દ્વારકાધીશ મંદિરની 52 ગજ ધજા પર પડી વીજળી,જાનહાનિનો કોઈ બનાવ નહીં

| Updated: July 14, 2021 11:57 am

દ્વારકામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં મંગળવારે બપોરે ૨.૩૦ કલાકે વીજળી પડવાની ઘટના બની હતી. વીજળી પડવાના કારણે 52 ગજની ધજાને નુકસાન પહોચ્યું હતું. જોકે આ સિવાય મંદિરમાં બીજે ક્યાંય નુકસાન થયું હોય તેવું નોંધાયું નથી પરંતુ મંદિરની દિવાલો કાળી પડી ગઈ છે તેવું તપાસમાં સામે આવ્યું છે.

મંદિરની ધજા પર વીજળી પાડવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. મંદિરની આજુબાજુમાં મોટાપ્રમાણમાં રહેવાસીઓ છે. એવામાં વીજળી રહેણાંક વિસ્તારમાં પડતી તો મોટું નુકસાન થઇ શકતું હતું.

આપને જણાવી દઈએ કે, દ્વારકાધીશ મંદિરની ધજાનું ખાસ મહત્વ રહેલું છે. દ્વારકાધીશ મંદિર ભારતનું એક માત્ર એવું મંદિર છે કે જ્યાં દિવસમાં પાંચ વાર 52 ગજની ધજા ચઢાવવામાં આવે છે. ભક્તોને ધજાને લઈને એટલી શ્રદ્ધા છે કે લોકો બે બે વર્ષ સુધી પણ ધજા ચઢાવવા માટે રાહ જોતા હોય છે.

આ ઘટના અંગે સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ પહેલીવાર થયું છે કે મંદિરના કોઈક ભાગ પર વીજળી પડી છે. દ્વારકાધીશે મોટી ઘટનામાંથી બચાવી લીધા છે.

આ અંગે દ્વારકાના SDM નિહાર ભેટારિયાએ પણ જણાવ્યું હતું કે, મંગળવારે બપોરે વીજળી પડવાની ઘટના બની હતી. તંત્ર દ્વારા મંદિર પરિસરની તપાસ કરવામાં આવી હતી. વીજળી પડવાથી મંદિરને કોઈ નુકસાન થયું નથી. તપાસ બાદ મંદિરની તમામ ગતિવિધિ પણ સામાન્ય રીતે ચાલી રહી છે.

સમગ્ર ઘટનાની જાણ થતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે વાતચીત કરી સમગ્ર ઘટનાનો ચિતાર મેળવ્યો હતો

દ્વારકાધીશ મંદિર

દ્વારકાધીશ મંદિર 2200થી વધુ વર્ષ જુનું છે અને તે ગોમતી નદી અને અરબી સમુદ્રના કિનારે આવેલું છે. આ મંદિરને જગત મંદિરના નામે પણ ઓળખવામાં આવે છે. ભગવાન કૃષ્ણને સમર્પિત મંદિર ચાર ધામમાંથી એક છે. દરવર્ષે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે.

Your email address will not be published.