દાલ મખની ખાવાના શોખીન ભારત ખાતે USના નવા રાજદૂત અતુલ કેશપને ઓળખો

| Updated: July 4, 2021 6:29 pm

“વિમાને નવી દિલ્હીમાં ઉતરાણ કર્યું ત્યારે હું બહું ભાવુક થયો હતો, કારણ કે મારા પિતાજીના વિચારો મારા મનમાં સચવાયેલા છે. મારા દાદીમાંની અનેક યાદોએ મને ઘેરી લીધો હતો.” ભારતના નવા વરાયેલા અમેરિકી રાજદૂત અતુલ કેશપે ભારત આવ્યા બાદ સૌપ્રથમ આ શબ્દોમાં પોતાની પ્રતિક્રિયા વ્યકત કરી હતી.
તેમણે 1970 અને 80ની શરુઆતમાં પોતાના પિતા સાથે ઉનાળુ વેકેશનમાં પાનીપતમાં તેમના દાદીમાના નિવાસે એસ.ટી. બસમાં કરેલી મુસાફરીને પણ યાદ કરી હતી. દાદીમાએ વિદેશથી આવેલા પ્રપૈાત્રને હલવા પૂરી ખવરાવી હતી.
50 વર્ષના કેશપ શુક્રવારે રાત્રે પરત ભારત આવ્યા છે. પરંતુ આ વખતે તેઓ અમેરિકાના રાજદૂત તરીકે પદભાર સંભાળવા આવ્યા છે. કેશપના પિતા કેશપ ચંદર સેન ભાગલા સમયના નિરાશ્રિત હતા જે લાહોરથી દિલ્હી આવ્યા હતા. તેઓ 1940માં દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી સ્નાતક થયા બાદ પંજાબમાં સનદી સેવામાં જોડાયા હતા. સાત વર્ષ શિમલામાં નોકરી કર્યા બાદ તેઓ ઇકોનોમિક્સમાં પી.એચ.ડી. કરવા લંડન ગયા હતા, જ્યાં તેઓ કેશપના માતા ઝો કાલ્વર્ટને મળ્યા. 1958 અને 1960 વચ્ચે કાલ્વર્ટ દિલ્હીમાં અમેરિકી દૂતાવાસમાં એક રાજદ્વારી તરીકે નિયુક્ત થયા હતા. ત્યાંથી તેઓ લંડનના અમેરિકી દૂતાવાસમાં નિયુક્ત થયા હતા, જ્યાં 1960માં તેમનો મેળાપ સેન સાથે થયો હતો.

કેશપના પિતા આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન અને સંયુક્ત રાષ્ટ્ર સંઘના અન્ય સંસ્થાનોમાં ફરજ બજાવવા ગયા હતા. કેશપે પોતાની માતાએ એક રાજદ્વારી તરીકેના કાર્યકાળની કરેલી વાતોને યાદ કરતા કહ્યું કે, “હાલમાં જ્યાં અમેરિકી દૂતાવાસ આવેલ છે તે ચાણક્યપૂરીમાં વિવિધ દેશો પોતાના દૂતાવાસની ઇમારતો બાંધી રહ્યું હોવાના કારણે એક બાંધકામનું સ્થળ હતું. અમેરિકી દૂતાવાસ આસપાસ કોઇ દિવાલ નહોતી. તમે વાડ ઓળંગીને શેરીમાં ચાલીને બીજી વાડ કૂદો એટલે દૂતાવાસમાં આવી જાવ. મારી માતાએ કહેલું કે તે જંગલ હોવાથી રાત્રે તમે શિયાળના અવાજો સાંભળી શકતા હતા.”
1959માં રાજદૂતાવાસમાં તેઓના કાર્યકાળ દરમિયાન અમેરિકાના પ્રમુખ આઈઝનહોવર ભારતની મુલાકાતે આવેલા. સ્વતંત્ર ભારતમાં અમેરિકી પ્રમુખની આ પ્રથમ મુલાકાત હતી. કેશપનો જન્મ 1971માં નાઇઝિરિયામાં થયો હતો. તેઓ કહે છે કે, ઉત્તર ભારતના ઉનાળાની અનેક સ્મૃતિઓ મારા મનમાં સચવાયેલી છે. 70ના દાયકાનું ભારત મને યાદ છે, જે આજના ભારતથી ઘણું અલગ હતું. છેલ્લા 50 વર્ષમાં ભારતે મેળવેલી સિધ્ધિઓ આશ્ચર્યજનક છે,”
કેશપના પિતા તેમની જીંદગીના છેલ્લા 15 વર્ષથી મૈસૂરમાં સ્થાયી થયા હતા અને ‘લોક્ટ કોઝ-મિની ફંડ’ નામે ચેરિટી સંસ્થા ચલાવતા હતા. આ સંસ્થા જરુરિયાતમંદોને પુસ્તકો, દવાઓ અને ખોરાક પૂરો પાડી રહી છે. 2008માં તેમનું નિધન થયું હતું.
એ દરમિયાન કેશપે રાજદ્વારીની કારકિર્દીમાં આગળ વધીને નવી દિલ્હીના અમેરિકી દૂતાવાસમાં એક 2005થી 2008 સુધી રાજકીય કાઉન્સેલર તરીકે તેમની કારકિર્દીની શરુઆત કરી હતી. અમેરિકી રાજદૂત ડેવિડ મલફોર્ડ હેઠળ થયેલા ભારત-અમેરિકી અણુશસ્ત્ર કરારની ટીમના તેઓ એક ભાગ હતા.
2013 અને 2015 વચ્ચે કેશપે દક્ષિણ એશિયાના અમેરિકાના ડેપ્યુટી આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે રહીને ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, માલદિવ્સ અને ભૂતાન પરત્વેની અમેરિકાની નીતિના સંકલન માટે આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ નિશા દેસાઇ બિસ્વાલ સાથે નજીકથી કામગીરી કરી ચૂક્યા છે. 2015થી 2018 દરમિયાન તેઓ શ્રીલંકા અને માલદિવ્સ ખાતેના અમેરિકાના રાજદૂત રહ્યા હતા.
દિલ્હીમાં અમેરિકી દૂતાવાસમાં પોતાની કારકિર્દીમાં બીજી વખત નિંયુક્તિ પામેલા કેશપે કહ્યું હતું કે મારા માટે આ નિમણૂંક ઘણી અર્થપૂર્ણ છે. ભારત સાથેનો મારો પરિવારનો ઇતિહાસ ઘણો પૂરાણો છે. હું મારાથી શ્રેષ્ઠ થઇ શકે તે કરવા ઇચ્છું છું અને મને ખુશી છે કે મને તક મળી છે. પ્રમુખ જો બાઇડન અમેરિકાની સેનેટમાં તેમના નામની મંજૂરી પ્રાપ્ત કરે ત્યાં સુધી કેશપ આ હોદ્દા ઉપર રહેશે.
ભોજનમાં તેમને દાલ મખની અને નાન પસંદ છે. બોલિવુડના અભિનેતા આમિર ખાન અને થ્રી ઇડિયટ્સ ફિલ્મ તેમને ગમે છે. ભારતમાં દિલ્હી, મૈસૂર અને શિમલા તેમની પસંદ છે. ક્વાડ અને ભારત સાથેના સંબંધો તેમની પ્રાથમિકતા છે.

Your email address will not be published.