અમદાવાદઃ ભારતમાં આપણે હરિયાણાની યુવતીઓએ વિવિધ રમતમાં કાઠું કાઢ્યું હોવાનું વારંવાર સાંભળીએ છીએ. હવે તેની સાથે ગુજરાતની યુવતી પણ જોડાઈ છે. આ યુવતીનું નામ છે મનીષા વાળા. ગુજરાતની આ રમતવીર આંતરરાષ્ટ્રીય સ્તરે કિક બોક્સિંગ જેવી જોખમી મનાતી રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આમ મનીષાવાળા ભારતનું પ્રતિનિધિત્વ કરવાની છે તેના પરથી જ તેની ક્ષમતાનો અંદાજ આવી જાય છે.
મૂળ ગીર-સોમનાથની મનીષા વાળા સાતમી ઇન્ટરનેશનલ તુર્કીઝ ઓપન કિક બોક્સિંગ વર્લ્ડ કપમાં ભાગ લેશે. મનીષાવાળા આ માટે તુર્કી પહોંચી ગઈ છે. આ ટુર્નામેન્ટમાં વિશ્વના 48 રમતવીરો ભાગ લઈ રહ્યા છે. તેમા ભારતના વિવિધ ખેલાડીઓ ભાગ લેશે. તેમા ગુજરાતની એકમાત્ર ખેલાડી મનીષા વાળાનો સમાવેશ થાય છે.
મનીષા વાળાએ જણાવ્યું હતું કે દેશનું પ્રતિનિધિત્વ કરવું કોઈપણ ખેલાડીનું સ્વપ્ન હોય છે. મારું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. મને આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાની તક મળી છે. તેનો ફાયદો ઉઠાવવા માટે પ્રયત્ન કરીશ. મારા પિતા જગદીશભાઈ અને માતાએ ભારે સંઘર્ષ વચ્ચે પણ મને સ્પોર્ટ્સમાં આગળ વધવાની મદદ મળી છે. મારા ખેલાડી તરીકેના ઘડતરમાં મારા કોચ સિદ્ધાર્થ ભલેગરેની મહત્વની ભૂમિકા રહી છે.
મનીષા વાળા તુર્કીના ઇસ્તંબુલ શહેરમાં 12થી 15 મે વચ્ચે યોજાનારી કિક બોક્સિંગ ઇવેન્ટમાં ભાગ લેશે. મનીષાવાળા આ ટુર્નામેન્ટમાં 60 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં પોઇન્ટ ફોમમાં રમશે. કિક બોક્સિંગ કિક અને પંચ આધારિત કોમ્બેટ સ્પોર્ટ્સની કેટેગરી છે.
મનીષાવાળાએ જણાવ્યું હતું કે ક્યારેય કોઈએ પોતાના સ્વપ્ના સાથે સમાધાન ન કરવું જોઈએ. જો તમે તમારા સ્વપ્ના પર અડગ રહો તો આગળ વધવા માટેનો માર્ગ મળી જ રહે છે. મનીષાવાળાએ વડોદરા ખાતેના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તાલીમ લીધી છે. તેમણે જણાવ્યું હતું કે તેમને બાળપણથી જ રમત પ્રત્યે લગાવ છે. તેથી જ તેમણે તેમના રમત પ્રત્યેના પ્રેમને ઊંચા સ્તરે લઈ જવાનું વિચારતા કિક બોક્સિંગની પસંદગી કરી હતી. ગોવામાં દયાનંદ બડોનગર પાલેમ (સ્ટેડિયમ) ખાતે યોજાયેલા સિનિયર નેશનલ કિક બોક્સિંગ કેમ્પમાં તે ભાગ લઈ શકશે. તેના પછી હિમાચલ પ્રદેશમાં ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે યોજાયેલા કેમ્પમાં પણ ભાગ લીધો હતો.