શું બિલ્ડિંગની અંદર 5Gનું કવરેજ નહીં મળે? ટ્રાઇએ વ્યક્ત કરી ચિંતા

| Updated: January 22, 2022 4:38 pm

દેશમાં 5G નેટવર્ક શરૂ કરવાની જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે. આ માટેની ટ્રાયલ્સ પણ શરૂ કરવામાં આવી રહી છે ત્યારે ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઇ 5G નેટવર્કને લઈને એક મોટો સુધારો ટૂંક સમયમાં લાગુ કરવા જઈ રહી છે. 

ટ્રાઇ (ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા)ના ચેરમેન પી.ડી.વાઘેલાએ એક વર્ચ્યુઅલ ઇવેન્ટમાં જણાવ્યું હતું કે 5Gના સિગ્નલ્સ હાઇ ફ્રીકવન્સીમાં ટ્રાન્સમીટ થતા હોય છે જે અત્યંત ટૂંકા અંતરના હોય છે જેના કારણે બિલ્ડિંગની અંદર 5G નેટવર્ક સરળતાથી પહોંચાડવું એ મોટો પડકાર રહેશે.

ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઇડર્સ એસોસિએશન (દીપા) દ્વારા આયોજીત ઇવેન્ટમાં વાઘેલાએ કહ્યું હતું કે ટેલિકોમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઇડર્સ માટે બિલ્ડિંગની અંદર એકસરખું નેટવર્ક મળે એ માટે પ્રયાસો કરવાના રહેશે. આ અંગે અમે કન્સલ્ટેશન પેપર તૈયાર કર્યું છે ટૂંક સમયમાં આ વિશે ભલામણો રજૂ કરાશે. તેમણે જોકે કહ્યું હતું કે 5Gથી ડિજીટલ કનેક્ટીવીટી વધુ સુદૃઢ બનશે.

ઉલ્લખનીય છે કે હાલમાં જ 5G નેટવર્કના કારણે વિમાનો ખાસ કરીને બોઇંગ 777 વિમાનોના સંચાલનને અસર પહોંચતી હોવાના અહેવાલોને પગલે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ કારણોસર અમેરિકામાં અનેક ફ્લાઇટ્સની અવરજવરને અસર પહોંચી હતી. તેના કારણે અમેરિકી ઓપરેટર્સને 2 અબજ ડૉલરનું માતબર નુકસાન થયું હતું. 

નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે એવિએશન ઇન્ડસ્ટ્રીઝને એ વાતે ચિંતા છે કે 5G નેટવર્ક માટે 4200થી 4400 મેગાહર્ટ્ઝ ફ્રીકવન્સી બેન્ડ જરૂરી હોય છે. એરક્રાફ્ટના ઇક્વીપમેન્ટ્સ તથા કમ્યુનિકેશન્સ માટે પણ આટલી જ ફ્રીકવન્સી જરૂરી હોય છે. ખાસ કરીને રડાર અલ્ટીમીટર્સ નામની ડિવાઇસ માટે આ ફ્રીકવન્સીનો ઉપયોગ થાય છે. ભારતના ડાયરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિએશન અરુણ કુમારે કહ્યું હતું કે 5Gને લઈને વિવિધ પડકારો છે પણ આશા રાખીએ છીએ કે ટૂંક સમયમાં તેના સમાધાન શોધી કાઢવામાં આવશે.

Your email address will not be published.