કિશોરી આમોણકર – પ્રતિભાશાળી કલાકારમાં છુપાયેલી એક અસાધારણ મહિલા

| Updated: August 14, 2021 3:17 pm

કિશોરી આમોણકરનુ અલૌકિક સંગીત સુપ્રસિદ્ધ છે. અહીં એ કલાકારની પાછળ એક અદભુત સ્ત્રીની ઝલક જોવા મળે છે.

ગાયનસરસ્વતી કિશોરી આમોણકર, જેમને પ્રેમથી શિષ્યો “તાઈ”ના નામે સંબોધિત કરે છે, તેમની સાથે મારી પહેલી મુલાકાત ૧૯૮૫માં થઈ. ત્યારે હું ફક્ત સોળ વરસનો હતો. એમના સાનિધ્યમાં વિતાવેલી ક્ષણોની અનુભૂતિ જાણે કોઈ દેવનું મંદિર અને સુખડિયાની દુકાનનું મિશ્રણ હોય: માં સમાન પ્રેમ ની મીઠાશ, સુર ની પવિત્રતા અને તાલીમ નો કઠોર શિષ્ટાચાર. એ દિવસોમાં પણ તેમના સિદ્ધાંતો ની દ્રઢતા તેમના શબ્દો પરથી છલકાતી હતી. તે વખતે મહિલા કલાકારો ને આપવામાં આવતા વળતર વિશે એમણે મને કહ્યું, “એ લોકો (આયોજકો) અમને ૫,૦૦૦ દોઢિયા આપતાં હતાં, જ્યારે હું પૂરા ૨૫,૦૦૦ રૂપિયા લ‍ઉ છું, જયાંગ!”

પોતાના સંગીતમાં તલ્લીન કિશોરી આમોણકર
    Copyright © Bibhas Amonkar

તાઈના સૌથી નાની ઉમરના શિષ્યો પૈકી હું પણ એક હતો, અને એ દિવસોમાં બીજા સંગીત રસિકોની જેમ જ હું પણ એમના મીરાબાઈના ભજન વાળા બહુચર્ચિત આલ્બમ “મહારો પ્રણામ” પર ફિદા થઈ ગયો હતો. કિશોરીતાઈ અને મીરાંબાઈના વ્યક્તિત્વમાં એક સામ્ય જરૂર છે – બંનેએ સમાજની રૂઢિઓને નકારી પોતાનો એક સ્વતંત્ર માર્ગ બનાવ્યો. મારા સ્કૂલના એક શિક્ષિકા શ્રીમતી સાવિત્રી બાબુલકર તાઈના નાનપણના સખી હતા. મેં તેમને તાઈ પાસે મને લઈ જવા રાજી કર્યા. અને આવી રીતે શરુ થયો ગુરુ અને શિષ્ય વચ્ચેનો એક લાંબો અને સ્નેહભર્યો સંબંધ, જે તાઇના અંતિમ દિવસો સુધી અકબંધ રહ્યો.

તાઈ સાથેની મારી પહેલી મુલાકાત આજ સુધી મારા મનમંદિરમાં એવી રીતે સાચવેલી છે જાણે એ કાલની જ વાત કેમ ના હોય. એમની નાની કાયામાં છુપાયેલી એક વિશાળ અને બહુમુખી પ્રતિભા, ધીમા આવાજમાં લપેટાયેલા એમના સ્પષ્ટ શબ્દો અને એમની તીક્ષ્ણ નજર જેમા એક સતેજ બુદ્ધિમતા દેખાતી. તેમના વિશે ઘણી બધી વાતો સાંભળી હતી – એમનું પ્રતિભાશાળી વ્યક્તિત્વ, ઊંડે છુપાયેલી ભાવનાઓને પણ જાગૃત કરે તેવુ એમનુ અસરદાર ગાયન, એમનો તેજ અને તીખો મિજાજ, બિનઅદબ શ્રોતાઓ પ્રત્યે એમની નારાજગી અને બેદરકાર આયોજકો માટે એમનો અણગમો… પરંતુ દરેક દિગ્ગજના વ્યવહારની પાછળ એક ખાસ દ્રષ્ટિકોણ અને અસંખ્ય રહસ્યો છુપાયેલા હોય છે.. અને ખાસ કરીને એવા કલાકાર જે પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ જેવા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હોય અને એ પણ ગાયનસરસ્વતીની પદવી સાથે.

સ્વલિખિત પુસ્તકના વિમોચન વખતે કિશોરી આમોણકર રંગભૂમિના સુપ્રસિદ્ધ અભિનેત્રી અને ઘનિષ્ટ સખી વિજયા મેહતા સાથે
      Copyright © Bibhas Amonkar

ઘણા સમય પછી મને ખ્યાલ આવ્યો કે તાઇનો સામાન્ય વ્યવહાર એક રક્ષા કવચ જેવો હતો, જેને કારણે તેઓ ઘણી વાર લોકોની ગેરસમજના શિકાર બની જતા. અને કદાચ આ જ કવચ એમને સંગીતજ્ઞો, આયોજકો અને રેકોર્ડિંગ કંપનીના માલિકોથી ભરેલા પુરુષપ્રધાન સંગીત જગતમાં પોતાની વિશેષ જગ્યા બનાવવા માટે બળ આપતુ હતુ. ૧૯૫૦ના દાયકામાં જ્યારે તેમણે રંગમંચ પર પ્રથમવાર પોતાના ગાયનની રજુઆત કરી ત્યાં સુધી સામાન્ય જનતા સુધી હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત પહોંચી ચૂક્યું હતું. આ વાતનો પહેલો શ્રેય જાય છે માઇક્રોફોનના આવિષ્કારને, જેણે રાજ દરબાર થી લઈને સભાગૃહ સુધી સંગીતને પહોંચાડયુ, અને બીજો શ્રેય જાય છે આકાશવાણી અને ગ્રામોફો ને જેમના કારણે સામાન્ય જનતાના ઘરેઘર સુધી સંગીત પહોંચ્યું. શાસ્ત્રીય ગાયન જે એક જમાનામાં તવાયફોનું કામ ગણાતુ તે આ બધા આવિષ્કારો પછી સુસંસ્કૃત મહિલાઓની રોજગારી માટેનું પણ એક સાધન બન્યું, છતાં પણ મહિલા કલાકારોને નીચી નજરે જોવાનું તો બંધ નહોતું થયું.

સંગીત સભામાં ગાયનની રજુઆત કરતા કિશોરી આમોણકર, સંગત કરતી પૌત્રી તેજશ્રી
Copyright © Bibhas Amonkar

તરુણાવસ્થામાં તાઈ પોતાની માતા અને ગુરૂ ગાનતપસ્વિની મોગુબાઈ કુર્ડીકર સાથે કાર્યક્રમની પ્રસ્તુતિ માટે પ્રવાસ કરતા. આવા પ્રવાસો દરમિયાન ધનવાન તેમણે સંગીત રસિકો દ્વારા પોતાની માતા સાથેનો દુર્વ્યવહાર જોયો. રેલવેની ત્રીજી શ્રેણીના ડબ્બામાં રાતની મુસાફરી કરવાની સાથે મોટા શેઠિયાઓના બંગલાઓના ગોદામમાં કડકડતી ઠંડીમાં જમીન પર સુવા જેવી અનેક અપમાનજનક અને આકરી પરિસ્થિતિનો સામનો તેમણે કર્યો. તાઈએ ત્યારે જ સોગંધ લીધી કે તે પોતે આવો વ્યવહાર ક્યારે પણ સહન નહીં કરે. તેમની શિષ્યા અને પૌત્રી તેજશ્રી કહે છે કે તેઓ પોતાની સાથે જ નહીં પણ બીજા કોઈપણ કલાકાર સાથે ખરાબ વ્યવહાર જોતાં ત્યારે તેઓ અત્યંત ગુસ્સે થઈ જતા. તાઇએ પોતાનુ ખાનગી જીવન ખાનગી જ રાખ્યું, દુનિયાની પંચાયતી નજરો થી દૂર. તેઓ સ્પષ્ટપણે માનતા હતા કે દૂરથી હાથ જોડી કરેલો એક સરળ પ્રણામ ફક્ત નમ્રતાનો જ નહીં પરંતુ એક લક્ષ્મણરેખાનો પણ સંકેત છે.

માં મોગુબાઇ કુર્ડીકર સાથે તાનપુરો વગાડતા દિકરી કિશોરી આમોણકર
Courtesy: Amonkar family collection

તાઈએ મહિલા કલાકારોની આવનારી પેઢીઓ માટે ઘણા બધા મહત્વના માપદંડ સ્થાપિત કર્યા – જેમ કે સંગીત સભાઓમાં ભાગ લેવા માટે પૂરતું વળતર બાબત, આયોજકો અને શ્રોતાઓ પાસેથી સન્માનજનક વ્યવહારની અપેક્ષા રાખવા બાબત, અને ગળાની રમતને સંગીત સમજનારા શ્રોતાઓને અભિજાત રાગસંગીતનો રસભર્યો આસ્વાદ કરાવવા બાબત. તેઓ સ્પષ્ટપણે માનતા હતા કે દરેક કલાકારે પોતાની કળાની કિંમત જાણવી બહુ જ જરૂરી છે, કારણ કે આ કળા વર્ષોની તપસ્યા અને સાધના નું ફળ હોય છે. હિન્દુસ્તાની કંઠસંગીતમાં સ્ત્રી કલાકારોનો વધારો તાઇના પ્રયાસોના કારણે છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.

બહુમુખી પ્રતિભા ધરાવવા માટે સ્ત્રીઓ પ્રખ્યાત હોય છે પણ તાઈ તો હકીકતમાં અત્યંત બહુમુખી પ્રતિભાશાળી અને બેબાક હતા. એમને જીવનની સંપૂર્ણતા ફક્ત સંગીતમાં જ નથી જોઈ પણ ગૃહસ્થી અને સંસારમાં પણ તેમણે એટલા જ પરિશ્રમ અને પ્રેમથી પોતાની જવાબદારી સંભાળી છે. આ બધાની વચ્ચે તેઓ પોતાના સાથે રહેતા શિષ્યોની સારસંભાળ, પાલન પોષણ માટે વિશેષ મહેનત કરતા. જેમને તાઈ સાથે મેળાપ થયો, તેમણે હમેશાં તેમના હાથની બનાવેલી સ્વાદિષ્ટ સામગ્રીનો પણ અવસર મળ્યો છે અને દિવાળીએ તેમના હાથે બનાવેલી રંગોળીના પણ સાક્ષી રહ્યા.

સંગીતના વિષેની તાઇની અનુપમ પરખ રસસિદ્ધાન્તના ગહન અભ્યાસના કારણે હતી, જેથી તેમણે ઘણી વાર રૂઢિચુસ્ત જાણકારોની ટીકાઓ વેઠવી પડી. તેમણે હંમેશા શાસ્ત્રના નિયમ અને અનુશાસન નું પાલન કર્યા છતાં પરંપરાના બંધનોથી ઉપર ઉઠીને શ્રોતાઓ અને સંગીતના ઉપાસકોને અલૌકિક સ્વરદ્રશ્યો બતાવ્યાં. એમની વિલક્ષણ બુદ્ધિથી જન્મેલા વિચારોની અભિવ્યક્તિ કરવા માટે એમનું અંગ્રેજી, હિંદી, ઉર્દૂ, મરાઠી અને માતૃભાષા કોંકણી પર પ્રભુત્વ હતું.

તાઇ એવા ચુનિંદા શાસ્ત્રીય ગાયિકાઓ પૈકી હતા જેઓએ શાસ્ત્રીય અને સુગમ સંગીત બન્ને શૈલી પર બરાબર કાબુ મેળવેલો હતો. એમના કંઠથી પ્રગટ થયેલા ભજન, ગઝલ, ઠુમરી અને દાદરા સંભળતા એવુ ક્યારે ના લાગે કે એમની પ્રસ્તુતી પર શાસ્ત્રીય ગાયનની એવી દેખિતી અસર છે, જેવી એમના સમકાલીન દિગ્ગજોમાં સ્પષ્ટરૂપે દેખાતી હતી.

૩ એપ્રિલ ૨૦૧૭ની સાંજે, દિલ્હીમાં એક અવિસ્મરણીય સંગીત સભાના દસ દિવસ બાદ અને પોતાના ૮૬માં જન્મદિવસના બરાબર એક અઠવાડિયા પહેલા કિશોરીતાઈએ આ નશવર દુનિયાથી વિદાય લીધી. તેમની વિદાય પણ તેમના જીવન અને સંગીત જેવી જ હતી – પોતાની મરજીથી, અનપેક્ષિત અને ૨૧ બંદૂકની સલામી સાથે! 

Copyright © 2021 Jayang Jhaveri

Story’s Lending picture: Gaayanasaraswati Kishori Amonkar photo by Zarir Khariwala

Jayang Jhaveri

હોંગકોંગ નિવાસી જયાંગ ઝવેરી કિશોરી આમોણકરના શિષ્ય છે અને વ્યવસાયથી મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે. તેઓ હિન્દુસ્તાની સંગીતના શિક્ષક પણ છે અને ભારતીય સંગીતનો પ્રચાર કરવાવાળી એક સાંસ્કૃતિક સંસ્થાના અધ્યક્ષ પણ છે. 

જે ભારતીય સંગીતનો સંગીતનો હોંગ કોંગના યુવાવર્ગમાં પ્રચાર કરે છે. તેમણી હેઠળ આ સંસ્થાએ ઘણી બધી સફળ સંગીત સભાઓનું આયોજન કર્યું છે. જ્યાં ભારતીય શાસ્ત્રીય સંગીત સાથે સાથે પાશ્ચાત્ય ઓર્કેસ્ટ્રાના સંગમની પણ રજૂઆત થઈ છે. આ સંસ્થા દર વર્ષે ભારતીય લલિત કલામાં નિપુણ મહિલાઓને સમર્પિત “કલ્યાણી” ઉત્સવનું પણ આયોજન કરે છે, જે હાલમાં દુનિયામાં એકમાત્ર અવો ઉત્સવ છે.

જયાંગ લંડન બિઝનેસ સ્કૂલથી એમબીએ ધરાવે છે અને ૬ ભાષાઓ બોલી શકે છે.

Post a Comments

1 Comment

Your email address will not be published. Required fields are marked *