અરવલ્લી જિલ્લામાં ગત શુક્રવારના રોજ ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા. ભારે વરસાદને પગલે લોકોની ઘરોમાં અને દુકાનોમાં પાણી ઘૂસી જતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મોડાસાના લાલપુર ગામે આવેલી નદી પરનો કોઝવે છલકાયો હતો, જેને પગલે કેટલાક ફસાયેલા વિદ્યાર્થીઓને જેસીબીની મદદથી સામે કાંઠે લઈ જવાયા હતા.
અરવલ્લીમાં વરસેલા ભારે વરસાદને કારણે મોડાસાના લાલપુર ગામે આવેલી નદી પરનો કોઝવે છલકાયો હતો, જેથી શાળાએ જતા વિદ્યાર્થીઓ ઘરે પરત ફરી શકે તેમ ન હતા. જેસીબીની મદદથી તમામ શાળાનાં બાળકોને અંધકારમાં સામેના તીરે પહોંચાડી રેસ્ક્યૂ કરાયું હતું. ઉપરાંત જિલ્લાના ટીંટીસર ગામમાં પણ સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો, જેને પગલે ખેતરો પાણીથી ભરાઈ ગયાં હતાં. ઉપરાંત ગામની મધ્યમાં પણ ઢીંચણસમાં પાણી ભરાયાં હતાં.
આ સિવાય સજાપુરમાં એક બાઇક ભારે પાણીના પ્રવાહમાં તણાઈ જાય તેવા સંજોગો ઊભા થયા હતા, પરંતુ કેટલાક યુવકોએ એ તણાતી બાઇકને પ્લાસ્ટિકનું દોરડું બાંધી પાણીના સામા પ્રવાહે ખેંચી એને બચાવી લેવાઈ હતી. આમ, ગ્રામ્ય વિસ્તારોમાં ખાબકેલ ભારે વરસાદને કારણે બાઈકના રેસ્ક્યૂનાં દૃશ્યો કેમેરામાં કેદ થયાં હતાં.
રાજયમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે તો સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. તો બીજી બાજુ અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે.