આસામની કોર્ટમાં જિજ્ઞેશ મેવાણીના કેસની આજે સુનાવણી

| Updated: April 25, 2022 10:56 am

મેવાણીની ધરપકડના વિરોધમાં કોંગ્રેસે આસામમાં રેલી કાઢી

કોકરાઝારઃ ગુજરાત વિધાનસભાના વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણીની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે બદનક્ષીભરી ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. તેમને આસામના કોકરાઝાર ખાતેની ચીફ જ્યુડિસિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સ્થાનિક કોર્ટે મેવાણીને એક દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલ્યા છે અને તેમના કેસની આજે સુનાવણી થશે.

કોંગ્રેસે મેવાણીની ધરપકડ સામે આસામમાં રેલી કાઢી હતી. કોર્ટે રવિવારે આપેલા આદેશમાં જણાવ્યું હતું કે આ કેસની લાક્ષણિકતા જોતા કોર્ટને રેકોર્ડ પરની વિગતોની ધ્યાનપૂર્વક ચકાસણી કરવા વધારે સમયની જરૂર છે. તેથી તેમની જામીન અરજી અંગે સોમવારે નિર્ણય લેવામાં આવનાર છે.

મેવાણી ગુજરાત વિધાનસભાના અપક્ષ ઉમેદવાર છે, પણ કોંગ્રેસના સમર્થનથી ચૂંટાયેલા છે. તેમની ગુજરાતમાંથી અડધી રાત્રે આસામ પોલીસે ધરપકડ કરી હતી. આસામની કોર્ટે તેમને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યા છે. વડાપ્રધાન મોદી સામે બદનક્ષીભરી ટિપ્પણી કરવા બદલ આસામ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આીવી હતી.

મેવાણીના વકીલ અંગ્શુમાન બોરાએ જણાવ્યું હતું કે વિધાનસભ્ય સામે પ્રથમદર્શી ધોરણે કોઈ આરોપ નથી. આમ આરોપી સામે પ્રથમદર્શી ધોરણે કોઈ કેસ પણ બનતો નથી. આ કેસમાં આરોપી સામે જે કલમો લગાડવામાં આવી છે તેવી કોઈપણ કલમ આરોપીને લાગતી જ નથી. સેક્શન 153 હેઠળની જોગવાઈમાં વિવિધ સમાજો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાની વાત છે, વાસ્તવમાં આરોપીએ વિવિધ સમાજ વચ્ચે વૈમનસ્ય કહેવાય તેવું કશું કર્યું નથી. આમ આરોપીએ કોઈપણ પ્રકારની ધાર્મિક ઉશ્કેરણી કરી જ નથી, એમ તેમણે ઉમેર્યુ હતું.

બોરાએ ઉમેર્યુ હતું કે જો આરોપીના જામીન નકારવામાં આવ્યા તો મેવાણીએ સેશન્સ કોર્ટમાં જવું પડશે. તેમણે ઉમેર્યુ હતું કે મેવાણીની ધરપકડ સુપ્રીમ કોર્ટના જ ચુકાદાનો ભંગ છે. આસામ કોંગ્રેસે મેવાણીની ધરપકડના વિરોધમાં આસામમાં કોકરાઝાર ખાતે રેલી કાઢી હતી.

Your email address will not be published.