હિન્દૂ ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું અનોખું ધાર્મિક માહાત્મ્ય છે. ચૈત્ર નવરાત્રિનો દરેક દિવસ મા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોમાંથી એક યા બીજા સ્વરૂપ સાથે જોડાયેલ છે. ચૈત્ર નવરાત્રીનો બીજો દિવસ મા દુર્ગાના અન્ય સ્વરૂપ બ્રહ્મચારિણી સાથે જોડાયેલો છે. ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે એટલેકે આજે મા દુર્ગાની બ્રહ્મચારિણી સ્વરૂપે પૂજા કરવામાં આવે છે. અહીં ‘બ્રહ્મા’ શબ્દનો અર્થ થાય છે તપસ્યા અને ‘બ્રહ્મચારિણી’નો અર્થ થાય છે તપસ્યા કરનાર. મા દુર્ગાનું આ સ્વરૂપ શાશ્વત પરિણામ આપનાર છે. તે ભક્તોના કષ્ટ કાપી તેમના જીવનમાં સુખ શાંતિ પ્રદાન કરનાર છે.
આજના દિવસે માતાને શ્રદ્ધા પૂર્વક સફેદ અને સુગંધિત ફૂલો અર્પણ કરો
મા બ્રહ્મચારિણીનુ સ્વરૂપ અત્યંત ભવ્ય અને જ્યોર્તિમય છે. તપશ્ચારિણી, અપર્ણા અને ઉમા મા બ્રહ્મચારિણીના અન્ય નામ છે. આજના દિવસે માતાની ઉપાસનાથી શ્રદ્ધાળુની બધી મનોકામના પૂર્ણ થાય છે. આજના દિવસે માતાને શ્રદ્ધા પૂર્વક સફેદ અને સુગંધિત ફૂલો અર્પણ કરો. કમળનું ફૂલ માતાને અર્પણ કરો. ઘી અને કપૂર મિક્સ કરીને માતાની આરતી કરો. આમ કરવાથી તમારા પર માં બ્રહ્મચારિણીની કૃપા વરસશે અને જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન થશે.
મા બ્રહ્મચારિણીને ખાંડનો નૈવેદ્ય પસંદ છે
નૈવેદ્ય વિષે વાત કરીયે તો મા બ્રહ્મચારિણીને ખાંડનો નૈવેદ્ય પસંદ છે. માતાને ખાંડનો ભોગ ધરાવવાથી પરિવારના સદસ્યોનું આયુષ્ય વધે છે. આજના દિવસે બ્રાહ્મણને પણ ખાંડનું દાન કરો અને નીચે સૂચવેલ મંત્રનો 108 વાર જાપ અવશ્ય કરો.
“ઓમ હ્રીં ક્લીમ બ્રહ્મચારિણ્યાય નમઃ.”
નવ ગ્રહોમાંથી મંગળ પર મા બ્રહ્મચારિણીનું શાસન છે
નવ ગ્રહોમાંથી મંગળ પર મા બ્રહ્મચારિણીનું શાસન છે. તેથી મંગળ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આજે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવી ખૂબ જ ફાયદાકારક રહેશે.
મા બ્રહ્મચારિણી, સફેદ વસ્ત્રો ધારણ કરે છે
મા બ્રહ્મચારિણી, સફેદ વસ્ત્રો ધારણ કરે છે, માતાજી તેમના જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડલ ધરાવે છે. તેમની પૂજા કરવાથી જપ અને તપની શક્તિ વધે છે.
નવરાત્રિના બીજા દિવસે માતાને રેશમી પટ્ટી ચઢાવવી જોઈએ
ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે, વાળ ધોવા માટે માતાને ચંદન અને ત્રિફળા ચઢાવવા જોઈએ. નવરાત્રિના બીજા દિવસે વાળને યોગ્ય જગ્યાએ રાખવા માટે માતાને રેશમી પટ્ટી ચઢાવવી જોઈએ. જે પ્રથમ દિવસની ભેટ દેવી માતાને આપી શક્યા ન હોય તેઓએ બંને દિવસોની ભેટ માતાને બીજા દિવસે આપવી જોઈએ
જો તમારી કુંડળીમાં માંગલિક દોષ હોય તો તમારે સંપૂર્ણ મંગલ યંત્ર ધારણ કરવું જોઈએ
જો તમારી કુંડળીમાં માંગલિક દોષ હોય અને તેને કારણે તમે તમારા માટે કોઈ સારા લગ્ન સંબંધ મેળવી શકતા ન હોવ તો તમારે આજે નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીના આશીર્વાદ મેળવીને સંપૂર્ણ મંગલ યંત્ર ધારણ કરવું જોઈએ. આજે આવું કરવાથી તમારા જન્મપત્રકમાંથી માંગલિક દોષ દૂર થઈ જશે.અને માતાજીની અસીમ કૃપાથી તમને યોગ્ય જીવન સાથી મળશે.
જો તમે તમારા સુખ અને સૌભાગ્યમાં વધારો કરવા ઇચ્છતા હો..તો..
જો તમે તમારા સુખ અને સૌભાગ્યમાં વધારો કરવા ઇચ્છતા હો અને તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો મીઠાશ પૂર્વક જાળવી રાખવા હો, તો આજે તમારે ભગવાન શિવ અને માતા ગૌરીની પૂજા પદ્ધતિસર કરવી જોઈએ. તેમજ નીચે સૂચવેલ મંત્રનો 21 વાર જાપ અવશ્ય કરવો જોઈએ.
ઓમ શં શંકરાય ભવોદ્ભવાય શં ઓમ નમઃ.
આજના દિવસે મા બ્રહ્મચારિણીના આશીર્વાદ આપને અને આપના પરિવારને મળે અને ફળે એવી શુભકામનાઓ