કોરોના મહામારીના કારણે છેલ્લા 18 મહિનાથી ખાનગી ટયુશન ક્લાસિસ બંધ છે તેના કારણે ક્લાસિસ સંચાલકો માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. આર્થિક તંગીનો સામનો કરી રહેલા ટયુશન સંચાલકોએ આજે શિક્ષણમંત્રી ભુપેંદ્રસિંહ ચુડાસમાને લેખિતમાં રજુઆત કરી છે. તેમણે કહ્યું છે કે ઓછામાં ઓછા 50 ટકા ક્ષમતા સાથે તેમને કામ કરવાની છુટ મળવી જોઈએ.
સાથે સાથે તેમણે ચેતવણી પણ આપી છે કે ટ્યુશન ક્લાસિસને તાત્કાલિક મંજુરી આપવામાં નહીં આવે તો તેઓ સામુહિક આત્મવિલોપન કરશે.
ક્લાસિસ સંચાલકોની સમસ્યા તરફ ધ્યાન દોરવા માટે તેમના ઘરના મહિલાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 1000 પત્રો લખશે તેમ તેમણે કહ્યું છે.
કોરોના કાળ દરમિયાન ટયુશન સંચાલકો આર્થિક રીતે તૂટી ગયા છે. ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિયેશન ઉપપ્રમુખ હેંમાગ રાવલના જણાવ્યા અનુસાર, “ઘણા શિક્ષકોએ વ્યવસાય બદલી નાખ્યો છે. કેટલાક લોકોએ આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા પણ કરી લીધી છે. ટયુશન ક્લાસિસ બંધ હોવા છતાં પણ અમારે કોર્પોરેશને ટેક્સ ભરવો પડી રહ્યો છે”
તેઓ કહે છે કે, હવે બધા વ્યવસાય ખુલી ગયા છે. મંદિર, મસ્જિદ, ચર્ચ, જિમ, સ્વિમિંગ પૂલ, થિયેટર ખુલી શકે તો ક્લાસિસ કેમ નહીં? સંચાલકોએ 33 જીલ્લાના કલેક્ટરને પણ આવેદન પત્ર પાઠવ્યું છે. તેમણે ક્લાસ ખોલવાની મંજુરી આપવાની સાથે સાથે પ્રોપર્ટી ટેક્સમાં માફી, લાઈટ બિલમાં રાહતની માંગ પણ કરી છે. ફેડરેશને “હવે તો સમજો” નામે ટ્વિટર ટ્રેન્ડ પણ શરૂ કર્યો હતો અને ત્યાર પછી સરકારને આવેદનપત્ર આપ્યું છે.