જુનાગઢના મ્યુનિસિપલ કમિશ્નરનો મિજાજ છટક્યોઃ લારી-ગલ્લાવાળાઓની રજુઆત વખતે અરજદારને કહ્યું “ગેટઆઉટ”

| Updated: November 24, 2021 6:20 pm

જુનાગઢ શહેરના તમામ લારીધારકો તાજેતરમાં રસ્તા પર ઉભા રહીને ધંધો કરવા દેવાની અથવા વૈકલ્પિક જગ્યા આપવાની માંગ સાથે રસ્તા પર ઉતર્યા હતા. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા નાના વેપારી અને લારી ધારકોને દૂર કરાતા લારી ધારકોમાં હાલમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

લારીધારકોએ આજે શહેરના રસ્તા પર રેલી યોજી મહાનગરપાલિકા કચેરી ખાતે હંગામો કર્યો હતો. સ્થાનિક આગેવાનોને સાથે રાખી તેઓ કમિશનર સમક્ષ રજૂઆત કરવા ગયા ત્યારે કમિશ્નર ઉકળ્યા હતા અને રજૂઆત કરનાર આગેવાનને બહાર જવાનો દરવાજો દેખાડી દીધો હતો.

જુનાગઢ શહેરના રસ્તા પર ઉભા રહેતા ખાણી પીણીના લારી-ગલ્લા વાળાઓએ લગભગ એક સપ્તાહ પહેલા જૂનાગઢ મહાનગરપાલિકાના ડે. કમિશનર તેમજ મેયરને રૂબરૂ મળીને આવેદન સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. આ સમયે મહાનગરપાલિકાના સત્તાધીશોએ એક સપ્તાહ જેવા સમયમાં આ પ્રશ્નનું નિરાકરણ લાવવા ખાતરી આપી હતી.

આ બાબતે સમય વીતી જતા આજે ફરીથી આગેવાનો સાગર મકવાણા, રાજુ સોલંકી વગેરે કાળવા ચોકમાં ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે એકઠા થયા હતા. તેમણે બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં આગેવાનો સાથે લારી-ગલ્લા ધારકોએ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામ દૂર નથી કરતા, પરંતુ નાના ધંધાર્થીઓ ને હેરાન પરેશાન કરે છે તેવો આક્ષેપ કર્યો હતો.

મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ પર વેપારીઓએ આકરા શબ્દોમાં પ્રહારો કર્યા હતા. શરૂઆતમાં સામાન્ય અને પછી ઉગ્ર બોલાચાલી શરૂ થતા કમિશનર રાકેશ તન્નાએ ગુસ્સામાં આવીને કહ્યું કે, “એય, અવાજ નીચે રાખીને વાત કર. મને ઊંચો અવાજ પસંદ નથી કે હું બહેરો નથી. માત્ર રજૂઆત કર, પ્રશ્ન ન પૂછ.”

તેમણે કર્મચારીઓને કહ્યું કે, “આને બહાર લઈ જાવ અને ફરજમાં રૂકાવટનો કેસ કરી દો.” આટલું કહેતાં જ ફરજ પરના સિક્યોરિટી કર્મીઓ દ્વારા રાજુ સોલંકીને બહાર ખસેડવામાં આવ્યા હતા.

રાજુ સોલંકીએ આરોપ મુક્યો કે, “જુનાગઢમાં હાલના સત્તાધીશો બિલ્ડર લોબીના કહ્યામાં છે. થોડા જ સમયમાં હું બિલ્ડર લોબીનું કરોડોનું કૌભાંડ બહાર લાવવાનો છું.”

(અહેવાલઃ હિતેશ જોશી)

Your email address will not be published. Required fields are marked *