મલેશિયાએ કોરોના સંબંધિત તમામ પ્રતિબંધો હટાવી દીધા છે. 1 એપ્રિલથી, મુસાફરીને લગતાં તમામ પ્રતિબંધો ઉઠાવી લેવાયા છે.પ્રવાસનને વેગ આપવા ટુરિઝમ મલેશિયાએ 18 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન ભારતના છ મોટા શહેરોને આવરી લેતાં પ્રથમ રોડ શોનું આયોજન કર્યું છે.
આ રોડ શો દિલ્હીથી થરુ થઇ અમદાવાદ, મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લોર અને ચેન્નાઈમાં યોજાઇ રહ્યો છે. આ મિશનનું નેતૃત્વ ઇન્ટરનેશનલ પ્રમોશન ડિવિઝન (એશિયા અને આફ્રિકા)ના સિનિયર ડિરેક્ટર મનોહરન પેરિયાસામી અને મલેશિયાના ટૂરિઝમ સાથે સંકળાયેલા પ્રોફેશનલ્સ સાથે મળીને કરી રહ્યા છે, જેમાં મલેશિયા સ્થિત ત્રણ એરલાઇન્સ, 22 ટ્રાવેલ એજન્ટ્સ, ચાર હોટેલિયર્સ અને ચાર પ્રોડક્ટ ઓનર્સનો સમાવેશ થાય છે.

મનોહરન પેરિયાસામીએ જણાવ્યું હતું કે અમે ફરી પ્રવાસન શરુ કર્યું છે.અમારી અર્થવ્યવસ્થામાં જે ટોચનાં પાંચ દેશોનું પ્રમુખ યોગદાન છે તેમાં ભારતનો સમાવેશ થાય છે અને ગુજરાત એ ટોચના પાંચ રાજ્યોમાં સામેલ છે જે અમારા માટે બિઝનેસ લાવે છે.અમે ગુજરાતીઓને આકર્ષવા માટે શાકાહારી રેસ્ટોરાંથી લઈને ક્લબ સુધી બધુ બનાવ્યું છે. અમે ગુજરાતીઓ માટે અસલ થેપલા બનાવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છીએ.
તેમણે જણાવ્યું હતું કે,મલેશિયાની પ્રવાસનની આવકમાં ભારતીયોનું મોટું યોગદાન છે. 2019માં 7,35,309 ભારતીયોએ મલેશિયાની મુલાકાત લીધી હતી. ભારતથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ કરીને મલેશિયાની આંતરરાષ્ટ્રીય સરહદો ફરીથી ખોલવામાં આવી છે.
મનોહરન પેરિયાસામીએ વધુમાં જણાવ્યું હતું કે અમે ભારતીય પ્રવાસીઓનાં રોમાંચક, વેલ્યુ-એડેડ અને એક્શનથી ભરપૂર પ્રવાસ માટે સ્વાગત કરવા માટે ખાસ્સા રોમાંચિત છીએ. બે વર્ષ પછી હવે ઘણું નવું જોવા-માણવા મળશે. ખાસ કરીને નવા આઉટડોર થીમ પાર્ક, જેન્ટિંગ સ્કાયવર્લ્ડ, કુઆલાલંપુરમાં સનવે રિસોર્ટ અને વિશ્વની બીજી સૌથી ઊંચી બિલ્ડીંગ મર્ડેકા 118. મને ખાતરી છે કે આ નવા આકર્ષણો સાથે અમારા રમણીય દરિયાકિનારા, પર્વતો અને અનેક એકટિવિટી સાથે જંગલો તમારી સફરને યાદગાર બનાવશે.

રસીનાં બે ડોઝ લીધા હોય તેવા આંતરરાષ્ટ્રીય મુસાફરોએ હવે ક્વોરેન્ટાઇન થવાની જરુર નથી. જોકે ડિપાર્ચરનાં બે દિવસ પહેલાનાં આરટી-પીસીઆર ટેસ્ટ જરૂરી છે અને મુસાફરોએ મલેશિયા પહોંચ્યાના 24 કલાકમાં આરટીકે-એજીમાંથી પસાર થવું જરુરી છે. અત્યારે મલેશિયાનાં ઇ-વિઝા ઓનલાઇન મેળવી શકાય છે અને ભારત અને મલેશિયા વચ્ચે મલેશિયા એરલાઇન્સ, માલિન્ડો એર, એરએશિયા, ઇન્ડિગો અને એર ઇન્ડિયા એક્સપ્રેસમાં દર અઠવાડિયે 14,000 થી વધુ સિટ ઉપલબ્ધ છે.