સિબ્બલે રાજીનામુ આપી સપામાંથી રાજ્યસભામાં જવા ભર્યુ ઉમેદવારીપત્રઃ કોંગ્રેસને ટાઢે પાણીએ ખસ ગઈ

| Updated: May 25, 2022 2:30 pm

નવી દિલ્હીઃ કોંગ્રેસના પીઢ નેતા અને અગ્રણી આગેવાન કપિલ સિબ્બલે છેવટે કોંગ્રેસનો સાથ છોડ્યો છે. કપિલ સિબ્બલ સમાજવાદી પક્ષમાં જોડાયા છે અને હવે સમાજવાદી પક્ષમાંથી તે રાજ્યસભામાં જશે. તેમણે સમાજવાદી પક્ષમાંથી રાજ્યસભાની ઉમેદવારી પણ નોંધાવી દીધી છે. કપિલ સિબ્બલે 16મી મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું.

સમાજવાદી પક્ષમાંથી રાજ્યસભામાં તેમની ઉમેદવારી વખતે અખિલેશ અને રામગોપાલ યાદવ હાજર રહ્યા હતા. અખિલેશ યાદવનું કહેવું હતું કે સિબ્બલ રાજ્યસભામાં તેમના પક્ષનું પ્રતિનિધિત્વ યોગ્ય રીતે કરશે. કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે તેઓ વિપક્ષનું જોડાણ બનાવવા માંગે છે. મોદી સરકારની ખામીઓ તેઓ પ્રજા સુધી પહોંચાડશે. કપિલ સિબ્બલ આઝમખાનનો કેસ પણ લડ્યા છે.

કપિલ સિબ્બલે લખનૌમાં સમાજવાદી પક્ષ વતી રાજ્યસભામાંથી ઉમેદવારી નોંધાવી હતી. સમાજવાદી પક્ષમાંથી રાજ્યસભામાં પક્ષના પાંચ સાંસદો કુંવર રેવતી રમણસિંહ, વિશંભર પ્રસાદ, નિષાદ અને ચૌધરી સુખરામસિંહ છે. તેમનો કાર્યકાળ ચાર જુને પૂરો થઈ રહ્યો છે. આમ સમાજવાદી પક્ષે રાજ્યસભામાં તેમની એક ટિકિટનો મેળ પાડી દીધો છે.

સિબલની વિદાયથી કોંગ્રેસને ખાસ ફેર નહી પડે, કારણ કે તે કોંગ્રેસના એવા નેતાઓમાં એક હતા જેમનો જનાધાર નથી. પણ તે પક્ષની બૌદ્ધિક મંડળીમાં સ્થાન પામતા હતા. બીજી બાજુએ સમાજવાદી પક્ષને અમરસિંહની વિદાય પછી એવા નેતાની જરૂર હતી જે તેમના પક્ષનું બૌદ્ધિકો સાથે જોડાણ કરી આપે. આમ સમાજવાદી પક્ષને સિબ્બલના સ્વરૂપમાં સીધું દિલ્હી કનેક્શન મળી ગયું છે. જ્યારે સિબલને નવો આધાર બની ગયો છે. સિબ્બલ બોલકા નેતા છે. તેમા પણ વકીલાતનો અનુભવ તેમને સંસદમાં ઘણો કામ આવે છે.

સરકાર પર પ્રહાર કરવાની વાત આવે ત્યારે સિબ્બલ તેમા જરા પણ પાછીપાની કરતા નથી. તેઓ તેમના મુદ્દાઓની એક પછી એક સચોટ રજૂઆત કરે છે. અને સરકારને આકરા સવાલો પણ પૂછે છે. પણ કોંગ્રેસમાં જી-20 નેતાઓમાં સ્થાન પામવાના લીધે તેઓ સોનિયા ગાંધીની ગુડ બૂકમાંથી બહાર થઈ ગયા હતા. તેમણે કોંગ્રેસ નેતાગીરીને એક પછી એક પરાજયોના પગલે મનોમંથન કરવા જણાવ્યું હતું. તેની સાથે સ્પષ્ટ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ પક્ષમાં મોટી જવાબદારી નીભાવવી જોઈએ અને રાજકારણમાં ઓતપ્રોત થઈ જવું જોઈએ, નહી તો આ જવાબદારી બીજાને સોંપવી જોઈએ. જો ગાંધી પરિવાર નિષ્ફળ જતો હોય તો તેણે કોંગ્રેસ પક્ષ જ છોડી દેવો જોઈએ, મહત્વ પક્ષનું છે, ગાંધી પરિવારનું નહી. તે આવું બોલ્યા ત્યારે જ માનવામાં આવતું હતું કે હવે સિબલ કોંગ્રેસમાં લાંબો સમય નહી રહી શકે અને છેવટે તેવું જ થયું.

Your email address will not be published.