પેટ્રોલ પંપમાં આવ્યો પેટ્રોલ ‘ પમ્પ’ કરવાનો સમયઃ કેટલાય પમ્પોમાં પેટ્રોલ નથીના બોર્ડ

| Updated: June 16, 2022 12:48 pm

અમદાવાદઃ અમદાવાદના પેટ્રોલ પંપમાં હવે ખરેખર પેટ્રોલ ‘પમ્પ’ કરવાનો સમય આવ્યો છે. સુરત પછી હવે અમદાવાદમાં જે રીતે જુદા-જુદા પેટ્રોલ પમ્પો સાદુ પેટ્રોલ નથી તેના બોર્ડ લગાવી રહ્યા છે તે જોતાં કહી શકાય કે હવે પેટ્રોલ પંપોમાં પણ પેટ્રોલ પમ્પ કરવાની જરૂર છે.

સરકાર એકબાજુએ દાવો કરી રહી છે કે પેટ્રોલ-ડીઝલ પૂરતા પ્રમાણમાં છે પરંતુ તેની સામે પરિસ્થિતિ વાસ્તવિકતાથી એકદમ વિપરીત છે. અમદાવાદના ઘણાય પેટ્રોલ પમ્પોમાં પેટ્રોલ નથીના બોર્ડ લાગવા માંડ્યા છે. સુરતમાં તો ખાનગી કંપનીઓના પેટ્રોલ પમ્પો પર તો માંડ સો રૂપિયાનું પેટ્રોલ મળે છે, પણ અમદાવાદમાં પણ આ મોરચે સ્થિતિ બગડવા માંડી છે.

આ તસ્વીરો સાક્ષી છે કે અમદાવાદીઓ હાલમાં પેટ્રોલ પમ્પો પર પેટ્રોલના અભાવે હાલાકીનો સામનો કરી રહ્યા છે. કેટલાય પેટ્રોલ પમ્પો રીતસર કહી રહ્યા છે કે સાદુ પેટ્રોલ નથી અને પાવર પેટ્રોલ ભરાવો તો 134 રૂપિયા જેટલો તેનો ભાવ છે. તેથી શહેરીજનોએ નછૂટકે પાવર પેટ્રોલ ભરાવવું પડી રહ્યું છે. શહેરની મધ્યમાં શિવરંજનીએ આવેલા પેટ્રોલ પમ્પ પર આ સ્થિતિ છે તો બીજે શું સ્થિતિ હશે. સરકાર દ્વારા પુરવઠા મોરચે જો સ્થિતિ સુધારવા માટે તાત્કાલિક પગલાં નહી લેવાયા તો પછી પરિસ્થિતિ વણસતા વાર પણ નહી લાગે.

બે દિવસ પહેલા જ પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ ખૂટી પડવાની અફવા ઉડી હતી, પણ તે સમયે તે અફવા જ સાબિત થઈ હતી. આવી કોઈ વાત ન હતી. પણ હવે એક પછી એક પેટ્રોલ પમ્પો સાદુ પેટ્રોલ આપવાના મોરચે જે રીતે હાથ અદ્ધર કરી રહ્યા છે તે બતાવે છે કે સ્થિતિ માનવામાં આવે છે તેટલી સામાન્ય નથી.

પેટ્રોલ પમ્પ પર પુરવઠાની અછત અંગે એવું કારણ આપવામાં આવી રહ્યુ છે કે પેટ્રોલ પમ્પો બલ્ક ખરીદદારોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મોટાપાયે ખરીદી કરતા હતા. પણ હવે આ બલ્ક ખરીદદારોએ ઊંચા ભાવે ખરીદી કરવાનું બંધ કરતા અને તે પણ રિટેલ તરફ વળતા પેટ્રોલ પમ્પોએ પણ ન છૂટકે આ વાસ્તવિકતા સ્વીકારવી પડી છે. તેના લીધે તેઓએ પેટ્રોલ-ડીઝલના પુરવઠાની આયાત પર બ્રેક લગાવી દીધી છે. આમ બલ્ક ખરીદદારની ગેરહાજરીનો ભોગ રિટેલ ખરીદદાર બની રહ્યા છે.

Your email address will not be published.