રોને શીખ આપતા કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે, જ્ઞાનનો અર્થ એવો પણ કે જ્યારે જ્ઞાન મળે ત્યારે સ્વથી પર સુધીના તમામનો વિચાર આવે. તમને અહીં જે સંસ્કાર અને શિક્ષા મળી છે, તેને આત્મસાત કરી જીવનભર ગામડા અને ગરીબોના વિકાસ માટે યોગદાન આપવું જોઇએ. તે જ સાચી ગુરુદક્ષિણા છે અને બાપુના ગ્રામ વિકાસનું સપનું ખરા ખર્થમાં સાકાર થશે. ગ્રામીણ વિકાસની પ્રવૃત્તિ ચંદનની જેમ ઘસાઇને વધુ સુગંધિત થવા જેવી છે. ત્યારે જ તમે જે કામ કરશો તેનો સંપૂર્ણ આત્મસંતોષ મળશે. સરદાર પટેલ, ત્રિભુવનદાસ પટેલના સહકારી પ્રવૃત્તિ દ્વારા ગ્રામ વિકાસના સપનાને જમીન પર ઉતારવા ડો. કુરિયને આ સંસ્થાની સ્થાપના કરી હતી. તે ઇરમા આજે ગ્રામ વિકાસક્ષેત્રમાં વ્યવસાયિકો આપીને કરોડરજ્જુ સમાન બની છે.
ઇરમાના ચેરમેન દિલીપ રથે ઇરમા અને રુરલ મેનેજમેન્ટના ક્ષેત્રના મહત્વ તથા સર્વસમાવેશી વિકાસની ભારતની યાત્રામાં આ સંસ્થાની ભૂમિકા પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, ‘ઇરમા ગ્રામ્ય વિસ્તાર પર ધ્યાન કેન્દ્રીત કરવાની સાથે સહકારી સેક્ટરમાં મેનેજમેન્ટનું શિક્ષણ આપવા માટેના સેન્ટર ફોર એક્સીલેન્સ તરીકે ખૂબ જ સારી સ્થિતિમાં છે. ઇરમાને સહકારી મંડળીઓ માટેની એક કેન્દ્રીય યુનિવર્સિટી તરીકે સ્થાપવામાં આવે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી. ઇરમાના નિયામક ડો. ઉમાકાંત દાસે ગ્રામ વિકાસમાં ઇરમાના યોગદાનની ભૂમિકા આપી સૌનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે ઇફ્ફોના ચેરમેન દિલીપ સંઘાણી, એનસીડીએફઆઇના ચેરમેન મંગલજીત રાય, સાંસદ મિતેશ પટેલ, અમૂલના ચેરમેન રામસિંહ પરમાર, જી. સી.એમ.એમ. એફ ના એમ.ડી. આર .એસ સોઢી, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર, પદાધિકારીઓ, ઈરમા નિયામક બોર્ડના સદસ્યો, સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ, ફેકલ્ટી,વિદ્યાર્થીઓ,વાલીઓ હાજર રહ્યા હતા.