વડાપ્રધાન મોદી જે પ્લાન્ટનું ઉદઘાટન કરવાના છે તે સાબર ડેરી અંગે જાણો

| Updated: July 27, 2022 4:47 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આગમન દરમિયાન સાબર ડેરીના ત્રણ નવા પ્લાન્ટનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે. ગુજરાત સરકાર પશુપાલકોની આવક વધારવા પ્રતિબદ્ધ છે તેનું ઉદાહરણ સાબર ડેરીનો ચીઝ પ્લાન્ટ છે. નવા પ્લાન્ટ દ્વારા સાબરકાંઠાના પશુપાલકોને 700 કરોડથી પણ વધુ રકમની વાર્ષિક આવક થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવા માટે નવતર અભિગમ અને નીતિઓ સાથે કામ કરી રહી છે.

આ પ્લાન્ટ શરૂ થવાની સાથે દેશના ચીઝ માર્કેટમાં ગુજરાત 70 ટકા હિસ્સા સાથે ટોચના સ્તરે પહોંચી જવાનું છે. ભારતમાં ચીઝનું માર્કેટ ત્રણ હજાર કરોડનું છે અને આગામી પાંચ વર્ષમાં તે છ હજાર કરોડે પહોંચી જશે તેમ મનાય છે.

સાબર ડેરીનો ચીઝ પ્લાન્ટ 600 કરોડના રોકાણથી બની રહ્યો છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ના જણાવ્યા મુજબ ચીઝની માંગ વર્ષે 15 ટકાના દરે વૃદ્ધિ પામી રહી છે. આ પ્લાન્ટ સ્થાપિત થવાના લીધે 2023-24ના સમયગાળામાં માંગને પહોંચી વળવામાં મદદ મળશે. અહીં શેડર, મોઝરેલા અને પ્રોસેસ્ડ ચીઝનું નિર્માણ કરવામાં આવશે. 2024 સુધીમાં આ પ્લાન્ટ બનાવવાનું કાર્ય પૂરુ થશે.

જીસીએમએમએફના ડિરેક્ટર આર એસ સોઢીએ જણાવ્યું હતું કે નવી ચીઝ ફેક્ટરીમાં વર્ષે 1.2 કરોડ લિટર દૂધનો ઉપયોગ થશે. તેની સાથે જોડાયેલા પશુપાલકોને વર્ષે 700 કરોડની કમાણી થશે. ગુજરાતનું અમુલ અત્યારે ભારતના ચીઝ માર્કેટમાં 70 ટકા બજારહિસ્સા સાથે ટોચનું સ્થાન ધરાવે છે.

ગુજરાતમાં 24 સહકારી ડેરીઓ દ્વારા અત્યારે દૈનિક ધોરણે 250 લાખ લિટર દૂધનું પ્રોસેસિંગ કરવામાં આવે છે. તેમાથી પાંચમા ભાગનું દૂધ પ્રવાહી તરીકે ઉપયોગમાં લેવાય છે. જ્યારે બાકીના દૂધનો ઉપયોગ પાવડર, બટર, પનીર, ચોકલેટ સહિતના ઉત્પાદનો બનાવવા થાય છે. સહકારી માળખા મારફતે ગુજરાતમાં દૂધનો વાર્ષિક કારોબાર 60 હજાર કરોડ રૂપિયાનો છે.

છેલ્લા દસ વર્ષમાં ચીઝની માંગમાં પાંચ ગણો વધારો થયો છે. તેના લીધે આ પ્લાન્ટ સ્થાપિત થતા આગામી દિવસોમાં ખેડૂતોને વધુ ભાવ મળશે. તેના લીધે તેમની આવકમાં વધારો થશે. ગુજરાતમાં ચીઝના અત્યારે ત્રણ પ્લાન્ટ છે. તેમા ભાટ ખાતે અમુલ ડેરી પ્લાન્ટ, ખાત્રજ ખાતે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ અને બનાસ ડેરીના દિયોદર પ્લાન્ટનો સમાવેશ થાય છે. સાબર ડેરીના આ પ્લાન્ટથી ગુજરાતમાં ચીઝ ઉત્પાદન વધશે અને રાજ્યના અર્થતંત્રને પણ ફાયદો થશે.

વડાપ્રધાન મોદી સાબર ડેરીના મુખ્ય પ્લાન્ટની નજીક બનનારા પ્રતિ દિન 30 મેટ્રિક ટનની ક્ષમતાવાળા ચીઝ પ્લાન્ટનું ખાતમૂહુર્ત અને ભૂમિપૂજન કરશે. 125 કરોડના ખર્ચે બનેલા ત્રણ લાખ લિટરની ક્ષમતા ધરાવતા અલ્ટ્રા હાઇ ટ્રીટમેન્ટ (યુએચટી) ટેટ્રાપેકનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત 305 કરોડના ખર્ચે બનેલા દૈનિક 120 ટનની ક્ષમતાના પાવડરનું લોકાર્પણ કરશે.

સાબર ડેરી વર્ષોથી કાર્યરત છે. દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ આપવા અને સરકારની યોજનાઓ પહોંચાડવા આ ડેરી કાર્યરત છે. વર્ષ 2001-02માં સાબર ડેરી સાથે અઢી લાખ પશુપાલકો સંકળાયેલા હતા. 2021-22માં તેની સંખ્યા વધીને લગભગ ચાર લાખે પહોંચી ગઈ છે. સાબર ડેરીનું વાર્ષિક ટર્નઓવર 2001-02માં 351 કરોડ હતુ જે હાલમાં 6,805 કરોડે પહોંચી ગયું છે. ડેરી દૈનિક ધોરણે 33 લાખ લિટર દૂધનું પ્રોસેસિંગ કરે છે.

Your email address will not be published.