ગાંધીનગરથી મણિપુરની રાજધાની ઇમ્ફાલ સુધી 3040 કિ.મી. લાંબી સાયક્લોથોનનો પ્રારંભ

| Updated: January 3, 2022 2:08 pm

‘ફિટ ઇન્ડિયા સાયક્લોથોન’માં ભાગ લેનાર 75 સાયકલવીરોને અભિનંદન આપી શુભેચ્છાઓ આપી હતી. ગૃહ રાજયમંત્રીએ શુભેચ્છાઓ આપતા જણાવ્યું કે ગુજરાતની ધરતી પર સાયકલ રેલીમાં દેશભરમાંથી ભાગ લેવા આવેલા બીએસએફ, સીઆઇએસએફ, સીઆરપીએફ, આઈટીબીપી, એનએસજી, એસએસબી અને આસામ રાઈફલ્સના જવાનોની હાજરીથી મિનિ ભારતના દર્શન થયા છે. ગુજરાતને સ્પર્શતી આંતરરાષ્ટ્રીય સીમા-સરહદી સુરક્ષામાં બીએસએફ અને ગુજરાત પોલીસનું પ્રદાન ખૂબ મહત્વનું છે.

આઝાદીના અમૃત મહોત્સવ અને ફિટ ઇન્ડિયા અંતર્ગત બીએસએફ ગુજરાત દ્વારા આયોજિત ગુજરાતની રાજધાની ગાંધીનગરથી મણિપુરની રાજધાની ઇમ્ફાલ સુધી 3040 કિલોમીટર લાંબી ‘ફિટ ઇન્ડિયા સાયક્લોથોન’નું આજે બીએસએફ કેમ્પસ, ગાંધીનગરથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર સ્થિત બીએસએફ, આર્મી, એરફોર્સ, સીઆરપીએફ, ઇન્ડિયન કોસ્ટગાર્ડ સહિતના સુરક્ષાદળોના જવાનો અને તેમના પરિવારોને માન-સન્માન આપી પ્રોત્સાહિત કરવા ગુજરાત સરકારના યુવા-સાંસ્કૃતિક વિભાગ દ્વારા દેશભક્તિ આધારિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આગામી સમયમાં આયોજન કરવામાં આવશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

સાયકલ પ્રસ્થાન કાર્યક્રમમાં જવાનો દ્વારા આસામનું પારંપારિક નૃત્ય બિહુ, પંજાબનું ભાંગડા નૃત્ય, દેશભક્તિના ગીતો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભે બીએસએફ ગુજરાતના આઈજી જી.એસ. મલિકે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ અને ફિટ ઈન્ડિયાના ઉપલક્ષમાં બોર્ડ સિક્યોરિટી ફોર્સ દ્વારા ભારતભરમાં વિવિધ સાયકલરેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આજે બીએસએફના નેતૃત્વમાં વિવિધ 7 દળોના 75 સાયકલવીરો દ્વારા ગાંધીનગરથી ઈમ્ફાલ સુધી 3040 કિ.મી.ની સાયક્લોથોનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

તા. 3 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી-2022 દરમિયાન 49 દિવસ આ સાયકલ રેલી યોજાશે. જયારે કાર્યક્રમના અંતે બીએસએફના ડીઆઈજી ઈપન પી વીએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે ગુજરાત પોલીસના વડા આશિષ ભાટિયા, ભારતીય વાયુદળ, આર્મી, ભારતીય તટરક્ષકદળ સહિત બીએસએફના ઉચ્ચ અધિકારીઓ-જવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

Your email address will not be published.