જેતપુરમાં ખનીજ માફિયાઓની દબંગાઈ : હવે ક્યાંય રજુઆત કરીશ તો જીવતો ફૂંકી મારીશ, વૃદ્ધને માર્યો ઢોર માર

| Updated: November 25, 2021 4:07 pm

જેતપુર તાલુકા પંથકમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. ખનીજ ચોરી બાબતે વારંવાર સરકારી તંત્રોને રજૂઆત કરનાર કાગવડના એક વૃદ્ધ ઉપર ખનીજ ચોરી કરતા પાંચ શખ્સોએ હુમલો કર્યો હતો. જે ઈજાગર્સ્ત વૃદ્ધને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અહિયાંથી ન અટકતા હુમલાખોર ખનીજ માફિયાઓએ રજૂઆત કરનાર વૃદ્ધને રિવોલ્વર બતાવી, હવે પછી ક્યારેય રજૂઆત કરી છે તો તને ફૂંકી મારીને જીવતો પતાવી દઈશું તેવી ધમકી આપી હતી. હોસ્પિટલ દોડી ગયેલી પોલીસે ઇજાગ્રસ્ત વૃદ્ધનું નિવેદન લઇને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો જેતપુર તાલુકાના કાગવડ ગામે રહેતા અને માલધારી તરીકે જીવન જીવતા હેમંતગર વજેગર મેઘનાથી નામના વૃદ્ધે છેલ્લા ચાર વર્ષથી કાગવડ વિસ્તારમાં બેરોકટોક ખનીજ ચોરી બાબતે જેતપુર સહિત લાગતા વળગતા સત્તાવાળાઓને રજૂઆત કરતા આવ્યા છે. છતાં ખનીજ માફિયાઓને સરકારી તંત્ર સાથે જાણે મીલીભગત હોય તેમ કોઈ પણ પ્રકારના પગલા ભરાતા નથી. ત્યારે કાગવડમાં ગૌચરની જમીન ખોદી રહેલા ખનીજ ચોરો બાબતે હેમંતગરભાઈએ તાલુકા વિકાસ અધિકારીને ટેલિફોનિક જાણ કરતા ટીડીઓએ તાત્કાલિક આ ખનિજ ચોરી અટકાવી દીધી હતી. પરંતુ આ વાતનો રાગદ્વેષ રાખીને કિશન સહિત પાંચ શખ્સોએ રજૂઆત કરનારના ઘરે પહોંચી લાકડી તેમજ ઢીકાપાટુનો માર મારી માલધારી વૃદ્ધને ઘાયલ કરી દીધા હતા.

દરમિયાન મૂંઢ મારથી પીડાતા ઇજાગ્રસ્ત વૃદ્ધ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. અહીં હોસ્પિટલ ખાતે દોડી ગયેલી પોલીસ સમક્ષ ઇજાગ્રસ્ત વૃદ્ધે નિવેદન આપ્યું હતું કે કાગવડની ધાર વિસ્તારમાં થતી ખનીજ ચોરી બાબતે તેમણે તાલુકા વિકાસ અધિકારીને ટેલિફોનિક જાણ કરતા ખનીજ ચોરો લાજવાને બદલે ગાજીને તેમના ઉપર હુમલો કર્યો હતો. એટલું જ નહીં એવી ધમકી આપી હતી કે હવે પછી ખનીજચોરી બાબતે ક્યાંય પણ રજૂઆત કરી છે તો ફૂંકી મારીને જીવતો પતાવી દેશે. હોસ્પિટલમાં સારવાર લેતા વૃદ્ધે આક્ષેપ કરતા કહ્યું હતું કે પોતાના પર હુમલો કરવામાં કાગવડના સરપંચ તેમજ એક કિશન નામના શખ્સ સહિત 5 હતા. હુમલા દરમિયાન તેમના ચશ્મા તૂટી જતા તેઓ હુમલાખોરોને બરાબર ઓળખી શક્યા નહોતા. પોલીસે ઇજાગ્રસ્ત વૃદ્ધના નિવેદન પરથી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

Your email address will not be published. Required fields are marked *