મેવાણીના ખોટા કેસમાં ધરપકડ મામલે આસામ પોલીસની કોર્ટે ઝાટકણી કાઢી

| Updated: April 30, 2022 2:09 pm

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના કેસમાં કોર્ટે આસામ પોલીસની ઝાટકણી કાઢી હતી. મેવાણીને મહિલા પોલીસકર્મીના છેડતીના કેસમાં જામીન આપવામાં આવ્યા છે. જો કે મેવાણીને ફસાવવાના કેસમાં કોર્ટે આસામ પોલીસ પર ફિટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે ‘જો પોલીસની મનમાની નહીં રોકવામાં આવે તો આપણું રાજ્ય એક પોલીસ સ્ટેટ બની જશે.’

કોર્ટે જણાવ્યું કે, ‘કોઈ પણ વ્યક્તિ સામે ખોટા આરોપ લગાડી તેની સામે ફરિયાદ દાખલ કરી ધરપકડ કરવું તે યોગ્ય નથી, ‘ પોલીસને ફિટકાર લગાવતા બારપેટા જિલ્લા અને સત્ર જજ અપરેશ ચક્રવર્તીએ કહ્યું કે, મહિલા પોલીસ અધિકારી પર કથિત હુમલાનો આરોપ યોગ્ય નથી. 2 પોલીસ અધિકારીઓની હાજરીમાં ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિ એક મહિલા પોલીસ અધિકારી સાથે મારપીટ ના કરી શકે. જજે ગુવાહાટી હાઇકોર્ટને પણ અનુરોધ કર્યો કે, આસામ પોલીસને આ મામલાને સુધારવાનો નિર્દેશ આપવો જોઈએ.

બારપેટા સેશન્સ કોર્ટે ગુવાહાટી હાઈકોર્ટને રાજ્યમાં તાજેતરમાં જ પોલીસની દમનગીરી વિરૂદ્ધ એક અરજી પર વિચાર કરવાનો પણ અનુરોધ કર્યો. સેશન્સ કોર્ટે ગુવાહાટી હાઇકોર્ટને એમ પણ કહ્યું કે, ‘આસામ પોલીસને બોડી પર કેમેરા લગાવડાવો અને પોતાના વાહનોમાં પણ CCTV કેમેરા લગાવવાનો આદેશ આપવામાં આવે, જેથી કોઇ આરોપીની ધરપકડ કરવા પર ઘટનાઓના ક્રમને પણ તેમાં રેકોર્ડ કરી શકાય.’ તો બીજી બાજુ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ મેવાણીની ધરપકડને લઈ નિવેદન આપ્યું હતું. તેઓએ મેવાણીની ધરપકડને ગેરબંધારણીય ગણાવી હતી.

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં જીગ્નેશ મેવાણીએ પીએમ મોદી વિરુદ્ધ ટિપ્પણી કરી હોવાનો આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં તેઓને જામીન મળ્યા બાદ મહિલા પોલીસકર્મીની છેડતી કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જો કે, બીજા કેસમાં પણ મેવાણીને ગત રોજ જામીન મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, એક પોલીસની વાનમાં બેસેલ મેવાણીનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો આ ફોટોમાં મેવાણી પૃષ્પા ફિલ્મના ડાયલોગ મે ઝુકેગા નહીં બોલતા જોવા મળ્યા હતા

Your email address will not be published.