થર્ડ ડિગ્રીનો જમાનો ગયો, હવે ફોરેન્સિક પુરાવાનો યુગઃ અમિત શાહ

| Updated: July 12, 2021 7:12 pm

ગૃહમંત્રી અમિત શાહે આજે કહ્યું કે ગુનેગારોની પૂછપરછ માટે થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરવાનો જમાનો ગયો. હવે વૈજ્ઞાનિક ટેકનોલોજી અને સાયન્ટિફિક પુરાવાઓના આધારે ફોરેન્સિક એક્સપર્ટ્સની મદદથી સરળતાથી ગુનાઓની કબૂલાત કરાવી શકાય છે, તથા તેના પૂરાવા એકત્ર કરી શકાય છે.

ગૃહમંત્રીએ આજે ગાંધીનગર ખાતે સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર રિસર્ચ એન્ડ એનાલિસિસ ઓફ નાર્કોટિક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટેન્સિસ સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. તેમણે કહ્યું કે, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી તથા ફોરેન્સિક એક્સપર્ટની મદદથી ગુનેગારોને સજા આપવામાં વધુ સફળતા મળશે.

તેમણે ઉમેર્યુ કે, ગાંધીનગર સ્થિત ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, જે હવે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીનો દરજ્જો ધરાવે છે, ત્યાં દેશમાંથી પકડાતા તમામ પ્રકારના ડ્રગ્સ અને તેના ઉત્પાદનના સ્થળો ઉપરાંત તેની હેરાફેરી માટે વપરાતા રસ્તાઓનું વિગતવાર રીસર્ચ થઇ શકશે જે દેશના ભાવિને ડ્રગ્સ મુક્ત કરવા ખૂબ જ અસરકારક પૂરવાર થશે.
અમિત શાહે જણાવ્યુ છે કે, ‘નો એક્શન’ અને ‘એકસ્ટ્રીમ એક્શન’ વચ્ચે મૂંઝવણ અનુભવતા પોલીસ માટે હવે ‘જસ્ટ એક્શન’ એટલે કે સાહજીક, સાયન્ટીફિક અને ટેકનોલોજીકલ તપાસથી ગુનેગારોને સજા અપાવવી હવે સરળ બનશે.

વધતા જતા ફોરેન્સિક ક્ષેત્રના વ્યાપને ધ્યાને લઇને વિશ્વ કક્ષાની નંબર વન યુનિવર્સિટી NFSUની શાખા પોતાના રાજ્યોમાં શરૂ કરવા દેશના સાત રાજ્યોએ રસ દાખવ્યો છે ત્યારે આ યુનિવર્સિટી તમામ રાજ્યોમાં એક્સટેન્શન સેન્ટર શરૂ કરીને વિદ્યાર્થીઓને શિક્ષણની તક પૂરી પાડશે જે દેશના યુવાનોને ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રમાં નિષ્ણાત બનાવવા ઉપરાંત રોજગારી પણ પૂરી પાડશે એટલુ જ નહી દેશની ક્રિમીનલ જસ્ટીસ ડિલીવરી સીસ્ટમને પણ વધુ મજબૂત કરશે.

તેમણે ઉમેર્યુ કે NFSU સ્થિત સાયબર ડિફેન્સ સેન્ટર અને અત્યાધુનિક બેલેસ્ટિક સેન્ટર બંને પોતાના વિષયમાં અલગ વિશેષ મહત્વ ધરાવે છે તે જોતાં આ બંને ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બન્યુ છે. સાયબર ડિફેન્સ સેન્ટર આજના સમયની આર્થિક સ્થિરતાની માંગ છે. બેલેસ્ટીક રિસર્ચ સેન્ટર દેશભરની પોલીસ, સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સીસ અને દેશના સૈન્યને વધુ સુરક્ષિત કરવા મહત્વપૂર્ણ સાબિત થશે.

તેમણે કહ્યુ કે, ભારત દેશની સરહદી વિસ્તાર સંવેદનશીલ છે જે પોલીસ ફોર્સ માટે પડકારરૂપ છે જેને ચેલેન્જ તરીકે સ્વીકારી તેના નિરાકરણ માટે ફોરેન્સિક સાયન્સ પણ મદદરૂપ સાબિત થઇ શકે એમ છે અને વર્ષો જૂની સી.આર.પી.સી., આઇ.પી.સીની કલમો તથા એવિડન્સ એક્ટની કલમોમાં પરિવર્તન કરવા માંગીએ છીએ. વર્તમાન પરિસ્થિતીના પડકારોને આધારે નવી કલમો ઉમેરો તથા જૂની કલમોમાં જરૂરી ફેરફારો કરવા અમારી સરકાર આગળ વધી રહી છે. છ વર્ષથી વધુ સજા ધરાવતા કોઇપણ ગુનામાં FSL વિઝિટ ફરજીયાત કરવાનો અમારો ધ્યેય છે. દરેક જિલ્લામાં ફોરેન્સિક વાન અને જિલ્લા FSL યુનિટ શરૂ કરવા પણ તૈયારી છે.

Your email address will not be published. Required fields are marked *