જામનગરમાં બોલાચાલી મામલે યુવાનને સમાધાન માટે બોલાવી શખ્સોએ વેતરી નાખ્યો

| Updated: April 5, 2022 3:40 pm

જામનગરમાં નજીવી બાબતે કરપીણ હત્યાનો બનાવ બનતા ભારે ચકચાર જોવા મળી હતી. ગત મોડી રાત્રે કાલાવડ નાકા બહાર સામાન્ય બાબતે બોલચાલીમાં મામલો બીચકાયો હતો. યુવાનને સમાધાન માટે બોલાવી ચાર શખ્સોએ રહેંસી નાખ્યો હતો. જામનગર સીટી એ ડિવિઝન પોલીસે ચારેય શખ્સોની ભાળ મેળવી લીધી છે. પિતાના એકના એક મૃતક પુત્રના ત્રણ માસ પૂર્વે નિકાહ થયા છે. આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

જામનગર શહેરના ચાંદી બજાર પાસે રાત્રીના મરણ જનાર સબીર ગફારભાઈ લાલપરીયા તેમની પત્ની સાથે નીકળતા આરોપી સદામ બાજરીયા નામના શખ્સે તેમની મશ્કરી કરતા મામલો બીચક્યો હતો. પત્નિની મશ્કરી કરવા બાબતે સબીર ગફારભાઈ લાલપરીયા (મેમણ) અને સદામ બાજરીયા સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સબીર પોતાની પત્નિ સાથે ઘરે ચાલ્યા ગયા હતા.

જેથી સદામ બાજરિયાએ સબીરને સમાધાન માટે ચાંદી બજાર બોલાવેલ અને સદામ બાજરિયાએ અગાઉથી પોતાના ભાઈ જઝુબેર મહમદભાઇ બાજરીયા, મોહસીન ઉર્ફે ખજુર ઇકબાલભાઇ શેખ અને વસીમ સુલેમાન બશરને બોલાવીને રાખેલ સમાધાન માટે આવેલ મેમણ યુવાન કાઈ સમજે પહેલા જ અગાઉથી બોલાવીને રાખેલા ચાર શખ્સોએ સબીર ગફારભાઈ લાલપરીયા નામના યુવાનને પેટમાં આડેધડ છરીના ઘા મારી ફરાર થઈ ગયા હતા.

મેમણ યુવાન પર હુમલાના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા લોહીલુહાણ હાલતમાં સબીર લાલપરીયા (મેમણ) ને જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ટુકી સારવાર બાદ યુવાને દંમ તોડતા હુમલો હત્યામાં પલટાયો હતો હોસ્પિટલ ખાતે મેમણ જમાતના આગેવાનો દોડી ગયા હતા.

બનાવની જાણ થતા સીટી-એ ડિવિઝનના પોલીસ ઇન્સપેેેક્ટર મહાવીરસિંહ જલુ દરબાર ગઢ ચોકીના PSI હરિયાણી સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી જઈ ફરિયાદ અંગેની તજવીજ હાથ ધરી આરોપીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. હાલતો રમજાનના પવિત્ર તહેવારમાં યુવાનની હત્યાથી અરેરાટી વ્યાપી ગઇ છે.

Your email address will not be published.