કરોડોની કરચોરીના બાતમીદારને લાખોનું વળતર આપવામાં લાગ્યા દસ વર્ષ, જાણો કેમ?

| Updated: June 17, 2022 12:22 pm

આવકવેરા વિભાગને કરચોરી અંગે માહિતીનો કોઈ સૌથી મોટો સ્ત્રોત હોય તો તે બાતમીદારો છે.  બાતમીદારોને આવકવેરા વિભાગના આંખ અને કાન કહેવાય છે. પણ કરચોરીની મહત્વની બાતમી આપતા બાતમીદારોને આવકવેરા વિભાગ તેમના હક્કની રકમ આપવામાં દસ વર્ષ લગાડી દે છે. જ્યારે વિભાગે પોતે તેની માહિતીના આધારે કરોડો રૂપિયાની જંગી કરચોરી પકડી લીધી હોય છે.

બાતમીદાર વ્યક્તિગત જોખમ લે છે

આ બાતમીદારો એક રીતે આ પ્રકારની બાતમી આપવામાં વ્યક્તિગત રીતે જોખમ વ્હોરે છે. તેઓને કરચોરીના અમુક ટકાવારીનો રકમ વળતર પેટે આપવામાં આવે છે. રાજ્યમાં આવા ત્રણ બાતમીદારોને લગભગ દાયકા સુધી રાહ જોયા પછી છેવટે જૂનમાં ઇનામ મળ્યું છે. આ વ્હીસલ બ્લોઅરોએ ગુજરાતમાં ત્રણથી વધુ કંપનીઓની કરચોરી અંગે માહિતી પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓની બાતમીના આધારે પાડવામાં દરોડા મુજબ લગભગ 100 કરોડથી વધુ રકમ મળી હતી.

આવકવેરા વિભાગના અધિકારીએ બાતમીદારોને વળતર આપવામાં થયેલા વિલંબનો બચાવ કરતા જણાવ્યું હતું આ કિસ્સામાં તેઓને વર્ષો પહેલા એક લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા અને બાકીના 14 લાખ રૂપિયા હવે આપવામાં આવ્યા છે. કાર્યપ્રણાલિ મુજબ બાતમીદારને તેની ટિપની ચકાસણી થયા પછી તાત્કાલિક એક લાખ રૂપિયા તાત્કાલિક મળી જાય છે અને બાકીની રકમ કરચોરી કેટલી થઈ તે સુનિશ્ચિત થયા પછી તેની ટકાવારીના સંદર્ભમાં મળે છે.

સમયસર ચૂકવણી નહી થાય તો વિશ્વસનીયતા ગુમાવીશું

ગુજરાતના આવકવેરા ભવન ખાતેના ઇન્ડિયન રેવન્યુ સર્વિસ (આઇઆરએસ) ઓફિસરનું કહેવું છે કે બાતમીદારો આવકવેરાના દરોડાનો સૌથી મહત્વનો હિસ્સો છે. જો અમે તેમને સમયસર ચૂકવણી નહી કરીએ તો અમે વિશ્વસનીયતા ગુમાવી દઇશું અને તેઓ પણ પછી અમને માહિતી નહી આપે. તેથી અમે તેઓને ચૂકવણી કરવામાં સફળતા મેળવી તે સારી વાત છે, પરંતુ આ પ્રક્રિયા વધુ ઝડપી બનાવવાની જરૂર છે.

આવકવેરા વિભાગના ઘણા અધિકારીઓ માને છે કે ગુજરાતમાં બેનામી મિલકતોને ઓળખી કાઢીને કરચોરી પકડવામાં બાતમીદારોનું મજબૂત નેટવર્ક અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે. આઇઆરએસ અધિકારી ઉમેરે છે કે મોટાભાગના કિસ્સામાં બાતમીદારે માહિતી પૂરી પાડ્યા પછી તેને ક્યાં તો ભૂલી જવામાં આવે છે અથવા તો તેઓ ઇનામી રકમ મેળવવાની આશા ગુમાવી દે છે અને ખરાબમાં ખરાબ સ્થિતિ તો એ છે કે તેઓ આવકવેરા વિભાગ સામે તેમનો અસંતોષ વ્યક્ત કરવા પબ્લિક પ્લેટફોર્મ પર જાય છે.

બાતમીદારોને ઇનામ

બાતમીદારને મહત્તમ ઇન્ટરિમ એવોર્ડ દસ લાખનો મળે છે. પરંતુ જો રોકડ ઇનામ એક કરોડથી વધુ રકમનું હોય તો પછી વચગાળાની રકમ 15 રૂપિયા જેટલી તો હોવી જોઈએ. અંતિમ રિવોર્ડ કર જવાબદારીના પાંચ ટકા હોવો જોઈએ અને તે 50 લાખ સુધીનો હોવો જોઈએ. જો મળેલી ટિપના આધારે ટેક્સ રિકવરી થતી હોય તો બાતમીદારને તાત્કાલિક એક લાખ રૂપિયા અપાય છે જ્યારે બાકીની ઇનામી રકમ 15 લાખ રૂપિયાની ટોચમર્યાદા સાથે કુલ કર જવાબદારીના દસ ટકા હોય છે અને પછી તેનો આધાર અંતિમ પતાવટ થાય તેના પર હોય છે.

આ જોઈને તો એમ જ લાગે કે આવકવેરા વિભાગ બાતમીદારોને બાતમી આપવા અંગે હતોત્સાહિત કરી રહ્યુ છે. કેટલાક કિસ્સામાં ડિફોલ્ટરો કાયદાકીય માર્ગ અપનાવે છે ત્યારે અંતિમ પતાવટમાં લાંબો સમય લાગતા બાતમીદારોએ પણ વળતર માટે લાંબો સમય રાહ જોવી પડે છે. આમ હવે આટલું ઓછું વળતર રહેશે અને વળતર આપવાની પ્રક્રિયા પણ આવકવેરાની પ્રક્રિયા જેટલી જટિલ રહેશે તો બાતમીદાર કરોડો રૂપિયાની પ્રોપર્ટીઝ અંગે બાતમી આપવા આગળ જ નહી આવે.

માર્ગ શોધવા પ્રયાસો

અધિકારીએ જણાવ્યું હતું કે અમે આ ખામી જાણીએ છીએ અને અમારો વિભાગ આ તકલીફનો ઉકેલ લાવવાના વિવિધ માર્ગ શોધી રહ્યો છે. તપાસમાં સમય લાગે છે અને પછી તેમા ન્યાયતંત્ર પણ જોડાય છે. પરંતુ અમે સમજીએ છીએ કે દસ વર્ષ અત્યંત લાંબો સમય છે અને અમારી સિસ્ટમમાં આ તકલીફને દૂર કરવાના પ્રયાસો આદર્યા છીએ.

Your email address will not be published.