જાણો ક્રેડિટ કાર્ડના નવા પાંચ નિયમો વિશે

| Updated: July 1, 2022 1:00 pm

1 જુલાઈથી, ક્રેડિટ કાર્ડને લગતા નવા નિયમો અમલમાં આવશે, જેમાં કાર્ડ્સ ઇશ્યુ કરવા, બિલિંગ અને કાર્ડ બંધ કરવા સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે. ક્રેડિટ કાર્ડના નવા નિયમો ભારતમાં કામ કરતી તમામ શિડ્યુલ્ડ બેંક (પેમેન્ટ બેંક, રાજ્ય સહકારી બેંક અને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો સિવાય) અને તમામ નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) પર લાગુ થશે. કેન્દ્રીય બેંકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ – ઇશ્યૂ એન્ડ કંડક્ટ) 2022 હેઠળ નિર્દેશો જારી કર્યા છે જેનો હેતુ સામાન્ય લોકોની મુશ્કેલીઓ દુર કરવાનો છે.

ક્રેડિટ કાર્ડના નવા નિયમો નીચે મુજબ છે.

ક્રેડિટ કાર્ડ કંપનીઓ અનિચ્છનીય ક્રેડિટ કાર્ડ જારી કરી શકશે નહીં.

આરબીઆઈએ અનિચ્છનીય ક્રેડિટ કાર્ડ જારી કરવા પર સખત પ્રતિબંધ મૂક્યો છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે, જો કોઈ અનિચ્છનીય કાર્ડ જારી કરવામાં આવે, કાર્ડધારકની સ્પષ્ટ સંમતિ વિના અપગ્રેડ કરે અને તેનું બિલ આપવામાં આવે, તો કાર્ડ-ઇશ્યુઅર ચાર્જને પાછો ખેંચશે એટલું જ નહીં રિવર્સ કરેલા ચાર્જથી બમણી રકમનો દંડ ચુકવવો પડશે. આ ઉપરાંત, જેનાં નામનું કાર્ડ જારી કર્યું હોય  તે આરબીઆઈના ઓમ્બડ્સમેનનો પણ સંપર્ક કરી શકે છે, જે કાર્ડ જારી કરનાર દ્વારા ચૂકવવાપાત્ર વળતરની રકમ નક્કી કરશે. વિના મૂલ્યે ક્રેડિટ કાર્ડ અપાય તો કોઈ છૂપો ચાર્જ લાગશે નહીં.

વિનંતી છતાં ક્રેડિટ કાર્ડ બંધ ન કરવા બદલ ભારે દંડ

આરબીઆઈએ જણાવ્યું છે કે, કાર્ડધારક ક્રેડિટ કાર્ડ બંધ કરવાની વિનંતી કરે તો કામકાજનાં સાત દિવસમાં કાર્ડ બંધ કરવું પડશે. ક્રેડિટ કાર્ડ બંધ થયા બાદ કાર્ડધારકને ઈ-મેઈલ, એસએમએસથી તાત્કાલિક જાણ કરવાની રહેશે. સાત  દિવસમાં કાર્ડ બંધ ન કરાય તો જયાં સુધી એકાઉન્ટ બંધ ન થાય ત્યાં સુધી રોજના 500 રૂપિયાનો દંડ થશે.

ક્રેડિટ બેલેન્સ કાર્ડધારકના ખાતામાં જમા થશે

કાર્ડધારકના ખાતામાં ક્રેડિટ બેલેન્સ હોય તો નવા નિયમો મુજબ તેમના બેંક ખાતામાં જમા કરાવવું પડશે. ક્રેડિટ કાર્ડ બંધ થયા પછી, ક્રેડિટ કાર્ડ એકાઉન્ટની કોઈપણ ક્રેડિટ બેલેન્સ કાર્ડધારકના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આરબીઆઈએ જણાવ્યું હતું કે, કાર્ડ જારી કરનારાઓએ કાર્ડધારકના બેંક ખાતાની વિગતો મેળવવી પડશે.

તમારી ક્રેડિટ કાર્ડ બિલિંગ સાઇકલ પસંદ કરો

ક્રેડિટ કાર્ડના બિલિંગ સાઇકલને સમયમર્યાદા તરીકે ગણવામાં આવે છે જેમાં ક્રેડિટ કાર્ડનું બિલ બનાવવામાં આવે છે. આરબીઆઇની ગાઇડલાઇનમાં જણાવવામાં આવ્યું છે કે, 1 જુલાઇથી ક્રેડિટ કાર્ડની બિલિંગ સાઇકલ પાછલા મહિનાના 11માં દિવસે શરૂ થશે અને ચાલુ મહિનાના 10મા દિવસે પૂરી થશે. કાર્ડધારકોને તેમની સુવિધા મુજબ ક્રેડિટ કાર્ડના બિલિંગ સાઇકલમાં ફેરફાર કરવા માટે એક વખતનો વિકલ્પ પૂરો પાડવામાં આવશે.

ક્રેડિટ કાર્ડ કંપનીઓ ખોટા બિલ મોકલી શકે નહીં

ક્રેડિટ કાર્ડ કંપનીઓ ખોટા બિલ મોકલી શકે નહીં. આરબીઆઈએ ક્રેડિટ કાર્ડના નવા નિયમોને સૂચિત કરતા જણાવ્યું હતું કે, જો કોઈ કાર્ડધારકને કોઈ પણ બિલ સામે વાંધો હોય તો  કાર્ડ જારી કરનારે ખુલાસો આપવો પડશે અને  ફરિયાદની તારીખથી વધુમાં વધુ 30 દિવસમાં કાર્ડધારકને દસ્તાવેજી પુરાવા આપવા પડશે.

Your email address will not be published.