કચ્છઃ માઉન્ટ એવરેસ્ટ સર કરવો અત્યંત કપરુ કાર્ય છે. તેમા હજી થોડા સમય પહેલા જ ગુજરાતની નવ વર્ષની દીકરીએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો ત્યાં હવે કચ્છના 43 વર્ષીય જતીન ચૌધરીએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે. આમ તે માઉન્ટ એવરેસ્ટ સર કરનારા પ્રથમ કચ્છી વ્યક્તિ બન્યા છે.
માઉન્ટ એવરેસ્ટ વિશ્વમાં સૌથી ઊંચાઈ ધરાવતું શિખર છે. હિમાલય પર્વતમાળામાં આવેલું આ શિખર નેપાળની હદમાં આવે છે. જતીને 8,848 મીટર (29028) શિખર પર પહોંચીને મોટી સિદ્ધિ મેળવી છે. નેપાળના પ્રવાસન સચિવ દ્વારા સાત સમિટ ટ્રેકના અભિયાનમાં તેને ટીમ લીડર બનાવવામાં આવ્યો હતો. આ ટીમમાં વિશ્વના વિવિધ ભાગોમાંથી 50 પર્વતારોહકોએ ભાગ લીધો હતો. આ જ ટીમ દ્વારા પર્વત પર ફેલાવાતા કચરાને રોકવા અને પ્રકૃતિના જતનનો પણ સંદેશો આપવામાં આવ્યો હતો. જતીન ચૌધરીએ એવરેસ્ટ સર કરીને કચ્છની સાથે સમગ્ર રાજ્ય અને દેશનું નામ રોશન કર્યુ છે.