કેજરીવાલનું કાર્યકરોને આહવાનઃ વિપક્ષમાં બેસવા નહી સત્તા માટે મહેનત કરો

| Updated: July 3, 2022 8:25 pm

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ)એ પણ તૈયારીઓ આદરી છે. દિલ્હી બાદ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં સફળતા મેળવ્યા પછી આપ ગુજરાતમાં પણ મહેનત કરવા માંડ્યુ છે. આપના વડા અરવિંદ કેજરીવાલ તેથી દર મહિને એકથી બે વખત ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. હાલમાં પણ તે ગુજરાતની મુલાકાતે છે. તેમણે આ મુલાકાતમાં કાર્યકરોને આહવાન કર્યુ છે કે આપણે મહેનત વિપક્ષામાં ેસવા માટે કરવાની નથી પણ સત્તા માટે કરવાની છે.

નરોડા ખાતે આપના નવા હોદ્દેદારોનો શપથવિધિ સમારંભ યોજાયો હતો. પક્ષના હોદ્દેદારોને સંબોધન કરતા કેજરીવાલે જણાવ્યું હતું કે રાજ્યમાં આપણું સંગઠન હવે કોંગ્રેસથી પણ વધારે મજબૂત બની ગયું છે. કોંગ્રેસ હવે માત્ર કાગળનો વાઘ છે. તેનું સંગઠન પણ કાગળ પર જ મજબૂત છે. એક સપ્તાહ બાદ આપણે દરેક ચૂંટણીમથક દીઠ દસ-દસ કાર્યકરોનું સંગઠન બનાવીશું. આપણે દરેક પોલિંગ બૂથ પર મહેનત કરવાની છે. સરકાર સમક્ષ અસંતોષ ધરાવતા દરેક પ્રજાજનની સમક્ષ આપનું પ્રજાકલ્યાણનું મોડેલ રજૂ કરવાનું છે.

કેજરીવાલે પક્ષના કાર્યકરોને જણાવ્યું હતું કે કોંગ્રેસ હવે ક્યાંય વિકલ્પ રહી નથી. તેથી જ તો પંજાબમાં લોકોએ આપ પર પસંદગી ઉતારી. ગુજરાતમાં પણ પ્રજા પરિવર્તન ઇચ્છે છે, પરંતુ પ્રજા પાસે વિકલ્પ નથી. પ્રજાને ભાજપ તો છોડવું છે પરંતુ કોંગ્રેસ જોઈતી નથી. આમ ગુજરાતમાં ભાજપ હાલમાં સક્ષમ વિકલ્પની ગેરહાજરીમાં જ શાસન કરી રહ્યો છે. તેથી જો આપણે જેટલા પ્રજાકલ્યાણના વધુ કામો કરીશું અને લોકોના પ્રશ્નોને વાચા આપીશું તેટલું વધુને વધુ જનસમર્થન આપણને મળશે.

હાલમાં આપણું કાર્ય લોકોને સ્પર્શતા મુદ્દા ઉઠાવવાનું છે. ફક્ત મુદ્દા ઉઠાવીને સંતોષ માનવાનો નથી. તેની સાથે લોકોને આપણે તેનો ઉપાય પણ બતાવવાનો છે. લોકોને આપવામાં આવનારી રાહત અને પ્રજા કલ્યાણના કાર્યો જ આપણને સત્તા સુધી લઈ જશે. પ્રજાકલ્યાણના કાર્યો વગર અને પ્રજાનો અવાજ બન્યા વગર કોઈપણ રાજકીય પક્ષને સત્તા મળતી નથી. આપણો અવાજ તે પ્રજાનો અવાજ બનવો જોઈએ, હાલમાં ભાજપ પાસે મોટું સંગઠન છે, પરંતુ તે યાદ રાખો કે પ્રજા તેની પાસે નથી. તેની પાસેના કાર્યકરો પણ વેતન પરના કાર્યકરો છે, તેના બધા જ કાર્યકરો તેની વિચારધારાને અનુસરતા હોય તેવું નથી.

Your email address will not be published.