કિસાન ક્રેડિટ કાર્ડની જેમ હવે નાના વેપારીઓને પણ મળશે બિઝનેસ ક્રેડિટ કાર્ડ

| Updated: July 30, 2022 4:51 pm

ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ છે તો તેમની જેમ ટૂંક સમયમાં નાના વેપારીઓ માટે પણ બિઝનેસ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની સમિતિએ માઇક્રો, સ્મોલ અને મીડિયમ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રી (MSME)ના પોર્ટલ પર નોંધાયેલા ઉદ્યોગસાહસિકોને જ બિઝનેસ ક્રેડિટ કાર્ડ આપવા ભલામણ કરી છે. આ કાર્ડના લીધે નાના વેપારીઓને ફાયદો એ થશે કે તેમને ઓછા વ્યાજદરે એક લાખ રૂપિયા સુધીની લોન સરળતાથી મળી જશે.

આના લીધે દેશમાં બિઝનેસ શરૂ કરવા માટે બેન્કો પાસેથી લોન લેવી સરળ બનશે. કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી)ની જેમ જ બિઝનેસ ક્રેડિટ કાર્ડ જારી કરવાની યોજના પર કામ કરી રહી છે. બિઝનેસ ક્રેડિટ કાર્ડ સાથે ઉદ્યોગપતિઓ કંઇપણ ગીરવે રાખ્યા વિના સસ્તા દરે લોન મેળવી શકશે. સરકાર ટૂંક સમયમાં તેને રાષ્ટ્રીય સ્તરે લોન્ચ કરી શકે છે. સ્મોલ ઇન્ડસ્ટ્રીઢ જેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા (સિડબી)ને તેની નોડલ એજન્સીની જવાબદારી સોંપવામાં આવી શકે છે.

સંસદીય સ્થાયી સમિતિએ નાણા મંત્રાલય અને વિવિધ બેન્કો સાથે બિઝનેસ ક્રેડિટ કાર્ડ અંગે વાતચીત કરી છે. આ કાર્ડની મર્યાદા 50 હજારથી એક લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. આનો અર્થ એમ થાય કે નાના વેપારીઓને ઓછા વ્યાજદરે એક લાખ રૂપિયાની લોન સરળતાથી મળી જશે. સમિતિનું સ્પષ્ટ કહેવું છે કે આ પ્રકારનું બિઝનેસ કાર્ડ મેળવનારા યુનિટે એમએસએમઇના પોર્ટલ પર નોંધણી કરાવવી જરૂરી છે.

આ પ્રકારનું બિઝનેસ ક્રેડિટ કાર્ડ લોન્ચ થતા કરિયાણાની દુકાન ચલાવતા નાના વેપારીઓને મદદ મળશે. કોરોનાના રોગચાળા દરમિયાન નાના અને મધ્યમ ઉદ્યોગોને સૌથી વધુ નુકસાન થયુ છે. આ કારણે સરકાર હવે બિઝનેસ ક્રેડિટ કાર્ડ શરૂ કરીને આવા ઉદ્યોગોને મદદ કરવાનો પ્રયાસ કરી રહી છે. સંસદની સ્થાયી સમિતિએ આ માટે ભલામણ કરી છે. સમાચાર મુજબ સરકારે આ પ્રસ્તાવ સ્વીકારી લીધો છે અને હવે ટૂંક સમયમાં આ યોજનાને લીલી ઝંડી મળી શકે છે.

રિપોર્ટ મુજબ દેશમાં કુલ 6ૂ.30 કરોડ નાના પાયાના અને 3.31 લાખ લઘુ ઉદ્યોગો છે. કમિટીએ ભલામણ કરી છે કે બિઝનેસમેન કે ઉદ્યોગસાહસિકને કેટલી લોન આપવામાં આવસે તે બેન્કો નક્કી કરશે. આ સાથે તેમનું કહેવું છે કે ક્રેડિટ કાર્ડ દ્વારા લોયલ્ટી પોઇન્ટ્સ, રિવોર્ડ્સ, કેશબેક અને અન્ય લાભો પણ વેપારીઓને આપવા જોઈએ. બિઝનેસ ક્રેડિટ કાર્ડ  MSME  માટે ઉપલબ્ધ તમામ ક્રેડિટ સ્કીમને જોડશે.

Your email address will not be published.