જૂનનું GST કલેકશન 1.44 લાખ કરોડ રૂપિયાઃ છેલ્લા છમાંથી પાંચ મહિના 1.40 લાખ કરોડથી વધુ કલેકશન

| Updated: July 2, 2022 1:09 pm

જુન મહિનાનું જીએસટી કલેકશન 1.44 લાખ કરોડ રૂપિયા થયું છે. આમ જીએસટી લાવ્યા પછીનું આ બીજા નંબરનું સૌથી ઊંચું કલેકશન છે. જીએસટી કલેકશનમાં વાર્ષિક ધોરણે 56 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. એપ્રિલ 2022માં 1.68 લાખ કરોડનું જીએસટી કલેકશન થયું હતું, એમ નાણા મંત્રાલયના આંકડામાં જણાવાયું હતું.

આર્થિક નવસંચાર, કરચોરી ડામવાની પ્રવૃત્તિઓ અને તેમા પણ ખાસ કરીને બનાવટી બિલરો સામે પગલાની સાથે ફુગાવામાં થયેલા વધારાએ જીએસટી કલેકસનની વૃદ્ધિમાં ફાળો આપ્યો છે. છેલ્લા છ મહિનામાં પાંચમી વખત જીએસટી કલેકશન 1.40 લાખ કરોડની વધારે થયું છે. જુન 2021માં જીએસટી કલેકશન 92,800 કરોડ રૂપિયા હતું.

શુક્રવારે જીએસટી ઉજવણી દિવસે બોલતા કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે જીએસટી લોન્ચ થયાના પાંચ વર્ષમાં જ તેના માસિક કલેકશને બતાવી દીધું છે કે તેનું શું મહત્વ છે. એક સમયે અમે સાતત્યસભર ધોરણે મહિને એક લાખ કરોડનું જીએસટી કલેકશન નોંધાવ્યા પછી હવે માસિક ધોરણે નિયમિત રીતે 1.40 લાખ કરોડનું કલેકશન નોંધાવી રહ્યા છીએ. અમને આશા છે કે અમારી જીએસટીની માસિક આવક આનાથી નીચે નહી જાય, પણ ઉપર જ જશે.

તેમણે સૂચન કર્યુ હતું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી) ઉદ્યોગો પાસેથી આ મોરચે સૂચનો મેળવવા તૈયાર છે. જીએસટી આવ્યું તે પહેલા રાજ્યો વચ્ચે ટેક્સ આર્બિટ્રેજ અસ્તિત્વમાં હતો તે નાબૂદ થયો છે. જીએસટીએ મહદ અંશે વિવેકમુનસફી મુજબ ઉઘરાવાતા ટેક્સને દૂર કરીને ટેક્સના દરને તર્કસંગત બનાવ્યા છે. અમે ચોક્કસપણે કહીશું કે સરકાર દ્વારા ઉઘરાવાતા ટેક્સના રેટમાં વિવેકમુનસફી મુજબની સ્થિતિ દૂર કરીને તેને તર્કસંગત બનાવવાનો અમારો ઇરાદો બર આવ્યો છે.

જો કે જીએસટીના મોરચે અમે હાલમાં કરીએ છીએ તેનાથી પણ વધુ સારી કામગીરી કરી શકીએ તેવો અમને વિશ્વાસ છે. અમે આ કરવેરા પ્રણાલિ બને તેટલી પારદર્શક બનાવવાનું ધ્યેય રાખીએ છીએ, તેમા સંદિગ્ધતાને કોઈ અવકાશ રહેવા દેવા માંગતા નથી. તેના અમલીકરણની ખામીઓ દૂર કરવા સતત પ્રયત્નશીલ છીએ. આના લીધે કરવેરા ભવિષ્યમાં વિવેકમુનસફી મુજબ કર ઉઘરાવવાનો કોઈ આરોપ જ નહી મૂકી શકે, ઉઘરાવવામાં આવતો દર અને તેના વેરા તર્કસંગત જ રહેશે.

Your email address will not be published.