જમીન વિવાદમાં સપડાયેલા અપહ્યત અમદાવાદી બિલ્ડરનો છુટકારો

| Updated: June 27, 2021 9:45 pm

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શનિવારે સાંજે સુરેન્દ્રનગરના ભાયલા ગામે કાર્યવાહી કરીને એક અપહ્યત બિલ્ડરને અપહરણકારોના સકંજામાંથી છોડાવ્યો હતો અને પાંચની ધરપકડ કરી હતી.

અમદાવાદમાં ચાંદખેડા ખાતે રહેતા બિલ્ડર પ્રકાશ પ્રજાપતિનું અપહરણ થયું હતું. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ કહ્યું હતું કે પ્રજાપતિને આરોપીઓ દ્વારા ઘરમાં ગોંધી રાખી ખૂબ માર મારવામાં આવ્યો હતો. જેના કારણે તેના બંને પગે કુલ પાંચ ફ્રેકચર થયા છે. સૂત્રોએ જણાવ્યું કે જમીન અ ને પૈસાની લેતીદેતીના વિવાદમાં આ અપહરણ કરવામાં આવ્યું હતું. ત્રણ આરોપી ફરાર હજી છે.

ક્રાઈમ બ્રાન્ચના મદદનીશ પોલીસ કમિશ્નર ડી પી ચુડાસમાએ જણાવ્યું હતું કે મુખ્ય આરોપી નરેન્દ્રસિંહ રાઠોડે 2013માં બાવળા ખાતે પોતાની જમીન વેચીને પ્રકાશ પ્રજાપતિને લગભગ 4થી 5 કરોડ રૂપિયા આપ્યા હતા. પ્રજાપતિએ મુંબઈમાં બિલ્ડિંગ કન્સ્ટ્રકશનના ધંધામાં આ રૂપિયા કરવાની ખાત્રી આપી હતી, પરંતુ તેવું કર્યું ન હતું. આ રૂપિયા કઢાવવા માટે નરેન્દ્રસિંહ પ્રજાપતિનું અપહરણ કરાવ્યું હોવાનો દાવો ક્રાઈમ બ્રાન્ચે કર્યો છે.

શનિવારે સવારે પ્રજાપતિ મોર્નિંગ વોક માટે નિકળ્યા ત્યારે તેમની રાહ જોઈને ઉભેલા ત્રણ વ્યક્તિઓએ તેમનું કારમાં અપહરણ કર્યું હતું. ત્યારબાદ પ્રજાપતિના ડ્રાઈવર શિવાકાન્ત તિવારે પ્રજાપતિ પત્નીને ફોન કરી જાણ કરી હતી કે એ જ સવારે લગભગ 10 વાગે તેમને અપહરણકારો દ્વારા રૂપિયા એક કરોડની ખંડણીનો ફોન આવ્યો હતો. જેના આધારે પ્રજાપતિના પત્ની હર્ષાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં તેના પતિના અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

સીસીટીવી ફુટેજના આધારે કડી મળી

સંવેદનશીલ બનાવ હોવાથી ક્રાઈમ બ્રાન્ચે તરત જ ટીમ બનાવી તપાસ શરૂ કરી દીધી હતી. ક્રાઈમ બ્રાન્ચના પી આઆઈ ડી બી બારડે કહ્યું હતુ કે પ્રજાપતિના ઘરની નજીકના સીસીટીવી ફૂટેજ જોતા ત્રણ વ્યક્તિ પ્રજાપતિને કારમાં ધકેલી રહી હોય તેવું જોવા મળ્યું. આગળ રસ્તા પરના સીસીટીવી ફુટેજ અને જે નંબર પરથી ખંડણી માટેનો ફોન આવ્યો હતો તેનું ટેકનિકલ એનાલિસિસ કરતાં માલુમ પડ્યું કે ફોન વાઘા ભરવાડના નામે હતો અને તેનું લોકેશન સુરેન્દ્રનગરના રાનોલ ગામમાં આવે છે.

વી બી બાર઼ડે કહ્યું હતું કે, “અમે તરત એક બીજી ટીમ રાનોલ રવાના કરી. ત્યાં જાણવા મળ્યું કે પ્રજાપતિને અબ્દુલ તિંબલિયા નામની વ્યકિતના ઘરમાં ગોંધી રખાયો છે. અમે ત્યાં દરોડા પાડી પ્રજાપતિને છોડાવ્યો હતો અને સાથે અબ્દુલ, તેના સાગરીત યુનુસ તિંબલિયા અને વાઘા ભરવાડની ધરપકડ કરી હતી.”

નરેન્દ્રસિંહે વાઘા ભરવાડને સોપારી આપી હતી

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે પોતાના પૈસા કઢાવવા માટે નરે્ન્દ્રસિંહે પરનાલા ગામના જ રઘુ ભરવાડને પ્રજાપતિનું અપહરણ કરવાની સોપારી આપી હતી. જેના પગલે રઘુ ભરવાડે પોતાના માણસ રામજી ભરવાડ અને તેના સાગરીતોએ આ કામ સોંપ્યું હતું. ત્યારે બાદ અમે નરેન્દ્રસિંહ અને રઘુ ભરવાડની પણ ધરપકડ કરી હતી.

Your email address will not be published.