જેતપુરના જાનાધાર પંથકમાં સિંહોએ બળદનું કર્યું મારણઃ ત્રણ-ચાર સિંહની આવ-જાના કારણે ખેડૂતો, પશુપાલકો ભયભીત

| Updated: November 24, 2021 5:22 pm

થોડા સમય પહેલા જેતલસર પંથકના ટીંબડી ગામની ઘટનામાં સાવજોએ મોટી સંખ્યામાં ગાયોના મારણ કર્યા હતા. ત્યારબાદ જેતલસર સમગ્ર પંથકને વન વિભાગ દ્વારા સિંહોનો વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.

છેલ્લા ઘણા મહિનાઓથી સાવજો જેતલસર તેમજ સમઢીયાળા ગામ તેમજ આજુબાજુના વિસ્તારમાં મધરાત્રે અથવા ધોળાં દિવસે લટાર મારવા નીકળી જાય છે. ત્યારે ગત રાત્રીના ચાર વાગ્યાની આસપાસ 1 નર સિંહ તેમજ 2 માદા વનરાજો જેતપુરના જાનાધાર પંથકમાં ચડી આવતા વાડીમાં બાંધેલ બે બળદ અને એક ભેંસમાંથી એક બળદનું મારણ કરતા પશુપાલકો અને ખેડૂતોમાં ભય ફેલાયો છે.

ખેતર માલીક વજુભાઇ ટપુભાઈ સખરેલીયા જણાવે છે કે રાત્રીના 4 વાગ્યાની અરસામાં 3 સિંહોએ ત્રાટકી બળદનું મારણ કર્યું હતું. આ વાતની જાણ કરતા રેન્જ ફોરેસ્ટ અધિકારી રામભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

સિંહે અહીં ધામા નાખતા ખેડૂતોને વાડી વિસ્તારમાં ખેતી કામ કરવા જવામાં ભય ફેલાઈ ગયો છે. ખેડૂતો પોતાના ખેતરે ખેતી કરવા જઇ શકતા નથી. રવિ સીઝન હોવાથી ખેડૂતો રાત્રી દરમિયાન ખેતરમાં પિયત પણ નથી કરી શકતા. તેમજ ખેતરોમાં મજૂરો પણ પોતાના પરિવારને લઈને હિજરત કરવા લાગ્યા છે.

જોકે આ બાબતે ખેડૂતોએ સંબંધિત વનતંત્ર તાકીદે વનરાજાઓનું લોકેશન મેળવી જેતપુર પંથકની જનતા, પશુપાલકો અને ખેડૂતોને સલામતી બક્ષે તેવી માંગ થઇ રહી છે.

(અહેવાલઃ હરેશ ભાલિયા)

Your email address will not be published. Required fields are marked *