કોરોના સામે લડવા માટે લોકો ખાનગી બિલ્ડીંગ પણ સેવા માટે આપી દે છે, ત્યારે કાલોલમાં અર્બન હેલ્થ સેન્ટરની નવી ઇમારત તૈયાર હોવા છતાં તેનો ઉપયોગ શરૂ કરી શકાયો નથી.
કાલોલ શહેરમાં નૂતન અર્બન હેલ્થ સેન્ટર ત્રણ માસથી તૈયાર છે, પણ લોકોને તેનો લાભ નથી મળી શકતો.
આરોગ્ય સુવિધાઓમાં વધારો કરવા કાલોલમાં આરોગ્ય વિભાગ દ્વારા લગભગ ચાર વર્ષ પહેલા એક ખાનગી મકાનમાં ભાડાકરારથી આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. આજે આ મકાન જર્જરિત સ્થિતિમાં છે.
આરોગ્ય વિભાગની કોરોના ટેસ્ટિંગ સહિતની કામગીરી રોહિતવાસ સ્થિત એક જુના ભાડાના મકાનમાં અર્બન હેલ્થ સેન્ટર ખાતે ચાલી રહી છે. અહીં ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય છે.
આરોગ્ય વિભાગે જૂની પોલીસ લાઈન પાસે રોડ પર આવેલા જૂના સરકારી દવાખાનાને તોડીને ત્યાં અદ્યતન સગવડોવાળું નુતન અર્બન હેલ્થ સેન્ટર પાછલા ચાર મહિનાથી તૈયાર કરી દેવામાં આવ્યું છે.
અહીં પાર્કિંગની સુવિધા ઉપરાંત વિશાળ જગ્યા પણ છે. જોકે, આ ઇમારતમા હજુ વીજ જોડાણ આપવામાં આવ્યું નથી.
અર્બન હેલ્થ સેન્ટરનું જૂનું મકાન જર્જરિત હાલતમાં હોવાથી અહીં 8 કર્મચારીઓ ભયના ઓથા હેઠળ કામગીરી કરી રહ્યા છે. અહીં એટલી બધી ગંદકી વ્યાપેલી છે કે લોકો સારવાર માટે આવતા પણ ખચકાય છે.

કાલોલ તાલુકાના હેલ્થ ઓફિસર ડો. મીનેશ દોષીએ જણાવ્યું કે જે જગ્યા પર અર્બન હેલ્થ સેન્ટરનું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું હતું, તે જગ્યા જિલ્લા પંચાયત હસ્તકની છે. તેની આકારણી કાલોલ નગરપાલિકા પાસે કરાવવાની હોય છે. પાલિકાને જરૂરી ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા છે. પાલિકા આકારણી કરે ત્યાર પછી વીજ જોડાણ માટે કાર્યવાહી કરવામાં આવશે.
કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર મહેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે નવા અર્બન સેન્ટરની ફાઇલ મળી છે. જરૂરી દસ્તાવેજોની પૂર્તતા થાય ત્યાર પછી તેની આકારણી કરવામાં આવશે.
જયેન્દ્ર ભોઈ, ગોધરા