કચ્છ: પુત્રની ફી ભરવા પિતાએ વેપારીની હત્યા કરી લૂંટ ચલાવી

| Updated: May 23, 2022 4:32 pm

ગુજરાતના કચ્છ જિલ્લાનાં મુન્દ્રા તાલુકાના વડલા ગામમાં 52 વર્ષીય વ્યક્તિએ મુંબઈના 60 વર્ષીય વેપારીની છરીના ઘા મારીને હત્યા કરી તેના સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી.

આ ઘટના 25 એપ્રિલની રાત્રે બની હતી. જો કે, રવિવારે કચ્છ (પશ્ચિમ) પોલીસે વડાળા ગામે રહેતા અને મજુરી કરતાં આરોપી વાલા ગઢવીની ધરપકડ કરી ત્યારે સમગ્ર ઘટનાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
પૂછપરછ દરમિયાન ગઢવીએ જણાવ્યું હતું કે તે પહેલેથી જ દેવામાં ડૂબેલો હતો અને તેને મુન્દ્રામાં ધોરણ 12માં ભણતા તેના મોટા પુત્રની હોસ્ટેલ અને શાળાની ફી ભરવા માટે 35,000 રૂપિયાની જરૂર હતી.

ભોગ બનનાર મનસુખ સતારા પોતાના વતન વડાલા ગામમાં પ્લોટમાં રોકાણ કરવા આવ્યા હતા. દરમિયાન ગઢવીની નજર મુંબઈનાં વેપારી સતારા પર પડી, જેમણે સોનાની ચેઇન, બ્રેસલેટ અને પેન્ડન્ટ પહેર્યું હતું. ગઠવીએ તેને લૂંટવાની યોજના બનાવી અને તેમને જમીન બતાવવાની વાત કરી હતી.

તે પછી 25 એપ્રિલની સાંજે ગઢવી સાતારાને ગામની સીમમાં લઇ ગયો હતો અને સતારાના દાગીના લુંટવાનો પ્રયાસ કર્યો હતો. સતારાએ પ્રતિકાર કરતાં ગઢવીએ તિક્ષ્ણ હથિયારથી 12 જેટલા ઘા ઝીંકી દેતા સતારાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

કચ્છના નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલના જણાવ્યા મુજબ સતારાના સંબંધી મુકેશ છેડાની ફરિયાદના પગલે મુન્દ્રા પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ગઢવીએ સોનાનો બ્રેસલેટ ગીરવે મૂકીને રૂપિયા 1.1 લાખ ઉછીના લીધા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું અને તેની ધરપકડ કરી હતી.

ગઢવીએ પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો કબૂલ્યો હતો. પોલીસે ગઢવી પાસેથી મૃતકનો મોબાઇલ ફોન, સોનાની ચેઇન, અને પેન્ડન્ટ જપ્ત કર્યા હતા.

જે.એન.પંચાલે જણાવ્યું હતું કે મજુરી કરતાં ગઢવીને બે પુત્રો છે. નાનો પુત્ર ધારણ 9માં અને મોટો ધોરણ 12માં ભણે છે. મોટા પુત્રની હોસ્ટેલ અને શાળાની ફી માટે 35,000 રૂપિયા ભરવાના હોવાથી આ ગુનો આચર્યો હતો.

Your email address will not be published.