જીતુ વાઘાણીએ પીએમ મોદીના પ્રવાસ, વન મહોત્સવ અને મોન્સુન ફેસ્ટિવલ વિશે માહિતી આપી

| Updated: July 27, 2022 5:20 pm

ગાંધીનગર: રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ (Jitu Vaghani) આજે કેબિનેટની બેઠક બાદ મીડિયાને સંબોધન કર્યું હતું અને બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસ વિશે અને રાજ્ય સરકારના વન મહોત્સવ અને મોન્સુન ફેસ્ટિવલ વિશે માહિતી આપી હતી.

જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે અને સાબર ડેરીના પ્લાન્ટ અને અન્ય લોકાર્પણ કરવામાં આવશે. જેમાં પાવડર પ્લાનનું લોકાર્પણ અને 600 કરોડના ખર્ચે ઊભો થનાર ચીઝ પ્લાનનું પણ ઉદ્ઘાટન કરશે.

તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી 29 તારીખે 4 વાગ્યે ગિફ્ટ સિટીએ આવશે, જ્યાં ઇન્ડિયા ઇનટરનેશનલ એક્સચેન્જ નું ઉદ્ઘાટન કરશે. જેમાં દેશના ગૃહ મંત્રી અમિત શાહ, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને મુખ્ય મંત્રી પણ હાજર રહેશે. આગળ તેમણે ઉમેર્યું કે, દ્રૌપદી મૂર્મુના રાષ્ટ્રપતિ બન્યાબાદ આજે મંત્રી મંડળની બેઠકમાં અભિનંદન આપતો ઠરાવ આપવામાં આવ્યો છે. રાજ્યના ૫૩ તાલુકા માં અભિવાદન કાર્યક્રમ કરવામાં આવ્યો અને તેમાંથી આદિવાસી સમાજમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો.

તેમણે જણાવ્યું કે 12 ઓગસ્ટના રોજ સુરેન્દ્રનગર ખાતે કોટેશ્વર ડેમનું ઉદઘાટન કરાશે અને ત્યાં વન મહોત્સવ ઉજવાશે. રાજ્યમાં 10.35 કરોડ વૃક્ષોનું વાવેતર કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. અને તમામ જિલ્લામાં પ્રભારી મંત્રીઓ આ વખતે વૃક્ષા રોપણ કરશે.

કોવિડ વેકસીનેશન પર તેમણે કહ્યું કે, રાજ્યમાં કોવિડ વેક્સીનેશન મુદ્દે મુખ્યમંત્રીએ માહિતી લીધી છે. જિલ્લા કક્ષાએ શુક્રવાર, શનિવાર અને રવિવારે ખાસ ઝુંબેશ ચાલુ કરશે, જેમાં લગભગ 3.5 કરોડ જેટલા ડોઝ આપવામાં આવશે અને ફ્રન્ટ લાઈન વર્કર માટે વ્યવસ્થા કરવામાં આવશે.

રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પશુઓમાં ફેલાયેલા રોગ મુદ્દે તેમણે જણાવ્યું કે, કેબિનેટમાં ચર્ચા થઈ કે 14 જેટલાં જિલ્લામાં અસર થઈ છે. જેથી રોગ ન ફેલાય માટે પશુઓની અવર જવર બંધ કરવામાં આવી છે.
ડાંગમાં થઈ રહેલ મેઘ મલ્હાર પર્વ વિશે માહિતી આપતા જણાવ્યું કે, ડાંગ સાપુતારામાં 30 તારીખે સવારે 9 વાગે મુખ્યમંત્રી અને બીજા અન્ય મંત્રીઓની હાજરીમાં આ ફેસ્ટિવલ ઉજવાશે.

બરવાળાના લઠ્ઠાકાંડ મુદ્દે મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, આ ઘટના મુદ્દે સરકાર રિપોર્ટના આધારે સખ્તાઇથી પગલાં લેશે. હાલમાં સત્તાવાર મૃત્યુ અંક ૩૫ સુધીનો છે. તેમણે કહ્યું કે, સમગ્ર તપાસના અંતે સરકાર પગલાં લેશે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ સુરતના મેયરને ફાળવી 8 મિનિટ, વર્લ્ડ સ્માર્ટ સિટી માટે આપ્યું જરૂરી માર્ગદર્શન

Your email address will not be published.